Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Ramesh Patel

Abstract


4.0  

Ramesh Patel

Abstract


ધરતીની મહેક

ધરતીની મહેક

14 mins 200 14 mins 200

ભારતીય જીવન પધ્ધતીમાં, પારિવારિક જીવન મૂલ્યો, શીશુવયથી સંસ્કાર સીંચન, ત્યાગ, શ્રધ્ધા

અને સૌના હિતમાં આપણું હિતની ઉદ્દાત ભાવના સમાયેલી છે.

વ્યક્તિ સંસારી હોય કે સંન્યાસી, દેશ હોય કે પરદેશ, સ્ત્રી હોય કે પુરુષ, આજની પેઢી કે ગઈકાલની,

સર્વેના મનના ઉંડાણમાં, વતનની માયાના બંધન, સ્નેહના સંધાનને, સમયનો પ્રવાહ કદાપી ઓગાળી

શક્યો નથી.

માનવીની ભીતરની સંવેદનાની કથાવસ્તુ લઈ, ગુજરાતની ધરતી, મા ભારતીના સંસ્કારને ગૂંથતા

બે પાત્રો એક સન્યાસી અને બીજું સંસારી, આ બંને જીવન શૈલી સાથે વણાયેલી, સમાજ સાથે નાતો

ધરાવતી વાર્તા આલેખી છે.

એક સંન્યાસી આજીવન વતનથી દૂર રહી સંયમી જીવન જીવનાર, મરણ પછી, વતનની માટીનું

ઋણ અદા કરવાની ખેવના દર્શાવે છે. એક સદગૃહસ્થ, ભણતર ઓછું પણ નીતિના સંસ્કારને

ઉજાગર કરે છે.જીંદગી સાથે વણાયેલી આ ‘ધરતીની મહેક છે.

ધરતીની મહેક..

નાનકડા ગામનું પાદર સરોવરથી શોભી રહ્યું છે. સરોવરની પાળે વિશાળ વડલા વડવાઈઓ ઝૂલાવી રહ્યા છે.

મંદિરની હારમાળાએ ફરકતી ધ્વજાઓ હૃદયની ચેતનાને ઢંઢોળી રહી છે. પંખીના મધુરા કલરવ આનંદ

વરતાવી રહ્યા છે, તો સરોવરમાં ગુલાબી કમળ પુષ્પો અને લીલુડી થાળી જેવડા પાન, મનને પ્રફુલ્લીત

કરતી શોભાનું નઝરાણું ધરી રહ્યા છે. ગુજરાતના ડાકોર પંથકના નાનકડા ગામ મહિસાની આ વાત છે.

સરોવરના પનઘટ ઉપર સવારે ગામની દીકરીઓ, વહુવારૂ અને બહેનો કપડાં ધોતાં ધોતાં, હૈયાની વાતોનાં

પટારા ખોલી રહી છે. આજથી સાઈઠ વર્ષ પહેલાંનું આ દૃશ્ય, એ આપણું લોકજીવન હતું. 

કપડાંની ધુલાઈ પતી ગયા બાદ, બે બહેનપણીઓ ચંચળ અને સૂરજ, ઘાટ પર બેસી વાતોએ વળગે છે.

“અલી ઓ ચંચળ…તારે કાને વાત પડી છે?.”..સૂરજ બોલી 

“આપણા ગામના પ્રાણશંકરનો પીતામ્બર, કેવો ધાર્મિક અને પરગજુ, બાપદાદાની વેપારી જાહોજહાલી, ગુણિયલ

પત્ની ને દીકરો ત્રણ વર્ષનો તપન, આ બધાને રેંઢા મૂકી, શું ઓછું આવ્યું કે કોઈ વાત બની, ઘર છોડી જતો

રહ્યો છે. વાત મલીછે કે એક ચિઠ્ઠી છોડેલી છે. ચિઠ્ઠીમાં ની વાત વિશે કેટલાય ગપગોટાળાચાલે છે.”

ચંચળ બોલી- “ભારે કરી પીતામ્બરે તો, આ ઘરવાળી જયા અને તપનની જીંદગી તો અકારી થઈ જશે.”

સૂરજ કહે-“બિચારા માબાપ અને તેના મોટાભાઈ મનસુખ, રાત દિવસ સગાવહાલે તપાસ માટે દોડાદોડા કરે છે. 

ભૂવા જ્યોતિષવાળાને પૂછીને થાક્યા પણ આજ સુધી પીતામ્બરનો પત્તો લાગ્યો નથી. “

પ્રાણશંકરની હવેલી પીતામ્બર વગર સુની છે.અને તેનું ઘર છોડવાનું રહસ્ય રહસ્ય જ રહ્યું. પીતામ્બરની પત્ની 

જયાએ ધર્મસભા, ચાતુર માસમાં થતા સંત પ્રવચનોના સહારે થોડી શાતા મેળવી.નાના તપનને મોટો કરવામાં

જીવ પરોવ્યો . દાદા પ્રાણશંકરના સથવારે તપનનું બાળપણ સરસ રીતે પ્રાંગરવા લાગ્યું.

ગામ નાનું પણ મોરનાં પીંછાની જેમ વસ્તી ભયાત થઈ રહેતી. બધી જ્ઞાતી એકબીજાની પૂરક બની ગામની

શોભા વધારે .ગામમાં પટેલ ભયાતનું નાનકડું ફળિયું, મોટાભાઈ મગનભાઈ અને નાના ભાઈ સોમદાસની, આગળ 

પડતા લોકોમાં ગણના થાય. ગામ કાજે ઘસાઈને ઉજળા થવાની ભાવનાથી જીવતા જીવ. મગનભાઈ અને ધર્મપત્ની 

મણીબેનને સંતાનમાં એક દીકરી નામે સોનલ. નામ પ્રમાણે ગુણ, કોઈ વાતની ખોટ નહીં. કાકા સોમદાસને ઘેર પણ

બે દીકરા-જયંત અને શંકર.ખેતીવાડીની આજીવિકા અને કુટુમ્બ પ્રેમથી, સૌની જીવન નાવડી, પ્રભુના સહારે હંકાઈ રહી છે. 

દિવસો વિતતા જાય છે. ગઈ કાલે આંગણામાં રમતાં છોકરાં, યુવાનીમાં દોટ મૂકે છે. મગનભાઈની સોનલ પણ

ભણતાં ભણતાં પરણવાની ઉમ્મરે પહોંચી ગઈ. નાનકો તપન પણ દાદાનો ટેકો થવા થનગની મૂછનો દોરો આંબરી રહ્યો છે.

સાંજના સમયે મગનભાઈ અને સોમદાસ વાળું પતાવી સાથે બેઠા છે.

મગનભાઈએ વાત ઉપાડી.. “સોમદાસ… આપણી સોનલ માટે લગ્નનો વિચાર કરતાં, મને ડાકોરની બાજુમાં આવેલા

થામણા ગામના ભીખાભાઈનો ભણેલો દીકરો નટવર ધ્યાનમાં આવેલો છે. બીજા કોઈ તેમના ઘરેમાગુ નાખે તે પહેલાં, આપણે

વાત મૂકી જોવી જોઈએ…તને આ બાબત કેમ લાગે છે?” 

સોમદાસ બોલ્યા, “ભાઈ..તમારી વાત સો ટચના સોના જેવી છે. થામણા ગામમાં, આપણા સ્નેહીશ્રી ખોડીદાસ છે.તેમના

ઘેર કાલે જ, ડાકોરના ઠાકોરના દર્શન કરી પહોંચી જઈએ ને વાત આગળ વધારીએ.”

બંને ભાઈઓ, બીજે દિવસે, થામણા ખોડીદાસને ઘેર જઈ સઘળી વાત કરી. ખોડીદાસ મહેમાનોને પોતાને ઘેર બેસાડીને 

ભીખાભાઈને મળવા ઉપડ્યા અને વાત ઉપાડી. “ભીખાભાઈ, તમે તો રાજકુંવર જેવા દીકરાના બાપ, તમારા ભાવ ભાઈ ઉંચા.”

ભીખાભાઈ હસતા આવકારો દેતા બોલ્યા..”.ખોડીદાસ..કેમ આજે સાકર વહેંચવા નીકળ્યા છો?”

ખોડીદાસ ગુલાલ જેવા ખીલી બોલ્યા…”વાત જ એવી છે ભીખા ….ભાઈ..”

“અમારા સંબંધી ગામ મહિસાના મગનભાઈ અને તેના ભાઈ સોમદાસ, તેમની દીકરી સોનલના સગપણ ગોઠવવા મારા ઘેર

પધારેલ છે.તમારા દીકરા નટવર ઉપર તેમની નજર ઠરી છે.યાદ છે..ગયા ઉનાળે આપણે મહિસા ગયા, ત્યારે એક પરી

જેવી છોકરી બતાવી હતી, એ જ સોનલની વાત છે. ઘર અને માણસ તમારા બરાબરીના છે. નટવર અને તમારા કુટુમ્બીજનોની 

રાય લઈ મને કહેશો તો બંને ભાઈઓને સાંજે મળવા બોલાવી લાવું.” 

ભીખાભાઈએ વાતચીત બાદ મગનભાઈ અને સોમદાસને પોતાને ઘેર બોલાવ્યા અને ગોળધાણા વહેંચવાના શુભ સમાચાર

આપ્યા.મોટેરાઓએ વાત ઉપાડી, ” મગનભાઈ તમારી દીકરી સોનલના વિવાહ અને લગ્નની તૈયારી કરો અને અમને જણાવો 

એટલે વાજતે ગાજતે જાન લઈને આવીએ ને લગ્નના માંડવે તમારી મહેમાનગતી માણીએ.”

આ વાત સાંભળી, બન્ને ભાઈઓના હૃદયમાં આનંદ છલકાયો. દીકરીને સારૂ વર અને ઘર મળ્યાના આનંદ સાથે, શ્રી ખોડીદાસનો

આભાર માની, બંને ભાઈ પાછા ઘેર આવ્યા.

વસંત પંચમીના શુભ મુહૂર્તે નટવર અને સોનલે સપ્તપદીના ફેરા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં. 

આવી  ઢૂકડી વેદાય વેળા

માવતર ઝીલે છૂપા પડઘા

હૈયે ના સમજાય વ્યથાની રીતિ,

જુદાઈની કેવી કરૂણ કથની

વાત કેમ કરીને કહેવી, બોલે દીકરી

હું તો આજ સાસરિયે ચાલી……

મા બાપનું હૈયુ રડે ..

આંખનાં અશ્રુ બોલે વાણી

નથી જગે તારા સમ જીગરી

તું સમાઈ અમ શ્વાસે દીકરી..

વહાલી દીકરી…વહાલી દીકરી

મગનભાઈ અને કુટુમ્બીજનોએ વહાલસોયી સોનલને ચોંધાર આંસુએ વિદાય આપી. આંગણામાં કિલ્લોલ કરતું પંખી,

સમાજની નવી જવાબદારી ઉપાડવા વિદાય થયું. 

સોનલ સાસરિયામાં દૂધમાં જેમ સાકર ભળે તેમ ભળી ગઈ. બધી વાતે સુખ-સાહેબી હતી. પણ આતો સાહસનું સત

લઈ જન્મેલી પેઢી. નટવરને દેશાવર-આફ્રિકા ખેડવાની ઈચ્છા થઈ. નટવરે સોનલને કહ્યું..”જાતે પગભર થવું છે…દરિયામાં

સૌ વહાણ ચલાવે, મારે તો રેતીમાં વહાણ ચલાવવાં છે, અણજાણી ભોમકામાં કૌવત ઝળકાવવું છે, પડકારો ઝીલવા છે.”

સોનલ બોલી..” ભગવાનમાં શ્રધ્ધા અને તમારો પુરુષાર્થ રંગ લાવશે.” માવતર અને સાસરિયાંના આર્શીવાદ લઈ બેલડી

ઉપડી ગઈ દેશાવર.

દેશ જુદા, વેશ જુદા, ભાષા જુદી અને અણજાણ્યા મુલકમાં વિપદાઓની સામે ઝઝૂમતા નટવરે પોતાની આગવી સૂઝથી ભાગ્યદેવીને

રીઝવવા માંડી. વેપાર અને કીર્તિના તોરણ સાથે સંતાન સુખના ઘરમાં દીવા થયા. સોનલે મોટી દીકરી રૂપલ અને નીરવને, સંસ્કાર અને

માતૃપ્રેમથી એવો ઉછેર કરવા માંડ્યો કે ઘર નંદનવનની જેમ મહેકી ઉઠ્યું. ભારતની સંસ્કૃતિની મહેક પરદેશમાં મળે તે માટે નટવરલાલ 

ભાગવત સપ્તાહ યોજતા અને બંધુજનોને તત્ત્વ જ્ઞાન સાથે ભક્તિનો આનંદ મળતો.દીકરી રૂપલને આ બાલ સંસ્કાર અને તેની

તેજસ્વિતા માતપિતા માટે હરખના હિંડોળા બની ગઈ.

દૂર દેશાવરમાં, કામધંધામાં ગળાબૂડ નટવરલાલે એક દિવસ સોનલને કહ્યું ..”ચાલો હવે દેશમાં જઈ આવીએ, બધા યાદ કરેછે તો

મળતા આવીએ.”સોનલ તો આ વાત સાંભળી ખૂબ જ ખુશ થઈ ગઈ. સોનલે બધા સગાવહાલાંને યાદ કરી ભેટ સોગાદો લીધી.વેપારની 

જવાબદારી અંગત માણસોને સોંપી નટવરલાલ સપરિવાર વતનમાં આવી પહોંચ્યા.સ્વજનોના મીઠા આવકારા અને મિત્રોના ભાવ ભર્યા

હૈયા જોઈ, નટવરલાલ ભાવ વિભોર થઈ ગયા.

સાસરીમાં નટવરલાલ સોનલ અને પોતાના બન્ને સંતાનો લઈને, મહિસા ગામે, મગનભાઈને ઘેર પહોંચતાં જ, હૃદયમાં આનંદના ફૂવારા છૂટ્યા. 

મગનભાઈ દીકરીના ભાગ્ય જોઈ, આંતરડી ઠારતા શબ્દો બોલવા લાગ્યા.” દીકરી સોનલ ..પરદેશમાં શું કરતી હશે?તકલીફોમાં તો નહીં હોય ને? 

અજાણ્યા મુલકમાં, મુશ્કેલીમાં તો નહીં પડી જાય ને?” પણ આજે, નજર સમક્ષ, બંનેની સુખ સાહેબી જોઈ, ભગવાન શ્રી રણછોડરાય મહારાજને

યાદ કર્યા. જૂનાં સંસ્મરણો વાગોળતા, મોડી રાત સુધી બધા વાતે વળગ્યા ને રાત્રે સૂઈ ગયા.

વિધીની લીલા કોણ જાણી શક્યું છે? મગનભાઈના હૃદયમાં આજે એટલો આનંદ ઉભરાયો કે રાત્રે સંતોષ નીંદરમાં જ તેમની આંખ સદાને માટે

મીંચાઈ ગઈ. સોનલે સવારે આ વાત જાણી ને આઘાતના દરિયામાં આખું ઘર સોનલ સાથે ગરકાવ થઈ ગયું.જાણે એકની એક દીકરીને મળવાની

જીજીસા પુરી થતાં, મગનભાઈની આયુષ્ય દોરી સમાપ્ત થઈ ગઈ. સોમદાસને લાગ્યું કે જીવન સથવારો જતો રહ્યો. સ્વજનોએ શાન્તવના આપી

અંતિમ સંસ્કાર કર્યા.

સોમદાસ ઘરમાં શૂન્ય મને બેઠા હતા.સોનલ પાસે આવી ભારે હૃદયે બોલી..”કાકા હવે કોને મળવા આવીશ?”

ચોંધાર આંસું અને ડૂસકું…એ દુઃખદ વિરહની પરાકાષ્ઠાને શાન્તવન આપતા સોમદાસ બોલ્યા-“સોનલ ..દીકરી.. ભગવાનની મરજી આગળ

કોનું ચાલ્યું છે. તારી મરજી થાય ત્યારે તું દોડી આવ જે, તને જરાય ઓછું નહીં આવવા દઉં.”

સોનલે બાપીતા ઘરની ચાવી, કાકા સોમદાસને સોંપી. સમય પસાર થયો અને પાછું આફ્રિકા કારોબાર

સંભાળવા, નટવરલાલ અને સોનલે સપરિવાર વિદાય લીધી. 

નવયુગની પહેચાન એટલે શિક્ષણ, રૂપલ પણ ભણી ગણી ડૉક્ટર બની .નીરવ એમબીએ થયો. નટવરલાલ પેઢીના કામકાજમાં 

વ્યસ્ત રહેતા પણ સમય મળે વતનમાં ફેરો મારી નાતો જાળવતા. સોમદાસ પણ પૂરી વયે પહોંચ્યા પણ નેવું વરસે શરીરનું જોમ જાળવી

રાખ્યું છે.. ખેતીવાડીનો ભાર દીકરા જયંત અને વહુવારુઓએ ઉપાડી લીધો છે અને હળીમળી ઘર સંસાર ચાલે છે. 

એક દિવસ સોમદાસે દીકરા જયંતને બોલાવી કહ્યું “દીકરા આપણે જે રહીએ છે તે ઘર કોનું છે? તને ખબર છે? ” 

જયંત બોલ્યો-“કેમ એમ પૂછો છો બાપુ …ઘર તો આપણું જ છે ને?”

” ના દીકરા, આ ઘર તો સોનલ દીકરી આફ્રિકા રહે છે તેની અનામત છે. મેં થામણા તપાસ કરી, પણ તેમના બધા કુટુમ્બીજનો હાલ

પરદેશ છે. હવે સોનલ આ વખતે આવી જાય તો, ઘરના પૈસા આપી ઋણ ચૂકવી દઈ, આ દેહ મૂકવો પડે તો સારું.”

સોમદાસે અત્યાર સુંધી ગૂંચાતી અને સંઘરી રાખેલી વાત દીકરાને કરી. હૈયામાં સદાય પરોપકારની ગંગા વહેવડાવનારની

પરીક્ષા, કુદરત પણ કરતી હોય તેમ, સોમદાસને, પરદેશમાં સોનલ દીકરી, ગુજરી ગઈ એવા માઠા સમાચાર મળ્યા. સોમદાસ પાકટ

વયે ચોંધાર આંસુએ રડ્યા. બીજે દિવસે થામણા ગયા અને સ્નેહી ખોડીદાસને વાત કરી, ભાઈ નટવરલાલ અને સોનલની દીકરી

રૂપલને અહી આવવાના એંધાણ મળે તો તમે મને તુરત જ જણાવજો, જેથી મારે ઋણ ચૂકવવાનું રહી ના જાય.સોમદાસનો

જીવ મૂંઝાતો હતો. મનમાં વેદનાથી બળતરા થતી હતી.

ખોડીદાસ બોલ્યા….”રૂપલતો ભાઈ, પરાઈ ધરતી ઉપર ઉછરી છે. તેને આપણી લાગણીના બંધન, સોનલ જેટલા ના હોય,  

પરંતુ, નટવર સમય કાઢી જરૂર આવશે જ અને તમને ખબર પહોંચાડી દઈશ.”

સોમદાસે …ખોડીદાસ આગળ હૈયું હળવું કર્યું અને ગામ પરત આવી ગયા.

સમય સમયનું કામ કરતો રહ્યો અને સંસારનો રથ વાટે વિચરતો રહ્યો.પીતામ્બરના ગયા પછી વહુ જયા એ ધર્મમાં મન

પરોવ્યું. પ્રાણશંકરના સથવારે તપન પણ દાદાને ટેકો કરે એવો ઘડાતો ગયો, પણ પ્રાણશંકર પોતાના મિત્ર રતન માસ્તર

આગળ દીકરા પીતામ્બરને યાદ કરી છૂપી વેદના રજૂ કરી છાના છાના રડી દેતા.

આફ્રિકામાં નટવરલાલે, સંતાન ઉછેરમાં કોઈ જ કચાસ ના રાખી. દીકરી રૂપલ ભણી ને ડૉક્ટર બની. એક દિવસ રૂપલે

પપ્પાને વાત કરી…””પપ્પા.. મારો અભ્યાસ પતી ગયો છે, તમને અનુકૂળતા હોયતો ભારત જઈ આવીએ.મારે ત્યાંના

પ્રખ્યાત સ્થળો જોવા છે અને ખાસતો પાંડેચેરી જવું છે.”

નટવરલાલ તો આ વાત સાંભળી રાજીનારેડ થઈ ગયા ને બોલ્યા..” મને પણ ઈચ્છા થઈ છે અને ગામથી પત્ર પણ આવ્યો છે.

