મહાભારતનાં પાત્રો
મહાભારતનાં પાત્રો
મહાભારતનાં યુદ્ધનાં વર્ષો બાદ એક યુવાન કુરૂક્ષેત્રનાં મેદાન પર ગયો અને એની માટીને હાથમાં લઈને વિચારતો હતો, "શું ખરેખર અહીં યુદ્ધ થયું હશે ? ત્યારે થયેલાં રક્તસંગ્રામની કોઈ નિશાની મળશે ખરી !"
આજુબાજુ જોતાં એને ધૂળની ડમરી ઊડતી દેખાઈ. એમાંથી એક સફેદ વસ્ત્રોવાળી આકૃતિ નજીક આવી
મૃદુ અવાજે બોલી, "એ તને ત્યારે સમજાશે જ્યારે તને મહાભારતનું યુધ્ધ શું છે એ સમજાશે ! આ યુધ્ધ એક વિચારધારા છે,એક સત્ય છે જે સમજવું રહ્યું."
યુવાને પૂછ્યું, "સત્ય છે તો ક્યાં છે ? સમજાવશો !" એ આકૃતિએ સમજાવવા માંડ્યું,
"આ પાંચ પાંડવ એટલે આપણી પાંચ ઈન્દ્રિયો. દૃષ્ટિ,સ્વાદ,વાસ, સ્પર્શ અને શ્રવણ !"
યુવાને અધીર થઈ પૂછ્યું, "તો પછી કૌરવો એટલે ?"
જવાબ મળ્યો, "કૌરવો એટલે અસંખ્ય બદીઓ, જે રોજ તમારી ઈન્દ્રિયોને ગ્રસ્ત કરવા આવે છે. તમે એને મોટે ભાગે હંફાવી શકો છો કારણકે એ દ્વંદ્વમાં શ્રીકૃષ્ણ તમારો સારથિ હોય છે, અર્જુનનાં રથની જેમ."
યુવાન કશુંક વિચારી રહ્યો હતો ત્યારે આકૃતિએ કહ્યું,"શ્રીકૃષ્ણ એટલે તમારો અંતરાત્મા,તમારો પથદર્શક. એનાં હાથમાં સુકાન સોંપી દો તો કોઈ જ ચિંતા નહીં."
આ સાંભળી યુવાન વધુ ગૂંચવાયો. "તો પછી દ્રોણાચાર્ય અને ભીષ્મ એટલે ?" થોડાં વિષાદ સાથે જવાબ મળ્યો, "એ બંને એટલે આપણાં મોટેરાં જે આપણાં આદર્શ, જેમનું દરેક વર્તન અનુકરણીય. પરંતુ જેમ ઉંમર વધે તેમ ઘણી વખત એમનાં વાણી કે વર્તન સાથે આપણે અસહમત થતાં જઈએ. એમની કોઈ વાત અસ્વીકાર્ય હોય ત્યારે મનોમંથન થાય. આવે વખતે મદદે આવે શ્રીમદ્ ભગવદ્ ગીતા."
પેલો યુવાન જમીન પર કોઈ અપરાધ ભાવ સાથે ફસડાઈ પડ્યો. કદાચ એની દુખતી રગ દબાઈ હતી. એ
બબડ્યો, "તો પછી કર્ણ ?"
પેલી આકૃતિએ કીધું, "વાહ, ઉત્તમ તો તેં બચાવી રાખ્યું હતું. કર્ણ એટલે તમારી ઈન્દ્રિયોનો ભાઈ. એ તમારામાં જ રહી બદીઓને પંપાળે છે. મહાભારતનાં કર્ણની માફક ખોટાંનો સાથ આપી સ્વયંને સાચો ઠેરવે છે. કર્ણ એટલે એષણા, ઈચ્છા જે પૂરી થવા બદીનો સાથ લે છે, ઈન્દ્રિયને ખોટું કરવા દે છે. કેટલીય વાર ઈચ્છા પૂરી કરવા બદીનું બહાનું નથી કાઢતાં તમે ?"
આ સાંભળી યુવાન નિ: શબ્દ થઈ નીચે જમીનને તાકી રહ્યો. બધાં પાત્રો, એની વ્યક્તિગત સમજ, જીવનમાં એનું સ્થાન, શ્રીમદ્ ભગવદ્ ગીતા શા માટે વૈશ્વિક ગ્રંથ ! આ બધું પચાવી એણે ઉપર નજર કરી તો પેલી આકૃતિ ઓઝલ થઈ ગઈ, ધૂળની ડમરીમાં. એ તદ્દન શાંત થઈ ગયો, જાણે અભિભૂત થઈ ગયો આ યુદ્ધભૂમિનાં ઈતિહાસથી, પેલી ગેબી આકૃતિનાં સંભાષણથી.
એ ધન્ય લાગણીઓ સાથે પાછો ફરી રહ્યો હતો, એક સુંદર તત્વચિંતન સાથે અને શ્રીમદ્ ભગવદ્
ગીતા જુદાં પરિપ્રેક્ષ્યથી વાંચવા માટે ! આ જ અજાયબ તત્વ છે ભારતભૂમિમાં, જેમાં જીવનને નજીકથી સ્પર્શી જાય એવાં અનેક પરિબળો છે.
જહાં સત્ય, અહિંસા ઔર પ્રેમ કા પગ પગ લગતા ડેરા;
યહ ભારત દેશ હૈ મેરા,યહ ભારત દેશ હૈ મેરા !
