અમીર કોણ
અમીર કોણ
ક્યાંક વાંચ્યું હતું કે 'નથી' એ વાત કે વસ્તુ પર આપણું ધ્યાન એટલું કેન્દ્રિત હોય છે કે આપણી પાસે મબલખ છે એની ખુશી કે સંતુષ્ટિ આપણે માણી જ નથી શકતાં. એની પાછળનું મોટું કારણ તુલના. આ તુલના કરતી વખતે પણ બે પક્ષ વચ્ચે સમાનતા,સંજોગ કે પરિસ્થિતિને નથી સરખાવાતી ,ફક્ત એની પાસે જે છે તે મારી પાસે નથી એનો જ વસવસો.
માનવ સ્વભાવવશ, અગિયાર નંબરનીગાડી( પગપાળા) ચાલતો હોય ત્યારે સાયકલ વિશે વિચારે,ત્યાર બાદ કાર.. મોટી કાર, ડિઝાઈનર કાર અને પછી તો એની મહેચ્છા માઝા મૂકે.ઈચ્છા ન કરવી કે પ્રગતિ ન કરવી એવું કહેવાનો જરા પણ આશય નથી. પરંતુ આ ભૌતિક વસ્તુઓની ખરેખર જરૂર છે કે નહીં એ વિચારાતું નથી. "સમાજમાં કેવું લાગે ! પેલાં નોકરિયાતની અને આપણાં ધંધાદારીની કાર સરખી ન હોય .. પાંચ વર્ષ થઈ ગયાં, હવે આ શર્ટ ન પહેરાય, કોઈ શું કહેશે .. ગયાં વર્ષે લગ્નમાં આ જ સેટ પહેર્યો, હમણાં પણ આ જ .. સગાં શું કિંમત કરશે, આટલાં વર્ષમાં પાંચ તોલા સોનું પણ ન ખરીદ્યું.."
આ કેવું લાગે, કોણ શું કહેશે કે "એનાં" કરતાં ચડિયાતાં લાગવાની માનસિકતા અસંતોષ ભણી દોરી જાય છે. સબસે બડા રોગ,ક્યા કહેંગે લોગ ! આ જ્યારે લાગુ પડે ત્યારે સરખામણી ઈર્ષામાં પલટાઈ જાય છે અને નિખાલસતાનો નાશ થઈ જાય છે. કોઈથી કમ નથી એ અહમ્ જ્યાં પેદા થાય ત્યારે ભલભલા સંબંધો એરણે ચડી જાય છે. પછી તે ભાઈ ભાઈ,ભાઈ બહેન ,ભાઈબંધ કે ભાગીદાર વચ્ચે કેમ ન હોય ,એને લૂણો લાગવા માંડે છે.આમ સંબંધો નબળાં પડવા માંડે છે અને જે સમક્ષ હોય છે એને માણવાની મજા લેવાનું ચૂકી જવાય છે.આ માટે સૌથી જરૂરી છે જે કામ આપણે કરીએ છીએ એને પૂરી નિષ્ઠાથી કરીએ.આમ કરવાથી કામ દીપી ઊઠે છે અને એનો સંતોષ મન પ્રફુલ્લિત કરી દે છે . આ રીતે કામ કરવાથી સફળતા કે નિષ્ફળતા પ્રત્યે
પણ ચિંતિત નથી થવાતું. હા, નિષ્ફળતા કોને ગમે ! પણ એને જીવનનું એક અંગ માની અપનાવી લેવાની ક્ષમતા કામને ગમતું માનવાથી કેળવાય છે.આ મનોસ્થિતિ જે તે ક્ષણને માણવા પ્રેરિત કરે છે. મન જે પ્રાપ્ત છે એને પર્યાપ્ત માની આનંદ માણી શકે છે. મૉલમાંથી લીધેલી વસ્તુઓ જ સારી અને બીજી દુકાનવાળા કપડાં કેવાં લાગે, લોકો પૂછે તો શું કહેવાનું જેવાં વિચાર, હાજર ક્ષણ ,જે નવાં કપડાં કે વસ્તુ લઈને માણવાની છે એને ગુમાવી દે છે.આ વિચાર આવનાર પળો કે બનાવ વિશે ચિંતા કરતો કરી દે એટલે વર્તમાનનો આનંદ ગાયબ !
આ સ્વભાવ પછી એક આદત બનતો જાય છે જેમાં ભવિષ્યમાં બીજાંનાં પ્રતિભાવ કે અભિપ્રાયને એ વ્યક્તિ તાદૃશ જુએ છે અને હાજર ક્ષણોને દુષિત કરી દે છે. આ માટે સ્વ માટે આદર, પ્રેમ અને વિશ્વાસ હોવો જરૂરી છે. હું મને ગમે એવું, શોભે એવું કે મારાં મનને આનંદ આપે એવું કરીશ જ ..એમ જ્યારે નક્કી કરીએ ત્યારે એ ખરીદી કે એ કામને સ્વ સાથે જોડી શકાય. આ માનસિક અવસ્થા શરીરને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી થાય છે કારણ કે વર્તમાનમાં જીવવાથી ઊર્જા પણ ઓછી વપરાય છે. જે છે એને જીવીએ,જે નથી એને ભૂલીએ. આ 'જીવવું' એટલે ગમતાંનો ગુલાલ કરવો. પોતે ખુશ રહીએ તો આસપાસ પણ ખુશી સંચારિત કરી શકીએ.નાની નાની વાતોને વાગોળી, માણી ,'આજની ઘડી રળિયામણી ' કરીએ.
એકવાર સતત લડાઈ કરતી રહેતી એક સૈનિકોની ટોળી હારીને ઘર તરફ પાછી ફરી રહી હતી.લડાઈનો થાક અને પાછી હાર.. ચાલતાં ચાલતાં એક જંગલમાંથી પસાર
થઈ રહ્યાં હતાં ત્યારે રાતવાસો કરવા આ ટોળી રોકાઈ. અર્ધા ભૂખ્યાં, ઘાયલ અને થાકથી સૌ સૈનિકો જગ્યા મળી ત્યાં આડાં પડ્યાં. આંખો મીંચાવામાં જ હતી એટલામાં ત્યાંથી
પાવડી પટકાવતાં એક સિદ્ધ સાધુ મહાત્મા પસાર થયાં. નિસાસા નાંખતા, ઘાથી કણસતા આ સૈનિકોને જોઈ સાધુ મહાત્મા દ્રવી ઊઠયાં,એમને પ્રણામ કર્યાં.ઈચ્છા ન હોવા છતાં અડધાં પડધાં સૈનિકોએ ઊભાં થઈ મહાત્માને માન આપ્યું, પ્રણામ કર્યાં. મહાત્માએ સૈનિકોને આદેશ આપતાં કહ્યું ," તમે વતન માટે જાનની બાજી લગાવી દો છો . તમને મારાં વંદન,પણ સાથે આદેશ છે કે આ બાજુમાં સૂકાયેલું નાળું છે ત્યાંથી દરેક જણ એક મુઠ્ઠી પથ્થર લાવી પોતાનાં થેલામાં મૂકી દે. આ મારાં આશિષ માનજો,અને હા,એ થેલો સવારે જ ખોલજો."
આમ કહી સાધુ મહાત્મા આગળ નીકળી ગયાં. સૈનિકોએ મને કમને એક એક મુઠ્ઠી પથ્થર લાવી થેલામાં મૂકી દીધાં.સૌની આંખો નિદ્રા ચાહી રહી હતી તેથી સૂઈ ગયાં.સવારે ઊઠી આગેકૂચ કરી વતન તરફ. ચાલતાં ચાલતાં વળી ભોજન સમયે સૌ રોકાયાં ત્યારે કોઈને પેલાં મુઠ્ઠી પથ્થર યાદ આવ્યાં. સવારની બપોર થઈ હતી તેથી સૌએ મહાત્માનાં આદેશ પ્રમાણે થેલો ખોલી પથ્થર કાઢ્યાં
સૌનાં હર્ષનો પાર ન રહ્યો. એ પથ્થર નહીં હીરા હતાં. હરખથી નાચી ઊઠ્યા સૈનિકો, હાર અને દુઃખ ભૂલી.