ગામની શાળામાં તારી માતાના નામે દાન આપવા અગાઉ મેં સંદેશો કર્યો હતો. તું તૈયારી કરીલે, હું જવાનો પ્રોગ્રામ ગોઠવું છું.”

નટવરલાલના પ્રોગ્રામના સમાચાર ખોડીદાસને મળતાં તેમણે મહિસા સોમદાસને સંદેશો મોકલ્યો. સોમદાસની આંખમાં ચમક

આવી ગઈ. ક્યારે નટવરલાલ રૂપલને લઈને આવે ને દીકરીનું કર્જ મારા માથા પરથી ઉતારું. 

સોમદાસે ..દીકરા જયંતને બોલાવી પૂછ્યું…”દીકરા, પૈસાની સગવડ કરી રાખજે. આ ઘર પેટે થામણા જઈ આપી આવવા છે. “

જયંત કહે..”બાપુજી…પાંત્રીસ હજાર છે, તમે કહેશો ત્યારે આપણે બંને સાથે થામણા જઈશું અને સૌને મળીશું.”

” ભલે ભાઈલા.. .. હમણાં તો નટવરલાલ આવ્યા એવા જ રૂપલ તથા નીરવ અને સ્વજનો સંગાથે 

દક્ષિણ ભારતના પ્રવાસે ગયા છે, તેઓ આવે પછી આગળ વાત કરીશું. “

ઘણા વરસો બાદ કુટુમ્બીજનો સાથેનો આ પ્રવાસ નટવરલાલને આત્મ સંતોષ આપી રહ્યો હતો. રૂપલ અને નીરવને

પણ મુક્ત મને આનંદ લૂંટવાનો લ્હાવો મળતો હતો ને સાથે સાથે તીર્થ ભૂમિનાં સ્પંદનો આ ધરતીની મહેક સાથે તેમને

જોડી રહ્યા હતા. યાદગાર સ્થળોના પ્રવાસની મજા માણતા સૌ પાંડેચેરી અરવિંદ આશ્રમમાં આવી પહોંચ્યા.

રૂપલની આંતર ચેતના અહીંના અલૌકિક વાતાવરણના દર્શને ઝૂમી ઊઠી.આશ્રમની વિવિધ, જીવનલક્ષી

અને પરોપકારી ચેતનાભરી પ્રવૃતિઓમાં તેને રસ પડ્યો.આશ્રમમાં ફરતાં ફરતાં, ગુજરાત વડોદરાના વતની એવા 

ડૉ.વિરલની મુલાકાત થઈ . તેમની પાસેથી સેવા, સમર્પણ અને દુઃખ દર્દ દૂર કરવાની પ્રવતિઓમાંથી મળતા સંતોષ

સુખની વાત રૂપલને ખૂબ જ સ્પર્શી ગઈ.

રૂપલે પપ્પા નટવરલાલને પૂછ્યું ..”પપ્પા..મને અહીં પાંડેચેરી આશ્રમમાં ડૉક્ટરી સેવા કાર્યમાં સહયોગ

આપવાનું મન થાય છે. મારી સેવાકાર્યની શરૂઆત આ ભૂમિથી થાય તો કેવું?” 

નટવરલાલ ચમકી ગયા અને બોલ્યા..”રૂપલ તારા માટે અહીંનું વાતાવરણ અને સ્થળ નવા છે, તું અજાણી છે, તને નહીં ફાવે.”

રૂપલ બોલી ..”પપ્પા ..જુઓ ..આ માતાજીનો ફોટો, કયા દેશના વતની અને ક્યાં તેમનું જીવન કાર્ય ખીલ્યું ?”

નટવરલાલે તે જ ક્ષણે, દીકરીના રાજીપામાં પોતાનો રાજીપો ગણી, હા ભણી અને બોલ્યા.”.એક વખત પાછા વતન 

થામણા જઈ આવીએ, ત્યારબાદ આપણા કોઈ કુટુમ્બીજન સાથે, તારા માટે અત્રે સુવિધા કરી પછી હું આફ્રિકા જઈશ. “

રૂપલને આજે ભગવાનની અપાર કૃપા મનમાં વરતાઈ.

ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ છે. નટવરલાલે પત્ની સોનલની યાદમાં, શાળામાં આપેલા દાનની વિગત, આરસપહાણની

તક્તીમાં ઝગારા મારી રહી છે. સોમદાસ અને ખોડીદાસ સાથે નટવરલાલના પરમ મિત્ર ડાહ્યાભાઈ આવ્યા છે. નટવરલાલ

શાળાના પટાંગણમાં યોજાયેલ સન્માન સમારંભ બાદ, એકબીજા સાથે બાળપણની મધુર વાતો મમરાવી રહ્યા છે.

આજ ડાહ્યાભાઈને સામે જોઈ નટવરલાલને વિતી ગયેલી સુખદ પળો યાદ આવી ગઈ. 

ડાહ્યાભાઈ સામે જોઈ… નટવરલાલ હસતા હસતા બોલ્યા..”“ આજે ડાહ્યાભાઈ એક અમારી ખાનગી વાત કહેશે .” સૌ અચંબામાં પડ્યા…

ને ડાહ્યાભાઈ હળવેથી બોલ્યા…..”બોલો આપણા ગામમાં મારા નામવાળા કેટલા ?”

