Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Children

4  

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Children

દોસ્ત

દોસ્ત

3 mins
280


“અરે ! વિનોદ તું અહીંયા ?”

“સોહ..ન ! મારા દોસ્ત, કેટલા વર્ષો પછી તું દેખાયો ! કેમ છે તું ? મજામાં ને.”

બંને મિત્રો આનંદથી એકબીજાને ભેટી પડ્યા.

“તો... વિનોદ, ઘેર બધા કેમ છે ?”

“એકદમ મજામાં...”

“થોડા સમય પહેલા મેં તને ફેસબુક પર શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તું મળ્યો નહીં.”

“સોહન, મને સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવો ગમતો નથી.”

“તું પણ ખરો છે દોસ્ત ! ફેસબુક પર આવીને તો જો... ખૂબ મજા આવશે. તને ખબર છે સોશ્યલ મિડિયાને કારણે મારા બધા જુના મિત્રો પાછા મારા પરિચયમાં આવ્યા છે. શાળા સમયના પણ ઘણા મિત્રો મારા ફેસબુક ફ્રેન્ડ થયા છે. કેટલાક તો વિદેશ રહેતા હોવા છતાંયે અમારી અવારનવાર વાતો થતી જ રહે છે. તને ખબર છે અમે એકબીજાથી ઘણા દૂર રહેતા હોવા છતાંયે એકબીજા વિષે બધું જાણીએ છીએ. તું ફેસબુક પર હોય તો તારા પણ ખબર અંતર મને મળતા રહે.”

“ઠીક છે બાબા... હું પણ ફેસબુક સાથે જોડાઇશ... બસ.”

“વિનોદ, તને પેલો તારો દોસ્ત જીગ્નેશ યાદ છે ? એ પણ કશે દેખાતો નથી.”

“ઓહ ! જીગ્નેશ... એ તો ત્રણ વર્ષ પહેલાં જ ગુજરી ગયો.”

“હે ભગવાન ! આ તું શું કહે છે ? એ કેવી રીતે થયું ?”

“સોહન, તું તો જાણે જ છે કે જીગ્નેશને શાળા સમયથીજ સિગરેટ પીવાની ગંદી આદત હતી.”

“હા, તમે બંને મળીને સિગરેટના પેકેટના પેકેટ ખાલી કરતા. વિનોદ, યાદ છે તને ? એકવાર તેં મારી સામે પણ સિગરેટ ધરી હતી અને કહ્યું હતું કે, મારી દોસ્તી રાખવી હોય તો તારે સિગરેટ પીવી જ પડશે અને મેં તારી ખૂબ જિદ હોવાથી તારા હાથમાંથી સિગરેટ લીધી હતી...”

વિનોદ વાતને કાપતા બોલ્યો, “હા, જીગ્નેશને તેનું એ વ્યસન જ નડ્યું. કેન્સરની બીમારીએ તેના શરીરને ખોખલું કરી દીધું હતું. સિગરેટના કશ ખેંચી ખેંચીને તેના ફેફસાં પણ તાર તાર થઈ ગયા હતા. સિગરેટના ધુમાડાએ તેના શરીરને ખાખ કરી દીધું હતું અને આ બધું થયું મારા કારણે... મેં દોસ્તીનો ધર્મ નિભાવ્યો નહીં... હું જ દોષી છું... હું જ પાપી છું...”

આમ બોલતા બોલતા વિનોદની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા..

“તો શું તેં એને સિગરેટના રવાડે ચડાવ્યો હતો ! ! !”

વિનોદે કહ્યું, “ના દોસ્ત, ના... મેં તેને સિગરેટના રવાડે ચડાવ્યો નહોતો... પણ...”

“પણ શું ?”

“જેમ મેં તારી સામે સિગરેટ ધરીને કહ્યું હતું કે મારી દોસ્તી રાખવી હોય તો તારે સિગરેટ પીવી જ પડશે. તેમ વર્ષો પહેલા જીગ્નેશે પણ દોસ્તીના સમ આપી મારી સામે સિગરેટ ધરી હતી. બસ ત્યારથી મેં સિગરેટ પીવાની શરૂઆત કરી હતી.” આટલું બોલતા બોલતા તો વિનોદને ડૂમો ભરાઈ ગયો અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

સોહન તેની પીઠ પર હાથ ફેરવતા બોલ્યો, “આમાં તારો શો દોષ ? જીગ્નેશને તેની ખરાબ આદત ભરખી ગઈ. તેમાં તું અને હું શું કરી શકવાના હતા ?”

અશ્રુ લૂછતાં લૂછતાં વિનોદ બોલ્યો, “હું કરી શક્યો હોત...”

“શું ?” તું શું કરી શક્યો હોત ! ! !”

“કાશ ! એ દિવસે મેં પણ તારી જેમ જીગ્નેશના હાથમાંથી સિગરેટ આંચકી લીધી હોત. કાશ ! એ દિવસે મેં પણ તારી જેમ એને પૂછ્યું હોત કે, તું નક્કી કર તારે શું જોઈએ છે. દોસ્ત કે સિગરેટ ? તો આજે મારો વહાલો દોસ્ત જીગ્નેશ આ દુનિયામાં હયાત હોત... આજે તે જીવતો હોત.” આંખમાં આવેલા અશ્રુને લૂછતાં લૂછતાં વિનોદ આગળ બોલ્યો, “આજે હું સ્વસ્થ અને તંદુરસ્ત છું કારણ મને મળ્યો તારા જેવો દોસ્ત, જયારે જીગ્નેશ તડપી તડપીને મર્યો કારણ તેને મળ્યો મારા જેવો દોસ્ત. હું તો ઈશ્વરને હંમેશા પ્રાર્થના કરું છું કે, હે ઈશ્વર ! સહુને આપે તારા જેવો દોસ્ત.”


Rate this content
Log in

Similar gujarati story from Abstract