અંગ્રેજીની પથારી
અંગ્રેજીની પથારી


ગુજરાતી થઈને અંગ્રેજી બોલવાની મજા કંઈક અલગજ હોય છે. લોકોને અંગ્રેજી બોલવાની એવી ચાનક ચડી છે કે ના પૂછો વાત. એમાંથી કોથળા ભરાય એટલું હાસ્ય ઉપજે. આ પ્રસંગમાં એક કરતા વધારે પ્રસંગ વણી લઈશ. દરેક ફકરામાં રમૂજી કિસ્સા હશે. તો તૈયાર થઈ જાવ.
અમારા એક સાહેબ જેમને આવી અંગ્રેજી બોલવાની ધોધમાર ટેવ. પાછા ના પડે. એક વખત વાતવાતમાં એ બોલ્યા કે, યાર ! જબ્બર ગાડી માર્કેટમાં આવી છે. મેં પૂછ્યું ,કઈ ગાડી? તરતજ "એકસેલો. . . એક્સેલો!" મેં કીધું,ના હોય. આવી કોઈ ગાડી બજારમાં નથી આવી. કઈ કંપનીની છે? મેં પૂછ્યું. એ બોલ્યા, મહિંદ્રાની. મેં તરત કીધું એ "ઝાયલો". . . !
એક સ્કૂલમાં હું હતો ત્યાં જૂન મહિનામાં પ્રવેશોત્સવ ચાલતો હતો. એમા મુખ્ય શાળા અને સીમની શાળા સરસ ભેગા થઈને કામ કરતા જોઈ મેં વખાણ કર્યા, ખૂબ સરસ એકતા છે. વાહ ! આનંદ થયો. ત્યાંજ એક શિક્ષક બોલી ઊઠ્યા, અમારે પેલેથી "કોર્પોરેશન" કેવુ જ ના પડે. વર્ષોથી "કોર્પોરેશન". મેં કીધું બરાબર ,જોરદાર "કોર્પોરેશન". ખરેખર એમને "કો-ઓપરેશન" કહેવું હતું. પણ સંપ શબ્દ વાપરી શક્યા હોત.
એક વખત અમારે ત્યાં શિક્ષણ જગતની વાતો ચાલતી અને શિક્ષકની વાત આવી ત્યાંજ એક ભાઈ બોલી ઊઠ્યા. દરેક શિક્ષકમાં "કેપેબલતા" છે જ. એ "કેપેબલતા" ને બહાર લાવાની છે. મેં કીધું, હવે તો લાવીજ દેવી છે"કેપેબલતા". એમને "કેપેસીટી" કહેવું હતું. પણ એ સુષુપ્ત શક્તિ શબ્દ વાપરી શક્યા હોત. "અંગ્રેજ ગયે અંગ્રેજી છોડતે ગયે. "
અંતે એક ખતરનાક કિસ્સો.
અમે પી.ટી.સી. કરતા ત્યારે અંગ્રેજી એક અતિશય ગુસ્સાવાળા સાહેબ ભણાવતા. એમને જોઈને લોકો જવાબ ભૂલી જતા. એક વખત એક પ્રશ્ન હતો કે,જોડકા જોડો. એક બાજુ પ્રાણીઓ અને બીજી બાજુ એના રંગ આપેલા. એમાં એક મિત્ર ઊભો થયો. ધ્રૂજતો હતો. પેલા સાહેબ બોલ્યા, વાંચ અને જોડકા જોડ. મિત્ર બોલ્યો એક "સ્નેક" ( સાપ ). . . ને ઊભો રહી ગયો. પેલા સાહેબ ગુસ્સે થયા જવાબ બોલ. મિત્રને સ્નેક એટલે ખબર નઈ. એ બીકનો માર્યો બોલી ગયો "વ્હાઇટ" (સફેદ). . . પેલા શિક્ષક સાપના અભીનય સાથે બોલ્યા, તારા પપ્પા રંગવા ગ્યાતા? અને આખો વર્ગ અનરાધાર હસી પડ્યો.
આહા ! હજુ ઘણા પ્રસંગ યાદ આવે છે. પણ હવે વિરામ આપું છું. આશા છે તમને આનંદ થયો હશે. આભાર.