બેઠેલા સૌ બોલી ઊઠ્યા..ફક્ત બે જણ તમે અને પેલા બીજા ડાહ્યાભાઈ.

નટવરલાલ ખડખડાટ હસતા બોલ્યા.. “હવે આગળ સાંભળો એમની વાત”. 

ડાહ્યાભાઈ કહે, “સાચી વાત તમારી… આખા ગામમાં અમે બે જ ડાહ્યા બાકીના તમે બધા ગાંડા. સૌ મોટેરાંની આ મજાની મજાક માણી

આનંદ સાથે વિખરાયા.”

સોમદાસે નટવરલાલને ઘેર આવવા આમંત્રણ પાઠવ્યું પણ તેઓ થોડાક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી રૂપલ અને નીરવને કહ્યું તમે

દાદા સાથે અત્યારે જાઓ, હું પછી આવી જઈશ. ડાકોરના રસ્તે સૌ ગામ જવા નીકળ્યા.રસ્તામાં પગપાળા સંઘોનો લોકમેળો જોઈ, શ્રધ્ધાની

શક્તિનાં દર્શન કરતા કરતાં મહિસા ક્યારે આવી ગયા તેની કોઈને ખબર ના પડી.

ઘરે આટલા વર્ષે આવેલા ભાણેજોની સાથે આત્મિયતાથી વાતો કરતાં સૌ આનંદના હિલોળે ચઢ્યા.

ઘરમાં ભીતે ટીંગાવેલ મગનદાદા અને માતા સોનલનો ફોટો બતાવતાં સોમદાસની આંખો ભીંની થઈ ગઈ અને બોલ્યા ..”દીકરી

રૂપલ અને નીરવ તમને એક વાત કહેવી છે.”

રૂપલ બોલી …”દાદાજી બોલો –શું વાત છે?”

” આ ઘરની ચાવી તારી માતા સોનલે મને આપેલ અને તે તમારી અનામત છે. હું અને સોનલ બે જ એના સાક્ષી. આ વાત બીજા કોઈને

ખબર નથી અને હવે મારી પણ અવસ્થા થવા આવી છે. મારી વાત મનમાં ના રહી જાય માટે, તું મને ઋણ મુક્ત કરતી જા. આ ઘર પેટે

રૂપિયા પાંત્રીસ હજાર તું સ્વીકારી લે.”

સોમદાસ આ વાત કહેતાં કહેતાં ભારે હૃદયે થઈ ગયા.

રૂપલ બોલી…”દાદા.. દાદા -આ તમે શું બોલી રહ્યા છો. આવી વાત કહેવાય .”એનો પણ કંઠ રૂંધાઈ ગયો. 

રૂપલનું હદય આજે સોમદાસ દાદાની ભાવુકતા પર વારી ગયું. કેટલો ડંખ દાદાના મનમાં થાય છે, આ

નિસ્પૃહી જીવને… દીકરીની વસ્તુ અણહકથી ના છીનવાય ..કેવી કઠે છે વાત?”

રૂપલે આજે આત્મિયતાની પરાકાષ્ઠા અનુભવી. આજે લાગણીના પૂરમાં એવી તણાઈ કે પોક મૂકીને તેનાથી રડી 

દેવાયું. શાતા વળતાં તે બોલી..”દાદાજી, આપણા ફળિયાનું નામ શું?’

સોમદાસ બોલ્યા.”.દીકરી..નાનું ફળિયું.”

રૂપલ બોલી…”આવા ધરતીની મહેક જેવા જીવ જે જગ્યાએ જ્ન્મ્યા હોય, તે વળી નાનું ફળિયું શેને કહેવાય?.

આ ફળિયાનું નામ રાખો ‘સોમદાસની ખડકી’. હું મારા દાદા મગનદાદા અને માતા સોનલ

ની યાદમાં-એક મજાનું પુસ્તકાલય ખડકીની ઉપર બનાવડાવીશ અને સ્વજનોના સંભારણા જેવું આ સ્થાનક મને

તીર્થ લાગશે.તમોને અત્યારે તેની વ્યવસ્થા કરવા પાંચ લાખનો એક ચેક આપતી જઈશ.તમારાપાંત્રીસ

હજાર ભાઈ જયંતને કામ લાગશે. આ ઘરને મારું તમારું શોભતું નથી. તમે જ મારા છો, પછી ઘરની વાત જ ક્યાં? આ ખડકી

બંધાઈ જાય પછી, મને જરૂરથી પાંડેચેરીથી બોલાવજો..

હું સોમદાસની ખડકીમાં પગ મૂકતાં, મંદિરમાં પધારવા જેટલો આનંદ અનુભવીશ.”

સોમદાસ અને કુટુમ્બીજનો, દરિયાદીલ દીકરી રૂપલના આ રૂપ જોઈ બોલી ઊઠ્યા..”મોરનાં ઈંડાં ચીતરવાનાં ના હોય.”

રૂપલે અને નીરવે જમી પરવારી, ભીંની આંખે સ્નેહીજનો પાસેથી વિદાય લીધી અને થામણા આવી, પિતાને બધી વાત કરી.

નટવરલાલની છાતી આ વાત સાંભળતાં જ ગજગજ ફૂલી.તેમણે દીકરીમાં પણ આ ધરતીની મ્હેંકતી સુગંધ જોઈ અંતરમાં ખુશી અનુભવી.

દીકરી રૂપલની ઈચ્છા મુજબ, પાંડેચેરી આશ્રમમાં મૂકી આવ્યા બાદ, આફ્રિકા દીકરા નીરવ સાથે તેઓ ઉપડી ગયા અને

વેપાર ધંધામાં રત થઈ ગયા.

રૂપલના પાંડેચેરીમાં ડૉક્ટર વિરલ જેવા સહ કાર્યકર સાથે સેવાયજ્ઞમાં કામ કરતાં ખૂબ જ આનંદથી દિવસો પસાર થવા લાગ્યા.એક

સમાન ધ્યેય, એકજ વિચારસરણીના આધ્યાત્મિક સ્પંદનો જીલવાની તાલાવેલીએ, બંનેને એકબીજાની ખૂબજ નજીક લાવી દીધા.

વિરલને એક દિવસ શાયરી વાંચતો જોઈ, રૂપલ બોલી..’.કેમ આજે આટલા ફૂલગુલાબી લાગછો ?’

વિરલ ઝૂમી ઊઠ્યો ને કહે -“લો તમે પણ સાંભળો..”…

તમે થાઓ પુષ્પ તો, પવન બની લહેરાયા કરું

તમે થાઓ સોમ તો, સાગર બની ઊછળ્યા કરું

રૂપલ પણ વાહ! કરતી વદી ..

“દાક્તરી જગતને હૈયુ એટલે શરીરને રક્ત પરિભ્રમણ કરાવતો પમ્પ.બીચારો ડૉક્ટર પ્રેમની દુનિયાને શું શમજે ?”

વિરલ તુરત જ બોલી ઊઠ્યો…” ના ભાઈ ના! આજકાલ તો હવે ડૉક્ટરો પ્રેમની ગઝલો લખવામાં પાવરધા થઈ ગયા છે. આવો

બતાવું તમને બ્લોગ પર અમારી જમાત” કહી તે હસી પડ્યો.

“મને પણ એક સરસ પંક્તિ આવડે છે ..સાંભળવી છે? “રૂપલ બોલી

હોય અંધારી રાત પણ સામે મનગમતો ચાંદો ખીલે

રાતરાણી થઈ મહેંકી ઊઠું ને આકાશ પણ નાનું પડે .….અને એક શરમની લાલી તેના ગાલ પર અંકિત થઈ ગઈ.

વિરલતો આજે દિલથી ખીલી સહસા રૂપલને વધાવતો બોલ્યો..” તનમનને ઝંકૃત કરતી, અમૃતમય

બંસીના નાદ જેવી, આપની આ મધુર લયભરી વાણી, અમારા રસના મહાસાગરને હીલોળવા સમર્થ

છે ચંદાદેવી..”

“બસબસ હવે જગતને સાબિતી મળી ગઈ છે કે ડૉક્ટર સાહેબો પણ પ્રેમ સાધના કરી શકે છે…ઓકે”..રૂપલ હસતાં હસતાં બોલી.

પરમાત્મા સાચા દિલના લોકોને કેવો રાહ નિર્મીત કરી આપે છે. બંનેએ લગ્નનો પ્રસ્તાવ કુટુમ્બીજનોની સંમતી લઈ વધાવ્યો.

નટવરલાલે શામળિયાની આ કૃપાથી જીંદગી પર રહેલો એક ભાર ક્ષણમાં ઊતરી ગયેલો ભાળ્યો અને તેમની અનુકૂળતાએ

લગ્નની તૈયારી કરવાનો સંદેશો દઈ દીધો.

સોમદાસની ખડકી તથા પુસ્તકાલય તૈયાર થઈ જવાનો સંદેશો મળતાં ડૉ.વિરલને લઈને રૂપલ મહીસા આવી. ગામ

લોકો એ લોક ડાયરાનું આયોજન કર્યું છે અને વ્યવસ્થાપકો ઉમંગથી કામમાં પરોવાયેલાછે. એટલામાં બહાર ગામથી એક

ગાડી આવી અને ચોકમાં ઊભી રહી. ગાડીમાંથી ઉતરેલા માણસે ગામનું નામ પૂછી ખાતરી કરી, કેળવણી મંડળ કે ગામના

સરપંચશ્રીને મળવા માટે માહિતી પૂછી. એક ભાઈ તેમને મંદિરના ઓટલે બેઠેલા સરપંચ શ્રી શંભુદા પાસે લઈ ગયા. લોકો

પણ ઈંતજારીથી ટોળે વળ્યા. શંભુદાએ ચા-પાણીની વ્યવસ્થા કરી, આવવાનું પ્રયોજન પૂછ્યું.

આવેલ ભાઈઓએ, પરિચય આપતાં કહ્યું- “અમે સુરત પાસે તાપી નદીના કાંઠે આવેલા ‘સિધ્ધાશ્રમ’થી આવીએ છીએ.

અમે બધા તેના ટ્રસ્ટીઓ છીએ . અમારા ગુરુદેવ મહંતશ્રી અલખનંદજીએ તેમના ‘મરણવીલ’ માં મહિસા ગામની શાળાને

કેળવણી માટે દાન આપવા આદેશ આપેલ છે, તે માટે આટલે દૂર શોધતાં શોધતા અમે તમારી પાસે આવ્યા છીએ.

