ભૂખ્યાને ભાન ના હોય
ભૂખ્યાને ભાન ના હોય


આજે તારીખ 16/4/2020 ને શનિવાર. મારી માતાને સ્વર્ગમાં ગયે ત્રણ વર્ષ થયાં. હું દર વખતે આ દિવસે અમુક રકમ દાન માટે વાપરું છું. આ વખતે કોરોનાના કારણે લોકડાઉનના લીધે શું કરવું એ વિચાર માંગી લે એવું હતું. છતાંય કહે છે ને,"મન હોય તો માળવે જવાય."રસ્તો તો મળી જ જાય.
ગઈ કાલે રાત્રે પથારીમાં પડ્યા પડ્યા વિચાર આવ્યો કે સવારે ઊઠીને પાર્લેજી બિસ્કિટનું મોટું ખોખું ખરીદી લઈશ અને રસ્તામાં જેને આપવા જેવું લાગે એને વહેચી દઈશ.
આજે સવારે વહેલા ઊઠી,નાહી ધોઈ, દર્શન કરીને સીધો જ પાર્લેજીના જથ્થાબંધ વેપારી પાસે પહોંચી ગયો. ત્યાંથી એક ખોખું બિસ્કિટ ખરીદી લીધા. રકમ એટલી મોટી ન હતી. ફકત ૬૭૦ રૂપિયા અને તેમાં ૧૪૪ નંગ બિસ્કિટના પેકેટ આવ્યા. પછી શું?
બસ એક્ટિવાની આગળ ખોખું મૂકીને જ્યાં જ્યાં રસ્તામાં આપવા યોગ્ય લાગે ત્યાં
પેકેટ આપી દઉં. ગરીબીના અનુભવો તો ઘણા થયા છે પણ આજનો અનુભવ જુદો હતો.
આણંદમાં રાજમાર્ગ નામે નવો માર્ગ બનેલ છે. તેની આજુ બાજુ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. હું ત્યાં રસ્તા ઉપર ઊભો રહ્યો ત્યાં તો નાના નાના છોકરા અને છોકરીઓ દોડતા દોડતા આવી ગયા. દરેકને બે ત્રણ જેટલા એમને જોઈતા હતા એ મુજબ પેકેટ આપ્યા. ત્યાં એક બહેન વેફરના પેકેટ લઈને આવ્યા હતા. તે શરીરમાં ખૂબ ભારે હતા એટલે કે જાડા હતા. બાળકો તેમના હાથમાંથી પેકેટ આંચકીને ભાગી ગયા. હું જોતો રહ્યો. બહેન બોલ્યા કે જૂઓ લઈને ભાગી ગયા. મે કીધું જો બહેન તમે તો દોડી નહિ શકો. પણ તમે વહેંચવા જ લાવ્યા હતા ને? તો એ બોલ્યાં હા. હું બોલ્યો તો પછી ભલે લઈને ભાગી ગયા.
મારા મોઢામાંથી એક વાક્ય છેલ્લે નીકળી ગયું કે, "બેન એ ભૂખ્યા છે અને ભૂખ્યા ને ભાન હોય? ના હોય. ભલે ખાતા."