Maya Desai

Inspirational

3  

Maya Desai

Inspirational

જ્ઞાન ભારતનું

જ્ઞાન ભારતનું

3 mins
181


એક સરસ વિચાર વાંચ્યો અને માણ્યો,

જે કમાયા તે મૂકી ગયાં,જે આપી ગયાં તે લઈ ગયાં !

કેટલી સચોટ વાત છે ! પોતાનાંમાંથી જે પરને આપે એ યાદ રહી જાય અને પુણ્યનું ભાથું સાથે લઈ જાય છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ દાનને મહત્વ અપાયું છે. કવચ કુંડળ આપી અમરત્વ ગુમાવનાર કર્ણની તો કોઈ જોડ જ નથી. ધર્મરાજ યુધિષ્ઠિર પણ દાનવીર ગણાતાં.

એ જ રસ્તે ચાલનારાં આજે અનેક અબજોપતિઓની તો કતાર લાગી છે. ભારતીય દાનવીરોમાં ઈન્ફોસિસ, વિપ્રો જેવી કંપનીઓ કે ટાટા જેવાં દેશપ્રેમીનાં નામ મોખરે છે. બીજાં ઘણાં દાનવીરોએ અનેક રીતે દાન આપી સમાજને ઉજળો બનાવ્યો છે.

કોઈ પણ ધર્મમાં દાનને મહત્વ આપવામાં આવ્યું છે અને એ જ સંસ્કાર સૌ આગળની પેઢીમાં પણ વહેતાં મૂકે છે. જન્મદિવસે કે તહેવારોમાં 'આપવું' એ ઉજવણીનો ભાગ બની ગયું છે, જે ખરેખર આવકારદાયક છે કે નવી પેઢી આને અનુસરે છે. ઋષિ પરંપરામાં કે આપણાં તત્વજ્ઞાનમાં જે કંઈ આપણી પાસે હોય એમાંથી દાન કરવું એ પ્રથા છે, કોઈ પણ સ્વરૂપે ધન, વિદ્યા, માનસિક આધાર, જ્ઞાન વિગેરે.

 અબજપતિ શબ્દ જેનાં થકી યોજાયો એ એટલે રોકફેલર. જી હા,જ્હોન રોકફેલર, જેને શ્રીમંત થવાની લગની લાગી હતી અને એણે એક એક પળ એમ થવામાં ગુજારી. અહર્નિશ એનું ધ્યાન ફક્ત પૈસા કમાવવામાં જ રહેતું.

 એવામાં 1893 માં લગભગ‌ ૫૫ વર્ષની ઉંમરે રોકફેલર બિમાર પડ્યા. માથાનાં સઘળાં વાળ ઊતરવા લાગ્યાં, ગળું સૂકાય, ખોરાક ન લેવાય જેવી અનેક ફરિયાદ. આ ઉપરાંત નિદ્રા નહીં, હસી કે રડી ન શકે. અમેરિકાનાં બધાં જ નામવંત ડોક્ટરોને બતાવી જોયું. પણ એ ગૂઢ રોગ ન પરખાયો. ઉપચાર નાકામિયાબ અને આગાહી એક વર્ષ આયુષ્યદોરી હોવાની.

અહીં..આવ્યો એક અભૂતપૂર્વ વળાંક.તે જ સમયે સ્વામી વિવેકાનંદ શિકાગોમાં હતાં. હિન્દુસ્તાનનાં તપસ્વીઓની પશ્ચિમમાં જબરી બોલબાલા. રોકફેલરના એક મિત્રે સૂચવ્યું,"કહે છે આ સંન્યાસી બહુ વિદ્વાન ‌છે. એકવાર મળી તો જો. બધાં જ ઈલાજ વિફળ ગયાં છે તો એક ઓર સહી."

રોકફેલર આવી બાબતોમાં માનતા નહીં એ ખબર હોવા છતાં મિત્રની પીડા ઓછી કરવાની સદ્ઈચ્છા. એમણે‌ ધૂંધવાઈને ના પાડી દીધી. પછી શું થયું કે બે-ત્રણ દિવસ બાદ તેઓ હોટલ પહોંચી ગયા સ્વામીજીને મળવા. ભવ્ય આતિથ્યની તેમની અપેક્ષા પડી ભાંગી. તેઓ ઓરડામાં ગયાં ત્યારે સ્વામીજી કશુંક લખી રહ્યાં હતાં. એમણે ઊંચું પણ ન જોયું જ્યારે રોકફેલરને હતું કે ઓરડામાં તેઓનું ભવ્ય આવકાર સાથે સ્વાગત થશે.

