૧૦૮ (એકસો આંઠ)
૧૦૮ (એકસો આંઠ)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
નામ સાંભળતા જ દિલના ધબકારા વધી જાય '૧૦૮'. ૧૦૮ ગુજરાત સરકારની આરોગ્યલક્ષી સેવાનો ઉત્તમ અનુભવ. પણ મારો આ અનુભવ ખૂબજ રમૂજ ઉપજાવે તેવો હતો.
થોડા વર્ષો પેહલાની વાત છે. મારા દાહોદનાં ઘણા મિત્રો અહીં આણંદ શહેરમાં રહીને ભણતાં હતા. તેમાં આબેદીન, સૈફી,જુજર, અબ્દુલ, અબ્દેલી, કુતુબ, યુસુફ વગેરે. અમારી દોસ્તી એટલી બધી ગાઢ હતી કે કોઈપણ સમયે એ ફોન કરે એટ્લે હું પહોંચી જતો. મારે જરૂર હોય એટ્લે એ લોકો પણ તરતજ આવી જાય.
પણ એક રાત્રે ફોન આવ્યો કે,"તું જલ્દી રૂમ પર આવ."મે પૂછ્યું,"શું થયું?"તો કીધું કે,"તું આવ એટ્લે કહીએ."
હું ફટાફટ રૂમ પર પહોંચ્યોં.ત્યાં જઈને જોયું તો અબ્દુલ બૂમો પાડતો તો' "એ મા ...! દુઃખે ...! એ ...મા દુઃખે !" હું જોઈને ચકિત થઈ ગયો.અબ્દુલ આળોટવા લાગ્યો. મને ખબર પડી ગઈ હતી કે તેને પથરીનો દુઃખાવો ઉપડ્યો છે. એ પીડા મે સહન કરેલી એટ્લે ખબર. ત્યાં ઊભેલા મિત્રોમાંથી કોઈએ 108ને ફોન લગાયો. એટલી વારમાં અમે અબ્દુલને માંડ માંડ નીચે લાવ્યા. થોડી વારમાં ૧૦૮
આવી ગઈ.
આહાહા ....! અબ્દુલને બાજુમાં મૂકીને લોકો પોતે અંદર બેસી ગયા. આનંદની લહેર પ્રસરી ગઈ. બધા ખુશ થઈ ગયા કે ૧૦૮ આવી. હું અને અબ્દુલ બહાર બાકી બધાજ અંદર. ૧૦૮વાળા દાકતરે પૂછ્યું,"દર્દી કોણ છે ?" તે પેલા અંદર રહ્યા રહ્યા કે, "એ બહાર ઊભો." મે કીધું,"ભાઈ જેને દર્દ ઉપડ્યું છે એનેતો બેસવા દો." પણ 108 માંથી કોઈ ઉતરવા રાજી નહીં. દાકતર ઊંચા અવાજે બોલ્યા ત્યારે અબ્દુલનો ૧૦૮માં બેસવાનો મેળ પડ્યો. મને સમજણ નતી પડતી કે ગંભીર રહેવું કે હસવું ? એ લોકો અંદર રહ્યા રહ્યા પાછા મને કે, "શૌર્ય,આવતો રે' અંદર ...આવતો રે' !" મે કીધું, "ભાઈ રેવા દો !"બીમાર વ્યક્તિ માટે છે આ મજા લેવા માટે નથી.
પછી બધાને આત્મજ્ઞાન થયું. એટ્લે અમુક મિત્રો નીચે ઉતર્યા. તોય અમુક તો ના જ ઉતર્યા. નાના બાળકો કરતાંય જાય એવી મનોવૃતિ હતી એ દોસ્તોની. પણ એ યાદ કરીને ઘણો આનંદ થાય છે. અંતે અબ્દુલને સારું થઈ ગયું હતું.
આજે અમારી આ દોસ્તીને ૧૨ વર્ષ પુરા થયા એનો આનંદ અને ગર્વ છે.
આભાર દોસ્તો!