ગળણી
ગળણી


ગળણીનાં ઘણા ઉપયોગ છે.એમાંય ખાસ ચા ગાળવામાં એનો રુઆબ દેખાઈ આવે. ચા ભલેને સારામાં સારી વાઘ-બકરીની હોય. આખા દૂધની હોય. ચાનો મસાલો નાખેલી હોય, પણ ગળણી ના હોય તો બધુંય અધૂરું. ચા બનતા બનતા અને બન્યા પછી ગરણીનું મહત્વ અનેરું છે. આમ છટાથી કપની ઉપર જાણે રાજાનો મુગટ હોય એમ પધારે અને વધારે ચા ભરાઈ જાય ત્યારે તપેલીમાં એક બે વાર છણકા કરીને સાફ થઈ જતી એ ગળણી. ગળણી પાસેથી ઘણું શીખવા જેવું ખરું.. જેમકે, કચરો અંદર જવા ના દેવો અને જાય તો તેનો રસ્તો કરી દેવો. રોજબરોજ નજર સમક્ષ જાણ્યે અજાણ્યે જ્ઞાન પીરસતી આ ગળણી.
ખરી વાત હવે શરૂ કરું છું. એક વખત અમારા કામવાળા બહેને આ ગળણી બરાબર ઘસી ન હતી. એટ્લે ગળણીએ બરાબર કામ આપવાનું માંડી વાળ્યું. અમે જ્યારે જ્યારે બપોરે એ ચા પીવા બેસીએ, એજ ગળણી હાથમાં આવે. ચા ગળાય નહીં. માટે ગળણીમાં પ્રવાહીરુપે રહેલી ચાને તપેલી વડે ટકોરા મારીએ ત્યારે ધીમી ધારે ચા કપમાં આવે. ખરેખર એ ધીમી ધારે મને સહનશીલતાના ગુણ શીખવ્યા. આખો કપ ભરાય જાય એટ્લે તો જંગ જીત્યા જેવો આનંદ થાય. પછી ટેસથી ચા પીવાની.
આ પ્રક્રિયા રોજની થઈ ગઈ. પણ માણસ સહનશીલ ક્યાં સુધી રહી શકે ? એક દિવસ એ ગળણીમાંથી ચાના ગળાઈ તો ઘન અને પ્રવાહી બંને ચા ને હાથના જોર અને મનમાં રહેલા ક્રોધથી તપેલીમાં પાછી નાખી. એનું વળતર એવું મળ્યું કે આખુંયે રસોડું ચાના છાંટાથી રંગાય ગયું. આહાહા ...! એકલા ચા પીતા હતા. એ દિવસે કીડીઓ અને મંકોડા પણ સહભાગી બન્યા. મારા મનમાં દયાની લાગણી પ્રકટી. ભલે ચા પીતા. ચા બનાવ્યા અને પીધા કરતા બીજું કામ વધી ગયું. ત્યારે મને આ ગળણીનું મહત્વ સમજાઈ ગયું. નાનકડું એક વાસણ પણ રોજબરોજના જીવનમાં કેવું હળીમળી ગયું.
અંતે ગળણી પોતે એક પરોપકારી જીવ તરી આવે. પોતે ગંદા થઈને બીજાને ચોખ્ખું પીણું આપવું. સાદું અને સાધુ જીવન જે શીખવે છે એજ આ ગળણી પણ. આવા સદગુણ આપનાર આ ગળણીનો આભાર માનવો ઘટે.