ધીરજ ખૂટતાં રોકફેલરે પોતાની ઓળખાણ આપતાં કહ્યું ," હું અહીંનો સૌથી મોટો ‌ઉદ્યોગપતિ, જ્હોન રોકફેલર છું."સ્વામીજી ઉપર જોયા વિના," હં..તો આગળ." રોકફેલરે કહ્યું," અહીંનાં રાષ્ટ્રપ્રમુખ પણ મને જોઈ ઊભાં થઈ જાય."

સ્વામીજીએ હવે પેન નીચે મૂકી વાતની શરૂઆત કરી," અચ્છા,એમ વાત છે ! તમે અત્યારે મનમાં ખૂબ અશાંતિ ભોગવી રહ્યાં છો. કોઈ શારિરીક તકલીફ પણ છે." 

  આમ રોકફેલરને લગતી કેટલીક વાતો કહી જે કોઈને જ ખબર નહોતી. રોકફેલર તો આ સાંભળી અવાચક થઈ ગયાં. લગભગ એક કલાક સુધી આ વાતચીત ચાલી. સ્વામીજીએ કહ્યું " આ બધાં પર એક જ ઈલાજ છે. આપી દો મિલકત, પૈસા. તમારી પાસે એટલું જમા થયું છે કે એને દાનમાં આપી દેવું જોઈએ. લક્ષ્મી તો ફરતી રહેવી જોઈએ નહીં તો એ અનર્થ સર્જે છે."

  સ્વામીજી સાથેનો એ કલાક રોકફેલર માટે જિંદગીનો સૌથી મહત્વનો બની રહ્યો.એણે સ્વામીજીના માર્ગદર્શન સાથે એની સંપત્તિને લોકહિતાર્થે વાપરવા માંડી. આનો સૌથી મોટો ફાયદો થયો રોકફેલરને.એમની તબિયત સુધરવા લાગી. વાળ પાછાં આવવા લાગ્યાં, ખોરાક લેવા માંડ્યા. એમણે મૃત્યુને આ દાન આપવાની પ્રવૃત્તિથી આગળ ઠેલ્યું અને ૯૮ વર્ષ જીવ્યાં.

એમના માતબર દાનથી મલેરિયા,ટી.બી. જેવાં રોગોની દવા લોકો સુધી સુલભતાથી પહોંચી. એ સિવાય એમણે પોતાનાં ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજિક, તબીબી અને‌ શૈક્ષણિક કાર્યોને આધાર આપ્યો.એમણે યુનિવર્સિટી ઓફ શિકાગો અને રોકફેલર ઈન્સ્ટીટ્યુટ જેવી વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી.

  આ છે દાનનો જાદુ.લેનારની જિંદગી સુધારી દે અને આપનારને મુઠ્ઠી ઊંચેરો બનાવી દે. આ વાત જ્યારે સ્વામી વિવેકાનંદે રોકફેલરને સમજાવી ત્યારે ‌તેમની વય હતી ૩૦ વર્ષ અને રોકફેલરની ૫૫ વર્ષ ! આ છે જ્ઞાનની અસર જે અબજોપતિને આપતાં શીખવે.

બીજાં મહાન દાનવીર બીલ ગેટ્સ પણ કબૂલે છે કે રોકફેલરની દાનવૃત્તિ એ એમની પ્રેરણા છે. આપણે પણ રોકફેલરની નાની આવૃત્તિ બની ધરાને ધરી પર ઘૂમતી રાખીએ. દાન એટલે દેવું, આપવું. એ માટે ધનવાન હોવું જરૂરી નથી, તમારી પાસે જે હોય એમાંથી જ આપવું. મારી પાસે રૂપિયા લાખ થશે ત્યારે હું દાન કરીશ એ ટાળવાની વૃત્તિ છે. આપણાં સૌથી મોટાં દાનવીર એટલે સૂરજદેવ. કોઈ અપેક્ષા વિના રોજ રોશનીની લ્હાણ કરતાં જ રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational