STORYMIRROR

Maya Desai

Others

4  

Maya Desai

Others

અંધારાં ઉલેચાઈ ગયાં

અંધારાં ઉલેચાઈ ગયાં

2 mins
293

એક મધ્યમવર્ગીય પરિવારમાં હોય એવો સુનયનાનો સંસાર ઠીક ઠીક ચાલી રહ્યો હતો. ખાસ સંયુક્ત કુટુંબમાં રહેવાનું ન આવ્યું તેથી પતિ કેયૂર અને પુત્ર આરુષમાં જ પોતાની જાતને ડૂબાડી દીધી હતી. આરુષ દસમામાં આવ્યો ત્યાં સુધી એનાં પડછાયો બની રહી. આરુષની શૈક્ષણિક વિશેષતા જોઈ સુનયનાને ઘેર બેઠાં ટ્યુશન મળવા લાગ્યાં.

આરુષની ઉજ્જવળ કારકિર્દી જોઈ, એની મહત્વકાંક્ષા વિદેશ જઈ ઉચ્ચ શિક્ષણ લેવાની હોઈ, માતા પિતાએ એ એકમેવ પુત્ર હોવા છતાં મન મનાવ્યું. એનાં ગયાં પછી શરૂઆતમાં તો સુનયના બહુ ઉદાસ રહી, કેયૂર તો સવાર થાય નોકરીએ જતો. તેથી સુનયનાએ ટ્યુશનમાં વધુ ધ્યાન આપવા માંડ્યું.

આમ તો ઘણાં વખતથી સુનયનાની પારખુ નજર કેયૂરની હાલચાલને માપી રહી હતી. પ્રૌઢ ઉંમરે આ રીતે ચોરીછૂપીથી તપાસ કરતાં રહેવું એને અજુગતું લાગતું હતું. કેયૂરનું નજર ચોરાવતા રહેવું, ઘરની બહાર જવાનું બહાનું શોધતા રહેવું, સુનયનાને પિયર જવા આગ્રહ કરવો. આ બધું જ નવું હતું અને અનપેક્ષિત હતું. આરુષના ગયાં બાદ કેયૂર તરફથી વધુ હૂંફ અને આત્મીયતાને બદલે. .

સુનયના આમ તો ઘરે જ ટયુશન લેતી પણ એક વિદ્યાર્થીને અકસ્માત થવાથી એને ઘેર જતી. આ સમય સાંજનો હતો, નોકરીએથી આવી કેયૂર એ દરમ્યાન ઘેર એકલો જ રહેતો. મોબાઈલમાં ગમતી પ્રવૃત્તિ કરી આનંદ લેતો. સુનયનાનાં વિદ્યાર્થીઓમાં રોહન એને ભોળો અને વ્હાલો લાગતો, કોઈ કોઈવાર એને અંદર લઈ જઈ વાંસે હાથ ફેરવતો, ચોકલેટ આપતો.

તે દિવસે સુનયનાને ટ્યુશનથી વળતાં રોહન મળ્યો, જરા ગભરાયેલો, મૂંઝાયેલો લાગ્યો. પૂછતાં જાણવા મળ્યું કે એનો કંપાસ ભૂલી ગયો હતો તે લેવા સુનયનાનાં ઘરે ગયો હતો. એનો ગભરાટ સમજાયો નહીં. વળી એક દિવસ સુનયના ધાર્યાં કરતાં વહેલી આવી ત્યારે પણ રોહન દાદરામાં જ મળ્યો, પણ ઝડપથી દોડી ગયો.

કેયૂર એને જલદી આવેલી જોઈ ખુશ થવાને બદલે નહાવા જતો રહ્યો. સુનયના આ તાર જોડવામાં અસફળ રહી. રોહન રોજ ટ્યુશને આવતો ત્યારે અંદર નજર કર્યા કરતો જાણે કોઈને શોધી રહ્યો હોય.

વરસાદની મોસમ હતી અને આજે કેયૂર ઘરે જ હતો. બાળકોની પરીક્ષા આવતી હોવાથી ગરબડ ચાલી રહી હતી. રોહન આવતા જ ભણવામાં વ્યસ્ત થઈ ગયો. કેયૂરનો અવાજ સાંભળી એ ચોંક્યો. જરા વારે પેટમાં દુઃખવાનું બહાનું કાઢી ઘરે જતો રહ્યો. સુનયનાને એ સહજ લાગ્યું, કારણ કે રોહન હોંશિયાર હતો, આજ્ઞાંકિત હતો. કેયૂરે બહાર આવી જોયું તો રોહન ન દેખાયો.

ત્રણેક દિવસ બાદ સુનયના ટ્યુશનથી આવી તો બિલ્ડીંગમાં લાઈટ નહીં. વરસાદે ચમત્કાર બતાવ્યો હતો. જેમતેમ દાદરો ચઢી પહેલે માળે ઘરે પહોંચી તો અલાભે બારણું અટકાવેલું હતું તેથી ભીંતના સહારે કેયૂરને શોધતી અંદરનાં ઓરડે પહોંચી અને વીજળી પડી. એ ચમકારામાં એનાં મનનાં અંધારાં ઉલેચાઈ ગયાં. . કેયૂર રોહન સાથે !


Rate this content
Log in