Maya Desai

Inspirational

3  

Maya Desai

Inspirational

અહીં જ સ્વર્ગ, અહીં જ નર્ક

અહીં જ સ્વર્ગ, અહીં જ નર્ક

3 mins
159


વડીલો પાસેથી નાનાં હતાં ત્યારથી સાંભળતાં આવ્યાં,"આમ ન કરાય, પાપ લાગે ! આવું કરીએ તો નરકમાં જવાય .. મીઠું (નમક) ઢોળીએ તો ભગવાન પાંપણે પાંપણે વીણાવે નરકમાં ! " આવી અનેક વાતો દ્વારા પાપ-પુણ્ય, સ્વર્ગ -નરકની પરિકલ્પના આપણાં મનોજગતમાં તૈયાર જ છે.

આ સ્વર્ગ ત્યારે મળે જ્યારે સારાં કર્મો કર્યાં હોય અને નરક મળવું એટલે 'પાપ'ની સજા. સ્વર્ગમાં બધું 'સુષ્ઠુ સુષ્ઠુ' અને કલ્પનાતીત. અપ્સરા, મહેલો અને સૌંદર્ય અપરંપાર. નરક એટલે ખરાબ ખરાબ અને ખરાબ ! આમ કર્મનાં સિદ્ધાંતનું સિંચન અજાણે જ થઈ જતું. આવી આ કાલ્પનિક નગરીઓ સ્વર્ગ અને નર્કની સૌની પોતપોતાની એક છબિ હશે જ,ચાલો જોઈએ કેવી છે એ !

એક ઉંમરલાયક, સજ્જન વૃદ્ધ વ્યક્તિ,હેમેનભાઈનું અવસાન થયું. યમરાજ તો હાજર, એમને લઇ જવા. હેમેનભાઈએ જિજ્ઞાસાથી પૂછ્યું, "હે યમરાજ, ક્યાં લઇ જશો મને, સ્વર્ગમાં કે નર્કમાં !" યમરાજ બોલ્યાં," કશે નહીં, આપે કરેલાં અનેક સત્કર્મોથી આપનું સ્થાન ઈશધામમાં છે. હેમેનભાઈએ ગદગદ થઇ કહ્યું, " અરે, આ ઈશ્વર બહુ જ દયાળુ છે, મને એમનાં ચરણોમાં સ્થાન આપ્યું. અમે પૃથ્વીવાસીઓ સ્વર્ગ અને નર્ક વિશે બહુ સાંભળીએ છીએ, શું મને એ જોવાની પરવાનગી મળે ?"

 યમરાજે હળવાં સ્મિત સાથે સંમતિ આપી.પહેલી મુલાકાત હતી નર્કની. પ્રવેશદ્વાર પર જ રોકકળ, બૂમાબૂમનાં અવાજ સંભળાયા. અંદર પ્રવેશતાં જ કૃશકાય,માંદા લોકો સાવ દયનીય હાલતમાં દેખાયાં. કોઈનાં મોંઢા પર નૂર નહીં, સહુ વિચલિત મનોદશામાં આમતેમ ફરી રહ્યાં હતાં. હેમેનભાઈએ તો એક જણને પૂછી જ નાંખ્યું," કેમ ભાઈ, તમે સૌ કેમ‌ દુઃખી છો ? "જવાબ મળ્યો, " શું કરીએ ?

અહીં આવ્યાં ત્યારથી ખાધું નથી. ભૂખથી સૌ વ્યાકુળ છીએ." 

ત્યાં પડેલાં એક મહાકાય તપેલા તરફ ઈશારો કરી હેમેનભાઈએ પૂછ્યું, "આવડું મોટું તપેલું છે ને. સરસ મીઠી સુગંધ આવી રહી છે."" હા, એ હંમેશા સ્વાદિષ્ટ ખીરથી ભરેલું હોય છે, પણ એની ઊંચાઈ જોઈ ! અમારાંમાંથી કોઈ એ તપેલાં સુધી પહોંચી જ નથી શકતાં. તેથી ભૂખ્યાં જ રહીએ."

હેમેનભાઈ તો હતપ્રભ થઈ જોઈ રહ્યાં એટલામાં જ યમરાજે આગળ જવાની તાકિદ કરી. બંને જણાં થોડું ચાલી સ્વર્ગમાં પહોંચ્યાં. દરવાજે જ ખિલખિલાટ હસવાનો અવાજ આવ્યો તેથી અંદર જઈ જોયું તો ખુશીભર્યો માહોલ. એકબીજાં સાથે પ્યારથી વાતચીત કરી રહ્યાં હતાં. એ જ મોટું આનંદનું કારણ‌ હતું. નર્કની જેમ અહીં પણ સ્વાદિષ્ટ ખીરનું એ જ મોટું તપેલું.

તે તરફ ઈશારો કરી હેમેનભાઈએ‌ એક જણને પૂછ્યું, "આ ખીર તો તમે સૌ નહીં ‌ખાઇ શકતાં હો. છતાં તમે આટલાં ખુશ રહી શકો છો !"એણે ઉત્તર આપતાં કહ્યું," ભલે ને તપેલું મોટું હોય,ઈશ્વરે ઝાડ, ઝરણાં, નદી વિગેરે પણ આપ્યાં જ છે ને ! અમે એનો ઉપયોગ કરી વિશાલ સીડી બનાવી છે અને તેથી સૌ ખીરને ખુશી ખુશી ખાઈ શકીએ છીએ."

હેમેનભાઈ તો અવાક્ થઈ યમરાજ સામે જોઈ રહ્યાં.

હળવા સ્મિત સાથે યમરાજ બોલ્યાં," ઈશ્વર માટે સૌ ‌સરખાં જ છે. એ કોઈને સુખ કે દુઃખ નથી આપતા. ત્યાં નર્કમાં પણ વૃક્ષ, નદી કે ઝરણાં હતાં જ પણ કોઈએ શ્રમ નથી કરવો. બધાંને હાથમાં તૈયાર ખીરનો વાટકો જ જોઈએ છે. મહેનત માટે કોઈ તૈયાર જ નથી. કર્મ વિના ફળ મળે જ ક્યાંથી ! સ્વર્ગ કે નર્ક તમારી અંદર જ છે. શ્રમની જાદુઈ છડીથી સ્વર્ગ રચવા જે તૈયાર છે એને સ્વર્ગ પૃથ્વી પર જ મળે છે." 

હેમેનભાઈ વિચારી રહ્યાં, " ઓહ,આ છે સ્વર્ગ-નર્કની વાસ્તવિકતા ..ખેર ! માનવ સારાં કર્મો વિશે સભાન થાય અને ઈશધામ પામે એવી અભ્યર્થના.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational