mariyam dhupli

Romance Inspirational Thriller

3  

mariyam dhupli

Romance Inspirational Thriller

દિલ ચીર કે દેખ - ૫

દિલ ચીર કે દેખ - ૫

4 mins
386


મારી બાઈક ફરીથી શહેર તરફથી દૂર હાઈવેના માર્ગે આગળ પૂર ઝડપે ધપી રહી હતી. આ વખતે પણ પાછળની સીટ ઉપરનું શરીર મારા શરીરને લગોલગ સ્પર્શીને ગોઠવાયું હતું. એક હાથ મારા ખભે અને બીજો હાથ મારી કમર પર વીંટળાયેલો હતો. એ શરીરનાં દરેક અંગોને હું મારા શરીર જોડે સ્પષ્ટ અનુભવી રહ્યો હતો. મારું માથું મારી ઓળખ છુપાવતું મારી હેલ્મેટમાં ચુસ્ત ગોંધાયેલું હતું. એક વધારાની હેલ્મેટની જોગવાઈ પણ કરી હતી. એક નાજુક ગરદન એ હેલ્મેટનો ભાર રાજીખુશીએ સહી રહી હતી. બધુંજ પહેલા જેવું હતું. 

પણ ફક્ત મારું મન પૂર્વવત ન હતું. એમાંથી ઉઠી રહેલા ભાવો એ દિવસ જેવા ઉત્સાહિત અને ઉત્તેજિત ન હતાં. મારાં મન અને મગજમાં વિચારોનું યુદ્ધ મચ્યું હતું. ઘણું બધું ઘટી ગયું હતું. ઘણા બધા પ્રશ્નો હતાં. હૈયામાંથી મૂંઝવણ અને ભાતભાતનાં મનોમંથન રૂપી તીર છૂટી રહ્યા હતાં. જે અંતરને ક્ષણ ક્ષણ વીંધી રહ્યા હતા. પાછળની સીટ ઉપર ગોઠવાયેલું શરીર અત્યંત મૌન હતું. એ ચુપકીદી કોઈ અશુભ સમાચારની આગાહી કરી રહ્યું હતું. મારું મન વલોવાય રહ્યું હતું. છઠ્ઠી ઇન્દ્રિય મને ચેતવી રહી હતી. 

દિશાને મુંબઈ જઈ પરત થવાને એક અઠવાડિયું વીતી ચૂક્યું હતું. મુંબઈનાં રોકાણ દરમ્યાન એણે એક પણ મેસેજ કર્યો ન હતો. ન મારા મેસેજનો ઉત્તર આપ્યો હતો. ઘણીવાર વ્હોટ્સએપ્પ ઉપર કોલ લગાવ્યો હતો. મારો એક પણ કોલ ઉપાડ્યો ન હતો. પરત આવીને પણ નહીં. હું કલાકો બારી આગળ બેસી રહેતો. એનાં ઓરડાની બારી પણ જડબેસલાક બંધ હતી. ન ઘરમાંથી એ બહાર નીકળી હતી. હું એક અઠવાડિયાથી બહાનાં કાઢી ઘરેજ રોકાયો હતો. 

મારી હાલત ખૂબજ ખરાબ હતી. જાણે મારા શરીરમાંથી મારું હૃદય કોઈએ છીનવી લીધું હતું. હું ગાંડાની માફક અહીંથી ત્યાં ફર્યા કરતો. જમવાનું મન ન થતું. કોઈ પણ પ્રવૃત્તિમાં મારું ચિત્ત ન પરોવાતું. એક અઠવાડિયાથી હું ઊંઘી પણ શક્યો ન હતો. મારી લાલચોળ આંખો , વિખરાયેલા વાળ , જતન કર્યા વિનાનું શરીર અરીસામાં નિહાળી હું જાતે ડરી ઉઠ્યો હતો. બા અને પિતાજીને પણ કશું અયોગ્ય હોવાની શંકા ઉપજી હતી. મારી હાલતને ઘરે 'પરીક્ષાનું ટેંશન ' એવું બિરુદ મળ્યું હતું. ઘણી સલાહ શિખામણો પણ મફતમાં મળી ગઈ હતી. પરંતુ મારાં મનની પરિસ્થતિ ફક્ત હું જાણતો હતો. જીવવાનું જાણે મન થતું ન હતું. ફક્ત પથારીમાં પડ્યા રહેવું હતું. આજુબાજુ દોડતી ભાગતી દુનિયા જોડેનાં બધા સંપર્ક તાંતણા કપાઈ ચૂક્યા હતાં. એક લક્ષ્યદ્રીપ ઉપર એકલો છૂટેલો માનવી જેવી લાગણી અનુભવે એવીજ સંવેદના હતી મારી. 

એના પહેલા કે હું કઈ કરી બેસું કે મને કંઈક થઇ જાય....એનો મેસેજ આવ્યો.

ઇમરજન્સી હતી. એ મને મળવા ઇચ્છતી હતી. ઘરની બહાર નીકળી શકતી ન હતી. સાંજે એનાં મમ્મી મંદિરે જવાના હતાં. ગમે તેમ કરી એ મને મહોલ્લાથી એક કિલોમીટર અંતરે મળવાની હતી. 

મેં તરતજ તૈયારી દર્શાવી અને એણે આપેલા સરનામેથી એને પીકઅપ કરી. 

અમારી પાસે આજે પણ બહુ સમય હતો નહીં. વેરાન ઉજ્જડ વિસ્તારમાં મારી બાઇકને જોરદાર બ્રેક લાગી. હેલ્મેટ ઉતારતાંજ હું જોરદાર વરસી પડ્યો. 

" એક અઠવાડિયાથી હું લાશ જેમ ફરી રહ્યો છું. કોઈ હોંશ જ નથી. આ જો મારી હાલત. મારું દિલ બેસી ગયું હોત. એક મેસેજ નહીં. એક કોલ નહીં. આવીને એકવાર દર્શન પણ આપ્યા નહીં મેડમે. મારો જીવ નીકળી જાત. ખબર છે તને ? "

એના તરફ પીઠ દર્શાવતો હું થોડો આગળ વધ્યો અને બાઈકના આગળનાં ટાયરને એક જોરદાર લાત લગાવી. 

પાછળ તરફ દિશા જમીન પર ઢળી પડી. એની આંખોમાં ખારો સમુદ્ર ઉમટી પડ્યો. દિવસોથી અંદરોઅંદર ધરબી રાખેલી વેદના સ્પ્રિંગ સમી બહાર ઉછળી આવી. 

" મોમ ડેડને મેરી શાદી તેય કર દી હે. લડકા મુંબઈ સે હે. બહુત પેસે વાલે લોગ હે. મેને મના કિયા તો દોનોંને મુજે ઘરમેં બંધ કર રખા હે. મેં મર જાઉંગી લેકિન કિસી ઔર સે શાદી નહીં કરુંગી. "

હું તરતજ દિશાની તરફ ધસી પડ્યો. એને છાતીએ વળગાડી દીધી. પરિસ્થિતિ જાણ્યા વિનાજ હું એ બિચારી ઉપર ત્રાટક્યો હતો એ વાતથી મને ભારોભાર અપરાધભાવ અનુભવાયો. મારો હાથ એનાં માથા ઉપર હેતથી ફરી ઉઠ્યો. ' મર જાઉંગી ' એ બે શબ્દોથી મારું હૃદય એક ધબકાર છોડી ગયું. 

" તું ચિંતા ન કર. સૌ ઠીક થઇ જશે. હું છું ને ? "

એક સજ્જન માફક મેં વચન આપ્યું. મારાં શબ્દો થકી એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પરત થયો હોય એમ એનાં વહી રહેલા આંસુ થંભી ગયા. એણે પોતાની જાતને સંકેલી. સમય થઇ ગયો હતો. તરતજ બાઈક ઉપર હેલ્મેટ પહેરી અમે બન્ને ઘર તરફ ઉપડ્યા. 

પહેલા દિશાએ ઘરમાં પ્રવેશ કર્યો. થોડા સમય પછી હું બાઈક ઉપર મહોલ્લામાં પ્રવેશ્યો. દિશાનાં ઘરમાંથી એની મમ્મીનો અવાજ સંભળાઈ રહ્યો હતો. શબ્દો સ્પષ્ટ ન હતાં. પરંતુ એટલું સ્પષ્ટ હતું કે ક્રોધનો જ્વાળામુખી ત્યાં ફાટ્યો હતો. કદાચ પહોંચતા થોડું મોડું પડાયું હતું. 

બાઈક સ્ટેન્ડ ઉપર ગોઠવતાં મારી તાણયુક્ત નજર અન્ય દિશામાં વળી. જીયા સ્કૂટી સ્ટેન્ડ ઉપર ચઢાવી રહી હતી. ડિકીમાંથી પુસ્તકો નીકાળી એણે છાતી સરસા ચાંપ્યા. થોડાજ દિવસોમાં પરીક્ષા હતી. એની તૈયારી એણે શરૂ કરી દીધી હતી. મારી તરફ એની નજર પડી કે એનું ધ્યાન દિશાનાં ઘરમાં મચી રહેલા હોહા ઉપર કેન્દ્રિત થયું. મને એક કટાક્ષમય નજરે ફરી નિહાળી એ એક પણ શબ્દ બોલ્યા વિના પોતાના ઘરમાં પ્રવેશી ગઈ. 

વિચારોથી ભારે થયેલા મગજ અને મન જોડે હું પણ ઝડપથી મારાં ઘરમાં પ્રવેશી ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance