STORYMIRROR

Maya Desai

Inspirational

3  

Maya Desai

Inspirational

હું છું

હું છું

3 mins
214

એક અંગ્રેજીમાં આઈ(આંખ) અને આઈ(હું) નો ઉચ્ચાર એક સરખો થાય છે. આપણે સૌ જાણીએ છીએ આઈ એટલે કે આંખની કોઈ પણ સમસ્યા કે શસ્ત્રક્રિયા બાદ ટીપાં એટલે કે ડ્રોપ દ્વારા એનો ઈલાજ કરાય છે. આ બંને આઈ અને આઈ ને સાંકળતું એક સુંદર વાક્ય છે.

ફોર આઈ (આંખ) પ્રોબ્લેમ, આઈ ડ્રોપ,

ફોર આઈ(હું) પ્રોબ્લેમ, ડ્રોપ આઈ(હું) !

આ 'આઈ 'ના એક અક્ષરી અસ્તિત્વમાં કેટકેટલું સમાઈ જાય છે ! સ્વાભિમાન, સ્વતંત્ર અસ્તિત્વ, ઓળખાણ, મિથ્યાભિમાન, અહમ્... 'હું'પણું જ્યારે ચરમસીમાએ પહોંચે ત્યારે કેવા અનર્થ અને વિનાશ સર્જે છે એ તો આપણે રામાયણ કે મહાભારતમાં અનેક પ્રસંગે અનુભવી ચૂક્યાં છીએ. વળી અધ્યાત્મના સાધકો પણ ત્યાંથી જ શરૂ કરે છે કે'હું' ને ઓગાળો અને પરમ પદને પામો.

મારા વિના કોઈને નહીં ચાલે એટલે અહમ્ પણ કોઈના વિના મારું ચાલશે તેથી મોટો અહમ્ !

  દરેક સંબંધમાં જ્યાં સુધી સરળતા, એકબીજાંને અવકાશ આપવાની સહજતા રહે ત્યાં સુધી મીઠાશ રહે છે ત્યારબાદ આ સંબંધ 'હું 'પણામાં અટવાય ત્યારે મૃતપ્રાય બને છે અથવા 'હું'વિરાટ બની વિનાશને નોતરે છે. પોતાનાં કામને પૂર્ણપણે સમર્પિત વ્યક્તિ જ્યારે બીજાનાં અભિપ્રાય ખેલદિલીથી સ્વીકારી નથી શકતી ત્યાં જ અહમ્ નો જન્મ થાય છે અને શરૂ થાય છે ટકરાવ. બંને તરફથી અર્થહીન આક્ષેપબાજી અને સ્વમાન પર ઘા. આવે સમયે એક પક્ષે મૌન સધાય તો સંઘર્ષ પ્રત્યક્ષમાં ટળી શકે પણ જ્યાં સુધી અહમ્ ઊછળતો રહે ત્યાં સુધી કોઈ ખુલાસા કે સમજાવટ કામ ન લાગે. આવો જોઈએ 'હું' પણાની એક નાનકડી વાર્તા-

 એક ખૂબ પ્રસિદ્ધ શિલ્પકાર હતો. એને કારીગરી કોઈને તોલે ન આવે. આબેહૂબ જીવંત પ્રતિમાઓ બનાવવામાં ખૂબ પાવરધો હતો. આજુબાજુનાં અનેક રાજાઓ એનાંથી પ્રભાવિત હતાં અને ચારેકોર એની પ્રસિધ્ધિ પ્રસરી ચૂકી હતી. આ વાત તેણે કોઈ દિવસ દિમાગ સુધી પહોંચવા દીધી નહોતી અને પોતાનાં કામમાં નિષ્ઠાથી કાર્યરત રહેતો.

   એક સાધુ એનાં શિલ્પને નિહાળવા આવ્યો. એણે પણ એનાં ખૂબ વખાણ કર્યાં. પ્રસ્થાન સમયે સાધુએ શિલ્પકારને એનાં ભવિષ્ય વિશે જણાવ્યું અને કહ્યું,"પંદર દિવસમાં તારું મૃત્યુ થશે !" અલગારી જેવા શિલ્પકારને મૃત્યુની કલ્પનાએ ખળભળાવી મૂકયો. રાતે ઊંઘ નહીં, દિવસે કામ નહીં એવી મનોદશામાં એણે મૃત્યુથી છટકવા ઉપાયો શોધવા માંડ્યાં. કોઈને કહેવાય નહીં અને સહેવાય નહીં એવી અસમંજસ પરિસ્થિતિ હતી. મરવાના ડરે એક અલગ જ માણસ બની ગયો હતો તે. વિચારમાં ને વિચારમાં સમય પસાર થઈ રહ્યો હતો અને મોત નજીક આવી રહ્યું હતું.

   એવામાં એને વિચાર આવ્યો કે આબેહૂબ મૂર્તિઓ બનાવવામાં તો મને કોઈ માત જ ન કરી શકે ,ચાલ, મારા જેવાં જ અદલ શિલ્પ બનાવીને મૂકી દઉં પછી યમદૂત મને કેવી રીતે લઈ જશે ? મરવાનાં ડરે એની ઝડપ એટલી વધી ગઈ કે ટૂંક સમયમાં પોતાનાં જેવા ચાર શિલ્પ બનાવી ઊભાં કર્યાં.પોતે પણ વારેવારે એની બાજુમાં જઈને ઊભો રહી જતો,ક્યાંક યમદૂત સમય પહેલાં જ આવી ગયો તો ?

 આમ એણે યમદૂત ને છેતરવાનો પાક્કો ઈરાદો બનાવી લીધો અને કશું કામ કર્યા વિના પોતાના બનાવેલાં ચાર શિલ્પની મુદ્રામાં અખંડ ઊભો રહેવા લાગ્યો.

   એમ કરતાં ૧૫ દિવસ પૂરાં થઈ એ દિવસ પણ આવી પહોંચ્યો. યમદૂતની સવારી આવી પહોંચી ચાર શિલ્પની બાજુમાં ઊભેલાં શિલ્પકારને ન ઓળખી શકતાં,અંજાઈને યમદૂત યમલોક પાછા ફર્યાં. યમરાજાને પાંચ શિલ્પની વાત કરી. યમરાજા પણ વિચારમગ્ન થઇ ગયા, બંને પાછા પૃથ્વી પર આવી શિલ્પકારને લેવા ગયાં.આબેહૂબ પાંચ શિલ્પ જોઈ યમરાજા અચંબો પામી રહ્યાં અને અપ્રતિમ કલાની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું, "આવી શિલ્પકળા તો મેં આજે જ જોઈ. આ બનાવનાર કારીગર બેનમૂન જ હશે.આવી એક સરખી જીવંત પ્રતિમાઓ બનાવનારા કલાવંત કોણ છે ?" તરત જ પાંચમાંથી એક શિલ્પ આગળ આવીને બોલ્યું,"હું છું એ કલાકાર, મેં બનાવી છે આ પ્રતિમા !" એમનું કામ થઈ ગયું, તરત જ શિલ્પકારને લઈ બધાં યમલોક તરફ રવાના થઈ ગયાં.

 આમ' હું' પણાએ આ કાબેલ શિલ્પકારનો ભોગ લીધો. મોત સામે આવે ત્યારે પણ માણસનો અહમ્ કે અભિમાન ઓગળતું નથી, એ માટે ખૂબ પ્રયત્ન કરવા પડે છે.

  'સ્વ' ને ઉગારવા અને 'હું 'ને ઓગાળવા !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational