શિક્ષક કેવો હોવો જોઈએ ?
શિક્ષક કેવો હોવો જોઈએ ?


મોતીભાઈ અમિન અધ્યાપન મંદિર મોગરીમાં અભ્યાસ દરમિયાનનો એક ખરેખર યાદગાર પ્રસંગ જે લખવાનું મન થાય અને જીવનમાં ઉતારવાનું પણ.આ અમારા આચાર્ય શ્રી વાણી સાહેબ જ્યારે ભણાવતા હતા ત્યારનો યાદગાર પ્રસંગ છે.
વાણી સાહેબ અમને કેળવણી ભણાવતા. એક દિવસ કેળવણીનો તાસ શરૂ થયો. વાણી સાહેબ દરરોજની જેમ મુખ પર હાસ્ય સાથે પ્રવેશ્યા. અમે ઊભા થયા અને નમસ્તે કહીને બેસી ગયા.વાણી સાહેબે આવીને ભણાવતા ભણાવતા એક પ્રશ્ન કર્યો કે, શિક્ષક કેવો હોવો જોઈએ? બધાજ તાલીમાર્થીઓ ખુબજ હોશિયાર હતા. જવાબ આપવા માટે પણ એટલાજ ઉત્સુક. બધાએ હાથ ઊંચા કર્યા.
વાણી સાહેબે એક પછી એક તાલીમાર્થીને જવાબ જણાવવા કહ્યું. કોઈએ ઊભા થઈને કહ્યું કે, ”શિક્ષક જ્ઞાની હોવો જોઈએ.”કોઈએ કહ્યું,”શિક્ષકને વિષયવસ્તુનું પૂરેપુરું જ્ઞાન હોવું જોઈએ.” કોઈ કહે, ”શિક્ષકને સંગીત,ચિત્ર,વ્યાયામ પણ આવડવું જોઈએ.”બીજો મિત્ર બોલ્યો કે, ”શિક્ષકને લોક સંપર્ક, પર્યાવરણની જાળવણી, તેમજ બધાજ પત્રકો વિષે જ્ઞાન હોવું જોઈએ. ”બધાજ જવાબો આપતા હતા અને વાણી સાહેબ સાચી વાત છે, ખૂબ સરસ એવું બોલતા જતાં હતા. ઘણાબધા જવાબો મળ્યા પણ વાણી સાહેબને સંતોષ ના થયો.
બધાજ જવાબ આપી રહ્યા બાદ વાણી સાહેબે કીધું હજુય કોઈને કઈ કેહવું છે?બધાએ સામૂહિક ઉત્તર આપ્યો “ના”. વાણી સાહેબે કહ્યું કે, ”બધુજ સાચું પણ ધ્યાનથી સાંભળજો મિત્રો એક શિક્ષક કેવો હોવો જોઈએ ? તો એ હસમુખો હોવો જોઈએ. ”અમે આશ્ચર્યથી જોતાં રહ્યા. વાણી સાહેબ આગળ બોલ્યા, ”જ્ઞાન ગમે તેટલું હશે મોઢું હસતું નહીં હોય તો કોઈને રસ નહીં પડે. રસ નહિ હોય તો ધ્યાન ક્યાંથી આવશે? જો ધ્યાન નહીં હોય તો કઈ નહીં આવડે.”
બસ આટલું હું શીખ્યો. આજે પણ યાદ છે એ શબ્દો..હંમેશા યાદ રાખીશ. વાણી સાહેબને બે હાથ જોડીને વંદન. છેલ્લે તેમના ત્રણ શબ્દો હંમેશા કાનમાં ગુંજયા કરે “બોવ સારું નય.” અને હું ખડખડાટ હસી પડું છું. વાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર.