રેકોર્ડિંગનો પ્રથમ અનુભવ
રેકોર્ડિંગનો પ્રથમ અનુભવ


જીવનમાં અવનવા અનુભવો થતાં હોય છે, પણ તેમાંય જ્યારે પોતાની મનપસંદ ઘટના જો બને તો તો જીવતર ધન્ય થઈ ગયું હોય એમ લાગે. હું શૌર્ય અને સંગીત મારો ખાસ દોસ્ત. જીવનના બત્રીસ વર્ષ થયા પણ અમે ભેગા ને ભેગા. તડકી છાયડીમાં હંમેશા સાથે. એકબીજાના હાથ ક્યારેય ના છોડ્યાં. હું નવમાં ધોરણમાં હતો ત્યારે પ્રથમ વાર વિચાર આવેલો એ મારે ગાયક બનવું છે. એ 2002ની વાત. આજે 2019 થઈ. કેટલાય વર્ષો વિત્યા અને પોતાના સપનાં પૂરા કરવાની તક શોધતો રહ્યો. હું કોઈ પણ કામ કરતો હોવ લગભગ ગીત ગાતો જ હોવ. ભણ્યો પણ એવીજ રીતે કે એક બાજુ વાંચતો હોવ ને બીજી બાજુ એફ.એમ. વાગતું હોય. તોજ મને યાદ રહે. પપ્પાને આ વિચિત્ર લાગતું. સપનું હતું કે એક વખત તો રેકોર્ડિંગ હાઉસમાં જઈને ગાવું છે. પણ ઘણો સમય વીતી ગયો.
પણ હમણાં છેલ્લા એક વર્ષથી એક દોસ્ત મળ્યો જેનું નામ પ્રિતેશ પરમાર છે. તે ડી.જે. નું કામ કરે છે. મારા કાવ્ય લેખનના શોખને કારણે અમે ભેગા થયા. પણ દોસ્તી ખુબજ પાક્કી થઈ ગઈ હતી. પ્રિતેશ મને મોટા ભાઈ કહે. હું તેને દોસ્ત કહું. એક વખત મે મારી ઇચ્છા રજૂ કરી કે યાર ગાવું છે. એ મને લઈ ગયો માસ્ટર સ્ટુડિયોમાં. હું એક નવા નિશાળિયાની માફક બધુ જોતો હતો. એક ભાઈ ગાતા હતા. બહાર બેઠેલા ભાઈ કટ. . . કટ. . . એવું બોલતા હતા. ત્યાં પ્રિતેશનો એક મિત્ર હતો તેમનું નામ અમર. અમર ત્યાં કામ કરે. અમને પ્રિતેશે મળાવી દીધા. વાતચીત કરી અને છૂટા પડ્યા. પણ ત્યારબાદ બહાર જઈને મે અને પ્રિતેશે એક કલાક વાતો કરી. સંગીતમાં શું ચાલી રહ્યું છે અને આપણે શું કરવું છે? ચર્ચાઓ કરી. નક્કી કર્યું કે સમાજને સારું આપવું છે. બસ એ વાત સાથે છૂટા પડ્યા.
હું નવરાત્રીની રાહ જોતો હતો અને વિચાર્યું હતું કે પહેલા નોરતે મારો અવાજ સમાજમાં પહોચે. ચાર દિવસ પહેલા મે અમરને ફોન કર્યો ને ગરબો મોકલ્યો. અમરે સંગીત તૈયાર રાખેલું અને મને ફોન કરી જણાવ્યુ. સાંજે લગભગ સાડા છ વાગ્યે રેકોર્ડિંગ હાઉસમાં પહોચ્યો. અમરભાઈ રાહ જોઈને બેઠા હતા. ઉતાવળથી મને ગાયન કક્ષમાં મોકલી ને હેડફોન પહેરવા કીધું. મે હેડફોન પહરીને મોબાઈલ કાઢ્યો અને અંદર મારી સ્વ. મમ્મીનો ફોટો કાઢી પગે લાગી કીધું કે ચાલુ કરો. અમરભાઈએ સંગીત ચાલુ કર્યું. મે પ્રથમ વાર ગાયું “કોઈ આરાસુર જઈને મનાવો” એ શ્રેષ્ઠ સમય હતો. એક વાર ગાયા બાદ બીજી વાર ગવડાવ્યું અને બીજી જ વારમાં ગીત ફાઇનલ ગવાઇ ગયું. 12 થી 15 જ મિનિટમાં રેકોર્ડિંગ પૂરું. અમરભાઈ ખરેખર ખુશ થઈ ગયા. હું તે કક્ષની બહાર નીકળ્યો અને આગલી રૂમમાં આવ્યો તેમની સામે બેઠો. મે જિજ્ઞાસાથી પુછ્યું કેવું લાગ્યું ? તેમનો જવાબ હતો સાહેબ સાચું કહું દિલથી “પ્રફુલ દવે”ગાતા હોય તેવું લાગ્યું. તમે ખૂબ મોડા છો. કોઈપણ પ્રકારના મિક્ષિંગ વગર તમે આવું ગાઈ શકો છો ખરેખર અમને પણ મજા આવી. આટલું સાંભળીને મે હાશકારો લીધો. પછી હું ઘેર આવી ગયો. વરસાદ ધોધમાર હતો. જાણે મારી મા મને આશીર્વાદ આપતી હોય એમ.
એક દિવસ પછી અમરભાઈએ ગીત બરાબર કરીને મને બોલાવ્યો અને ફોનમાં આપ્યું. કહ્યું તમે સાંભળી જુઓ બરાબર લાગે તો આગળ વધીએ. મને યોગ્ય લાગ્યું એટ્લે ફોટો માંગ્યો. મે મારા મિત્ર હિતેશ દરજીએ પાડેલો ફોટો આપ્યો. ફોટો પણ ખાસ દોસ્ત વિકટરની બહેનના લગ્નમાં પડાવેલો. ફોટો આપતા ઘણી યાદો તાજી થઈ ગઈ. નવરાત્રીના આગલે દિવસે બેનર આવ્યું અને યુ ટ્યુબ ઉપર જ્યારે ગીત મુકાયું એ પળ ખરેખર જીવી લેવા જેવી લાગી. એક સપનું પૂરું થયું. અહો આનંદમ!
અંતે એક વાત કહેવી હતી કે સપના જોવા. એ એના સમયે જરૂર પૂરા થાય. ધ્રુવ દાદાનું એક વાક્ય હંમેશા યાદ રાખવું કે “ધર્મમાં શ્રધ્ધા નહીં હોય તો ચાલશે,પણ માણસને શ્રધ્ધા હોવી જોઈએ. ”