મનઃ શાંતિ
મનઃ શાંતિ
શાંતિ એ સ્વાસ્થ્યવર્ધક પરિબળ છે.
"શાંતિ રાખને ભાઈ, બધું ઠીક થઈ જશે". આ વાક્ય સાંભળતાં આપણે સૌ મોટાં થયાં. આ શાંતિ ઈશ્વર સાથે જોડાવા પણ ખૂબ જરૂરી છે. અશાંત મન એને ભજી જ ન શકે. શાંતિ એ એની સાથે જોડાવાનો તાર છે જે અશાંતિથી તૂટી જાય છે.
એક સજ્જને ઘરની ડોર બેલ સમારવા મિકેનીકને બોલાવ્યો. ત્રણ દિવસ સુધી એ ન આવ્યો તેથી ફરી ફોન કર્યો ," આપ આવ્યાં નહીં, ત્રણ દિવસથી હું રાહ જોઉં છું."સામેથી જવાબ આવ્યો," હું આવ્યો હતો,પાંચ મિનિટ સુધી બેલ વગાડ્યો પણ કોઈએ બારણું ન ખોલ્યું. તેથી હું પાછો આવ્યો."
આપણી પ્રાર્થનાઓનું પણ આવું જ છે, બગડેલી ડોર બેલ વગાડતાં રહીએ છીએ અને જવાબ નથી મળતો. ઈશ્વર સાથે વાત કરવા,જોડાવા શાંત હોવું આવશ્યક છે. એની પાસે માંગો તો આનંદ માંગવો, શાંતિ તો આપણી પેદાશ છે. એના દ્વાર પર શાંતિ લઈને જશું તો એ કૃપાળુ આપણી ઝોળી આનંદથી ભરી દેશે. શાંતિ એ આપણી મર્યાદાઓની સ્વીકૃતિ છે.
શાંતિ એ આપણી પાત્રતા છે,જે જોઈ ઈશ્વર આનંદ વરસાવશે. આપણે ફક્ત શાંત થઈ શકીએ, આનંદ રૂપી પ્રસાદ આપી એ આપણને એની સાથે જોડાવા પ્રેરિત કરે છે. એની આનંદ નામની નદીમાંથી આપણે શાંતિનાં પાત્ર દ્વારા આનંદ ભરી લાવવાનો છે. જેટલી વધુ શાંતિ એટલું ઊંડું પાત્ર,એટલો વધુ આનંદ.
આપણે પાત્ર વિના અથવા પાત્રતા વિના નદી કાંઠે જઈ બૂમો પાડીએ છીએ કે પાત્ર દે.નદી તો આપવા બેઠી જ છે પણ યોગ્ય પાત્ર આપણે લાવવું પડે ને ! ઈશ્વરની કૃપા પામવા શાંત મનથી એને પાત્ર બનવું રહ્યું. શાંતિ એ કેળવવી પડે, ધ્યાનથી, યોગથી, ચિંતનથી. શાંતિ બાહ્ય અંગ નથી, અંદર હોવી જોઈએ.
ઈશ્વરની કૃપાને પાત્ર બનવા મનથી વહેતાં રહેવું. કોઈ વ્યક્તિ કે વસ્તુ કે ઘટના માટે મનને બાંધી લેવાથી આસક્તિ કે મોહ ઉત્પન્ન થાય છે. પછી જન્મે અપેક્ષાઓ અવિરત ! જે મનમાં અશાંતિ,સર્જે છે. જીવનમાં પ્રવાહિતા, સ્વીકાર શાંતિ લાવે છે જ્યારે જે તે વસ્તુ કે વ્યક્તિ માટેની માલિકી ભાવના અથવા પકડ એની સાથે અશાંતિને નોતરે છે.
એક વ્યક્તિ ગાઢ મિત્ર હોય અને કોઈ કારણસર એ હવે મિત્ર છે પણ ગાઢ નહીં. આ વાત અશાંત કરી દે છે ત્યારે એ વિચારી મન શાંત કરવું ઘટે કે કાલે તો એ ખાસ હતો ને ! કાલે હતો અને આજે પણ એણે એવી જ ઉત્કટતાથી મૈત્રી નિભાવવી જ જોઈએ એ માલિકીભાવ છે, જે અશાંતિને જન્મ આપે છે. આવું જીવનમાં ઘણાં સંબંધો વિશે થતું હોય છે ત્યારે મન શાંત કરવા એ જ વિચારવું કે સાચો સંબંધ તો ઈશ્વર સાથે બંધાવો જોઈએ. એના માટે કબજો કે માલિકી ભાવ ઉપજે એ તો ધન્ય ઘડી કહેવાય ,"મારો ઈશ્વર, મારાં રામ !"
શાંત મન અને સ્વીકાર એ ઈશ્વરની સાથે નિકટતા વધારે છે કારણકે ત્યારે કરેલી પ્રાર્થના વિના કોઈ મિકેનીક સીધી એને પહોંચે છે . અશાંત મન પેલી બગડેલી ડોરબેલની જેમ માલિકને જગાડતો જ નથી દરવાજો ખોલવા. હાલની પરિસ્થિતિમાં આવી સમજ ફેલાવીએ અને દુભાયેલાં, ઉઝરડાં પડેલાં કે ભયભીત પરિજનોને શાંત થવા પ્રેરીએ. જેથી પ્રાર્થના થકી એમને બળ મળે, ફરી જીવન જીવવાની એક આશા ઉમટે !
ૐ શાંતિ, શાંતિ, શાંતિ
