એક અનુપમ શિક્ષક : કુદરત
એક અનુપમ શિક્ષક : કુદરત
કાચબો એક એવું સુસ્ત પ્રાણી છે જેને જીવંત કહેવા મથવું પડે. કેટલીય વાર પ્રાણી સંગ્રહાલયમાં તો બાળકો એને ખોટો જ માની લે. કંઈ હલનચલન વિના એ સુસ્ત પડી રહે એટલે જાણે મૃત લાગે. આવાં કાચબાને આજકાલ પાળવાની પ્રથા છે. આમ તો એ પશુ પ્રત્યે ક્રૂરતામાં ગણાય, પણ ઘણાંને હોય છે કાચબાને પાળવાનો શોખ. કુતરાં, બિલાડી, સસલું, પોપટ, લવ બર્ડ્સ બાદ કાચબો પણ આ પાળવાના પ્રાણીઓની શ્રેણીમાં આવી ગયો છે. એના રંગ, રૂપ, શરીર, એની નહીંવત્ પ્રતિક્રિયા અને હલનચલન આ બધું જોઈએ તો એમ લાગે કે આ પ્રાણીને પાળવા માટે શું છે એની પાસે. ચાલો જોઈએ.
લગભગ ૮૦ વર્ષ સરેરાશ આયુષ્ય ભોગવતાં કાચબો કેટલીકવાર સદી પણ વટાવી જાય છે. ઘણાં વર્ષો પહેલાં એક ગૃહસ્થે સંન્યાસ આશ્રમમાં ખરા અર્થમાં જીવવા માટે ગૃહસ્થાશ્રમનાં સક્રિય જીવનમાંથી મુક્તિ લીધી. પોતાના ગામથી દૂર એક નદી કિનારે ઝૂંપડી બાંધી રહેવા લાગ્યાં. મૂડીમાં એમની પાસે વસ્ત્રો, એક નાની ચટાઈ અને એક માટીનો ઘડો એટલું જ હતું. પ્રભુભજન અને વિરક્ત જીવન જીવતાં આ ગૃહસ્થ જરૂર પડે ત્યારે જ આસપાસના વિસ્તારમાંથી ભિક્ષા માંગવા જતાં. ઘણાં દિવસો તેઓ પાણી પીને પણ પસાર કરતાં.
એકવાર પાણી ભરવા જતાં એમણે નદી કિનારેથી એક કાચબા સાથે મૈત્રી બાંધી. એ કાચબો પણ પછી એની ઝૂંપડીની આસપાસ જ ફરતો દેખાતો. પોતાના જેવું જ સંયમિત જીવન જીવતાં એ કાચબાને પણ એમની જેમ પલાળેલા ચણા ખાવાની ટેવ પડી ગઈ. ગૃહસ્થ ભિક્ષા માંગવા જાય ત્યારે કાચબા માટે પણ ચણા માંગી લાવતાં. બંનેનું સાદું જીવન પ્રેમથી વ્યતીત થઈ રહ્યું. દિવસો સુધી આ ગૃહસ્થ બોલતા પણ નહીં. નદી કિનારે આવતાં ગામલોકો સાથે સ્મિતની આપ-લે થતી. કદી કોઈ બાળક કુતૂહલથી કાચબા પાસે આવી ચઢતું.
એકવાર આવા જ એક બાળકના પિતાએ ગૃહસ્થને પૂછ્યું, "આસપાસ તો ઘણાંએ પક્ષી આવતા હશે, તમે એમને કેમ ન પાળ્યાં ? કાચબા જેવા મંદ પ્રાણીને શું કામ રાખો છો ?
સસ્મિત જવાબ આપતાં ગૃહસ્થે કહ્યું, "આ કાચબો તો મારો ગુરુ છે એની પાસેથી હું કેટલું બધું શીખ્યો છું. એની કોઈ પણ સંજોગોમાં સ્થિર મંદ ગતિ આપણને સૂચવે છે કે સુખ અને દુઃખમાં સમ સ્વભાવ રાખવો. એના આ સ્વભાવના લીધે એ દીર્ઘ આયુષ્ય ભોગવે છે. શાંત સ્વભાવ, ઋષિની જેમ કોઈ પણ સ્થિતિમાં રહેવું અને એની ધીમી ગતિ તેના ઉત્તમ સ્વાસ્થ્યનું કારણ છે. પ્રકૃતિએ પણ એને મજબૂત કવચ આપી સ્થિતપ્રજ્ઞતા બક્ષી છે. જરા પણ અવાજ થતાં જ કાચબો એનાં અંગોને કવચ નીચે સંતાડી દે છે. ત્યારબાદ માનો એ પથ્થર જ બની જાય છે. કોઈપણ પ્રલોભન કે ઉશ્કેરણી એને અસર નથી કરતું. એનો પાણી અને જમીન પર ટકી રહેવાનો સ્વભાવ પણ આપણને શીખવે છે કે રામ રાખે તેમ રહીએ. ક્રોધ લાલચ, હિંસા અને લોભથી દૂર રહેવા પોતાની જાતને સદ્વિચાર અને સદવર્તનનાં કોચલામાં બાંધી રાખવી જોઈએ એવું આ કાચબો શીખવે છે." બાળકના પિતાએ ગૃહસ્થને સાદર વંદન કર્યાં. નદી કિનારે રહેનાર ગૃહસ્થ ગામના લોકો માટે ઉપકારક છે
એવી કાચબા વિશેની વાત ગામમાં ફેલાઈ. લોકોએ ભેગાં મળી ગૃહસ્થને સત્સંગ માટે માંગણી કરી
અને ગામમાં આવી રહેવા વિનંતી કરી. ગૃહસ્થે હાથ જોડી જણાવ્યું, "હું ભલો ને મારી ઝૂંપડી ભલી. આ કાચબા ગુરુને અને મને તો તમે જ પોષો છો. મારી પાસેનાં અનુભવો હું જરૂર તમારી સાથે વહેંચીશ પણ અહીંથી જ. સંસારથી અળગા થવા ઘર મૂકી આટલે દૂર આવ્યો તો મને પાછો માયામાં ન બાંધશો."
ગામ લોકોએ એમના સત્સંગ અને માર્ગદર્શનનો ખૂબ લાભ લીધો અને જીવનને સુધારવા તરફ કદમ માંડ્યાં. આપણી ચારે બાજુ એવી કુદરતી ચીજો છે જેમાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ અને કુદરત સાથે તાદાત્મ્ય સાધી શકીએ.
આવી જ એક બીજી વાત, કુદરતે આપેલ કે છીનવી લીધેલ વસ્તુઓ વિશે અફસોસ ના કરતાં જે છે તેનો આનંદ લઈએ અને નથી એને ભૂલી જઈએ તો કેવો સંયોગ રચાય ! એકવાર એક રાજા શિકારે નીકળ્યાં. સાથે પ્રધાન અને રક્ષક ને લીધાં. આખો દિવસ શિકાર માટે જંગલમાં વિતાવ્યાં બાદ પાછાં ફરતી વખતે બધાં છુટાં પડી ગયાં. કેમે કરી એકબીજાની ભાળ મેળવી શક્યાં નહીં. રાજાએ રસ્તો શોધતા-શોધતા મહેલે પાછા વળવાનું નક્કી કર્યું. રસ્તામાં એમને એક વૃદ્ધ સાધુ દેખાયા. વૃક્ષ નીચે બેસી તેઓ પ્રભુ સ્મરણ કરી રહ્યાં હતાં.
રાજાએ નજીક જઈને એમને મહેલ તરફ જવાનો રસ્તો પૂછ્યો. "મહાત્મા, આપ કહી શકશો કે નગર તરફ
શી રીતે જવાશે ?"
સાધુએ સસ્મિત કહ્યું, "સામેનાં રસ્તાથી જમણી તરફ વળી જશો તો નિયત સ્થાને પહોંચી જશો." થોડીવાર બાદ પ્રધાને આવીને સાધુને રસ્તો પૂછ્યો તો સાધુએ કહ્યું, "થોડા સમય પહેલાં જ રાજાએ અહીંથી પ્રસ્થાન કર્યું છે સામેથી જમણી તરફ વળી જશો તો નગર પહોંચી જવાશે."
સાધુનું અવિરત નામ સ્મરણ ચાલુ જ હતું. એટલામાં રાજાના રક્ષકે ટહેલ નાંખી,"સાધુ બાબા નગર પહોંચવાનો રસ્તો બતાવશો?" સાધુએ ફરીથી એનું પણ પહેલા પ્રમાણે માર્ગદર્શન કર્યું અને કહ્યું, "રાજા અને પ્રધાન અહીંથી ગયે બહુ વખત નથી થયો, ઝડપથી જઈશ તો એમની સાથે પહોંચી જઈશ."
ત્રણે જણા સમયાંતરેે મહેલ પહોંચ્યાં અને સાધુની વાત કરી. રક્ષકને તો એ ખ્યાલ પણ નહોતો કે સાધુ અંધ હતાં. સૌને નવાઈ લાગી રહી હતી કે એણે રાજા અને પ્રધાનને ઓળખ્યાં કઈ રીતે ! ત્રણેએ સાધુ પાસે જઈને વંદન કર્યાં અને પ્રશ્નનો જવાબ માગ્યો. વિરક્ત ભાવે સાધુએ કહ્યું, "મારા અંતર ચક્ષુ સદાય કાર્યરત રહે
છે. તેથી ચાલ અને બોલી પરથી મેં રાજા અને પ્રધાનને ઓળખી કાઢ્યાં. તમારી જાત સાથે થોડો સમય ગાળો. કોઈ કામ કઠિન નથી. ચેતનાને જાગૃત કરો."
આમ સાધુએ રાજા, પ્રધાન અને રક્ષકને જાગૃત કર્યાં. પોતે અંધ હોવાનો ના કોઈ અફસોસ કે ના રોષ. અલખ નિરંજન થઈ પોતાની જાત સાથે ખુશ રહેવાનું. આ કીમિયો અજમાવવા જેવો તો ખરો. વાત છે કુદરતની નજીક રહેવાનાં ફાયદા વિશે. મનુષ્યનો અસંતોષી સ્વભાવ વધુ ને વધુ મેળવવામાં સ્વથી અંતર કરી રહ્યો છે. એને આ અસંતોષ ક્યાં પહોંચાડશે એ ચિંતાનો વિષય છે. હૃદય સુધી પહોંચવા સાદગી અને સરળતા જ શોર્ટ કટ છે એ સમજવું જરૂરી છે. જીવી લેવું અને જીવી જવું એ વચ્ચેના અંતરને સમજીશું તો જીવતાં સાચે જ શીખી લઈશું. આમ તો જીવી જવું એ જ ઉત્સવ છે.
જીવન એ કોઈ લક્ષ્ય છે જ નહીં,એ તો એક અવિરત ઘટના છે જેને આપણે સત્કર્મ દ્વારા વિશિષ્ટ બનાવવાની છે.