પણ બે મિનિટમાં તો રંગ રોળાઈ ગયો. બધાં એમ વિચારવા લાગ્યાં કે એક જ મુઠ્ઠી લાવ્યાં, વધુ લાવ્યાં હોત તો !આખી જિંદગી લહેરમાં ગુજારી શક્યાં હોત.મહાત્માએ વધુ પથ્થર
લેવાની સૂચના આપવી જોઈતી હતી.
આ જ વાત કે પરિતોષ માનવસ્વભાવમાં છે જ નહીં.એ સૈનિકો જેમણે કદી સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું પોતાનાં હીરા વિશે,તેઓ આ ઓચિંતું મળ્યાંનો આનંદ લેવાને બદલે વધુ કેમ ન મળ્યું એની ચિંતામાં આવેલી ખુશી ગુમાવી બેઠાં. ઈશ્વરે દરેક જણ માટે ક્ષણ અને કણ નિયત કરી રાખ્યાં છે તેથી, એની ઈચ્છાને સર્વોપરી માની એક પણ ક્ષણ કે કણ વેડફવાને બદલે ભરપૂર માણીએ.
એક નવું પરણેલું યુગલ એક વૃદ્ધ દંપતીની પડોશમાં રહેતું હતું. યુવાન પત્ની હંમેશાં પેલી વૃદ્ધાના ગળામાં હાર જોઈ દુઃખી થતી અને વિચારતી," કાશ, મારી પાસે પણ આવો હાર હોત તો હું પણ દુનિયાની સૌથી સુખી સ્ત્રી હોત." બીજી બાજુ પેલી વૃદ્ધા આ યુવતીની સુંદરતા પર મોહિત હતી. એને થતું,"આ યુવતી જેવી હું સુંદર હોત તો હું દુનિયાની સૌથી સુખી મહિલા હોત." વળી યુવક એ વિચારીને દુ:ખી રહેતો કે એની પાસે પેલાં વૃદ્ધ જેટલાં પૈસા નહોતાં કે પત્નીની દરેક ઈચ્છા પૂરી કરી શકે. વૃદ્ધને એ વાતનું દુઃખ રહેતું, " મારાં માથા પર પણ પેલા યુવક જેવા કાળાં ભમ્મર વાળ હોત તો !"
આમ જ્યાં જુઓ ત્યાં અશક્ય ઘટના કે ચીજો દ્વારા સુખી થવાની લાલસા છે જ કારણ કે ખુદની અંદર કેટલી ખુશીનો ભંડાર છે તેની કોઈ પરવા જ નથી કરતું. ગરીબને લાગે પૈસા સાથે સુખ આવશે જ્યારે પૈસા આવે ત્યારે પણ એને સુખ ઢૂંકડું નથી ભાસતું.
અમીર એટલે ધનથી, મિલકતથી નહીં પણ વિચારથી. પોતાની પાસે જે કંઈ છે એ માટે ઈશ્વરનો પાડ માને અને એમાં ખુશ રહે એ જ અમીર. આપણી સિદ્ધિ કે સફળતાને કોઈનાં માપદંડથી માપવી જ શા માટે ! સૂરજ રોજ ઊગે છે તો એ કોઈનાં " ભલે પધાર્યા " કહેવાની રાહ નથી જોતો,એ તો એની મસ્તીમાં, ઝળહળવાનું ચાલુ જ રાખે છે ને !
તેથી જ- રહો મસ્તીમેં ઔર જીયો જી ભર કે !
