Shaurya Parmar

Classics

3  

Shaurya Parmar

Classics

ગળી સેવો

ગળી સેવો

2 mins
414



નાનપણનાં પ્રસંગ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ત્યારે મારી મા મને યાદ આવે. હું જે કહું એ બનાવી આપે અને પોતાના હાથેથી જમાડી વ્હાલ કરે.


એમાંનો એક હંમેશનો જાણે ક્રમ થઈ ગયો હોય એવો મારો ગળી સેવો ખાવાનો શોખ. મને બહુજ ભાવે. અમુક દિવસ થાય એટ્લે હું મમ્મીને કહું કે"મમ્મી સેવો ખાવી છે." એટ્લે મારી મમ્મી તરત બે રૂપિયા કાઢીને આપે અને કે,"જા દરિયાફોઈનાં ગલ્લેથી સેવો લેતો આવ." એ સાંભળતા જ જાણે મને પાંખો આવી જતી. હોય બે જ રૂપિયા પણ જાણે કોઈ મોટો ખજાનો મળી ગયો હોય એવો આનંદ થતો. હું દોટ મૂકતો.


અમારા ઘરની નજીક જ એક દરિયાફોઈનો ગલ્લો હતો. દરિયાફોઈ ખૂબજ ઉંમરલાયક હતા. એકજ પ્રકારની ભૂરા રંગની સાડી અને માથે લાજ કાઢેલી. જાડા કાચના ચશ્માં અને શરીર પરની કરચલીઓ. આજે પણ યાદ કરું એટ્લે આખા દરિયાફોઈ સામે આવી જાય. હું ગલ્લે પહોંચું એટ્લે તરતજ બા બોલે,"ભારતીનો દીકરો આયો ? બોલ શું જોઈએ છે ?" હું તો હોંશેહોંશે બોલી નાખતો,"બા,બે રૂપિયાવાળી સેવોનું પેકેટ આપો." દરિયાફોઈને આંખે દેખાય થોડું ઓછું એટ્લે પેકેટ તો આપી દે પણ બે રૂપિયાનો સિક્કો એકદમ આંખની નજીક લઈને જોવે. એ હજુયે યાદ છે અને ધીમેથી તેમના ડબ્બામાં મૂકી દે.


સેવોનું પેકેટ હાથમાં આવતા હું તીવ્ર ગતિએ ઘરે પહોંચી જઉં. મમ્મીને આપું ને બોલું,"જલ્દી... જલ્દી...બનાવી દે !" એ સ્વાદ માટે આજે પણ ઝંખુ છું. સેવો બનાવે, થાળીમાં પાથરે, ચોસલાં કરે, ઉપર ઈલાયચી,કાજુ,બદામ,કોપરાનું છીણ .....આહાહા ...!વાત જ ના કરો. એ સ્વાદ અને ઉપરથી માનો સ્નેહ. બીજું શું જોઈએ ? 


આજે ફકત યાદો છે બસ. બાકી ના એ બે રૂપિયાનો સિક્કો છે, ના એ દરિયાફોઈનો ગલ્લો, ના એ ગળી સેવો અને ના મારી "મા". 


Rate this content
Log in

Similar gujarati story from Classics