ઈશ્વરની ફોર્મ્યુલા
ઈશ્વરની ફોર્મ્યુલા
સારાં કર્મોની ગઠરી બાંધવાનું આપણે વારંવાર સાંભળતાં હોઈએ છીએ. એ જ સાથે આવશે એમ શીખવી નીતિ મૂલ્યોની વાવણી કરવામાં આવે છે.
કોઈ મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવે ત્યારે આપણે તરત હિસાબ કરવા બેસી જઈએ અને "મેં તો સ્વપ્નમાં પણ કોઈનું બૂરું ઈચ્છ્યું નથી તોય મારા માટે આટલો કઠિન સમય ! " તરત જ ઈશ્વરની ન્યાય પદ્ધતિને વખોડવા લાગીએ અને સારું કામ કે ભલાઈનો તરત મોં બદલો ન મળ્યાની નારાજી દર્શાવીએ. ઈશ્વર કંઈ બે પેટીઓ લઈને નથી બેઠો કે તમારું સત્કર્મ જમા થાય એટલે સુખ કે આનંદનાં રૂપમાં પાછું આપી દે.
એનું ગણિત તો અકથ્ય અને ગૂઢ છે જે કોઈને સમજાતું નથી. હા, કર્મના સિદ્ધાંતને સમજાવી મનને મલમ જરૂર ચોપડવામાં આવે છે. પણ દુભાયેલું મન કેટલીક વાર એ નથી સ્વીકારી શકતું, ખાસ કરીને યુવાવસ્થામાં. આપણે સૌએ એ પરમ શક્તિનાં અસ્તિત્વમાં દૃઢ શ્રદ્ધા રાખવી ઘટે અને એનો નિર્ણય આપણાં શુભ માટે છે એ સ્વીકારી લેવાથી મુશ્કેલીનો સામનો કરવાનું થોડું સહેલું બને છે. એનાં ગણિતનાં રહસ્યને ઉકેલવા કરતાં એનો સ્વીકાર સુખદ રહેશે.
એક વાર બે મિત્રો સફરમાં નીકળ્યાં. ચાલતાં ચાલતાં બંને થાકીને એક મંદિર પાસે બેઠાં. સંધ્યાકાળ હતો અને આકાશ વાદળોથી છવાયેલું હતું. એવામાં ત્રીજો મુસાફર આવી બેસી પડ્યો. લાંબી મુસાફરીનો થાક તેનાં મોં પર વર્તાઈ રહ્યો હતો. તેણે પોતાની અનુભવ ગાથા વર્ણવી. અંધારાનાં ઓળા સાથે વરસાદ તૂટી પડ્યો. ત્રણે જણાંએ મંદિરમાં શરણ લીધું.
ત્રણેયનાં પેટ પણ ઇંધણ માંગી રહ્યાં હતાં. પેલાં બે મિત્રો પાસે બાંધી લાવેલ રોટલા હતાં. એક પાસે ત્રણ અને બીજા પાસે પાંચ રોટલા હતાં. નીતિથી જીવતાં આ મિત્રોએ ત્રણ વચ્ચે સરખાં જ ભાગ વહેંચવા એક રોટલાનાં ત્રણ એમ ટુકડાઓ કર્યાં. કુલ ચોવીસ ટુકડાઓ થયાં એટલે ત્રણે જણાએ દરેકને આઠ પ્રમાણે વહેંચી લીધાં. વરસાદનું જોર વધુ હોવાથી પૂજારીની પરવાનગી લઈ ત્રણે જણાંએ મંદિરમાં જ રાત ગુજારી.
સવાર થતાં જ ત્રીજી વ્યક્તિએ ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. વરસાદ પણ થંભી ગયો હતો તેથી બંને મિત્રોએ એને વિદાય આપી. એણે જતી વખતે આગલી રાતનાં વાળુ માટે દિલથી આભાર માન્યો અને ખૂબ મના કરવા છતાં આઠ સુવર્ણ મુદ્રાઓ ભેટ આપી. તેના ગયા બાદ બંને મિત્રો વચ્ચે તું- તું, મેં-મેં થઈ ગઈ. વાદ- વિવાદ વધતા બંને પૂજારી પાસે ગયાં.
એમનાં વિવાદ વિશે સાંભળી પૂજારીને પણ તેમનાં માટે અહોભાવ જાગ્યો. આઠ સુવર્ણ મુદ્રાઓનાં પ્રત્યેક ચારનાં બદલે એકબીજાંને વધુ આપવાનો આ ઝઘડો હતો. જે મિત્ર પાસે ત્રણ રોટલા હતાં તેણે ચાર મુદ્રાનો ઈન્કાર કરી બીજાનાં રોટલા વધુ હોવાથી તેને વધુ આપવાનો આગ્રહ કર્યો.
પૂજારીએ આ કળિયુગમાં આવી નિષ્ઠાવાન મૈત્રી જોઈ આશ્ચર્ય અનુભવ્યું. તેનાં હિસાબે ચાર-ચારને બદલે ત્રણ - પાંચ વહેંચણી થવી જોઈએ, પણ આ નિર્ણય માન્ય ન થયો. આ ગડમથલમાંથી છૂટવા પૂજારીએ સમય માંગ્યો. વિચાર કરતાં કરતાં એને ઊંઘ આવી ગઈ જેમાં ઈશ્વર સાથે મુલાકાત થઈ. એણે પોતાની મૂંઝવણ કહી એમની પાસે ઉકેલ માંગ્યો.
ઈશ્વરનો જવાબ સાવ અનપેક્ષિત હતો. પૂજારીએ એનો ખુલાસો માંગતા ઈશ્વરે મંદ સ્મિત આપ્યું અને કહ્યું ," આ મુદ્રા એક અને સાત એમ વહેંચણી થવી જોઈએ. જેની પાસે ત્રણ રોટલા હતાં એણે પોતાનાં હિસ્સામાંથી એક જ ટુકડો અતિથિને આપ્યો જ્યારે બીજાં મિત્ર પાસે પંદર ટુકડાઓમાંથી એણે સાત અતિથિને આપ્યાં. આ જ મારી ન્યાય પદ્ધતિ છે. તમારાં ત્યાગ કે દાનને હું આમ જ મૂલવું છું. તમારી ત્યાગભાવના મહત્વની છે. માનવીનાં કર્મો અને ત્યાગ પાછળની ભાવનાનો હિસાબ કરી હું ફળ આપું છું.
શ્રીમંતાઈ નહીં પણ આપવા પાછળની નિર્મળ ઈચ્છા જ એને પુણ્યમાં રૂપાંતર કરે છે. "
પૂજારીએ તો આ નિર્ણય સાંભળી ઈશ્વરનાં ચરણ પકડી લેવા હાથ લંબાવ્યા એટલામાં એની ઊંઘ ઊડી ગઈ અને ઈશ્વર અલોપ.
સવારે બંને મિત્રોને આ નિર્ણય સંભળાવ્યો અને તેમણે એ પૂરાં માનથી વધાવ્યો અને આગામી સફર તરફ ડગ માંડ્યાં.
કોઈને મદદ કે દાન કરતી વખતે ઈશ્વરની આ ફોર્મ્યુલા જરૂર ધ્યાનમાં રાખીને ગઠરીનું વજન વધારશો એ જ અભિલાષા !