શંભુદા વિચારમાં પડી ગયા, અમારા તરફથી કોઈ ભલામણ લઈને પણ ગયું નથી, કેટલાય જોજનો દૂર તાપીનો

કાંઠો ને દૂર ચરોતરના બીજે છેડે અમે… તેમને દાનની આ વાત ના સમજાણી. મહંતશ્રી એ આવી ભલામણ મરણ પછી કેમ કરી હશે ?

એવા વિચારોના વમળ સાથે શંભુદાએ પ્રશ્ન કર્યો, “ભાઈ આશ્રમ અને ગુરૂદેવ વિશે કંઈક કહેશો?” ત્યાં તો સાથે બેઠેલા વડીલ 

રતન માસ્તર પણ બોલી ઊઠ્યા …”ગુરૂદેવની કૃપા છે તો તેમના વિશે કંઈક કહો.”

આવેલા ભાઈએ વાતનો દોર સાંધતાં કહ્યું-“અમારા આશ્રમને સ્થાપે ચાલીસ વર્ષ થઈ ગયા છે. આ આશ્રમ નહીં પણ 

ગુરુજીએ સંસ્કાર કેન્દ્ર ખોલ્યું છે. સદવિચાર ને સદપ્રવૃતિઓ માટે સદા દાનની ગંગા વહે છે. ગુરૂજીનો મૂદ્રા લેખ હતો..

“મનુષ્યના આંતરિક સ્તરને ઊંચે ઊઠાવવું એજ એના પર અમૃત વર્ષા કરવા બરાબર છે.”

રતન માસ્તર કહે પણ ગુરૂદેવ વિષેતો કંઈક કહોને…

આવેલા ભાઈ કહે- ” અમારા ગુરૂદેવ તીર્થાટન કરી અત્રે આવ્યા અને તાપીના આ લહેરાતા તાડ અને સવારના સૂર્યોદય

જોઈ, આ પાવન સ્થળે તેમના ગુરૂદેવની આજ્ઞા લઈ આશ્રમ સ્થાપ્યો. અમે સત્સંગ કરતા પણ એકજ વાત જાણવા

મળેલ કે તેમનું પૂર્વાશ્રમનું નામ પીતામ્બર હતું અને તેમને તેમના ગુરૂજીએ ‘અલખનંદજી’ કહી આશીર્વાદ

સાથે દિક્ષા આપેલી. ક્યાંના હતા? કે કંઈથી આવ્યા હતા? કે બીજી કોઈ ખબર નથી. ધર્મ સભામાં કાયમ તેઓ કહેતા કે યાદ

રાખજો.. સ્વ માટે નહીં પણ સૌના માટે જીવો. આત્મ ધર્મની રક્ષા માટે ત્યાગ એજ સાચા કલ્યાણનો માર્ગ.”

રતન માસ્તર પીતામ્બર નામ સાંભળતા જ ચમક્યા અને આજથી સાઈઠ વર્ષ અગાઉ, પોતાના મિત્ર 

પ્રાણશંકરનો પીતામ્બર પત્ની જયા અને પુત્ર તપનને છોડી, ચિઠ્ઠી મૂકી ગયો તો તે વાત યાદ આવી ગઈ. તેમને

આખી વાતનો સેતુ બંધાતો લાગ્યો.

ટ્રસ્ટીઓને વાત કરી અને અલખનંદજીને આ ધરા સાથે વતનનો સંબંધ છે એવો ફોડ મળ્યો. તેમણે

ગુરૂજીનો ફોટો જોયો તો નાકનકશીપરથી અંદાજ મળ્યો. દાનની આ ભૂમી સાથેની વાત સમજાતાં, ટ્રષ્ટી

મંડળે ગુરૂદેવના કુટુમ્બીજનોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. સૌ સાથે મળી પ્રાણશંકરને ઘરે મળવા આવ્યા.

આટલે વરસે, દીકરાના સમાચાર મળ્યા તથા તેના થકી આખા પંથકમાં પ્રસરેલી સંસ્કાર, શિક્ષણની

વાતો સાંભળી, ઢળતી ઉમ્મરે પહોંચેલા મા બાપને વરસોની વેદના બાદ આજ શાતા મળી. ભગવાન

મહાવીર જેવી જીંદગી જીવી ગયેલા પોતાના સંતાન માટે અહોભાવ થયો. ઘર, પત્ની, પુત્ર અને ગામ છોડી ચાલી

નીકળેલા સંતજીવ પીતામ્બર ભલે-આજીવન કઠોર સંયમથી વતનથી અળગા રહ્યા, વતનની માટીનું ઋણ 

ચૂકવવાનો ખોટકો મનમાં રહી ના જાય માટે, મરણ પછીના વીલમાં દાનમાટે લખતા ગયા. મનના ઊંડાણમાં 

વતનની માયાના બંધન કેવા અતૂટ હોય છે જે સમયનો પ્રવાહ પણ ઓગાળી શકતો નથી, તે સૌએ અનુભવ્યું.

ટ્રસ્ટીઓ પણ જયાબેન ના સાત્વિક જીવનને જોઈ અહોભાવ પામ્યા. દીકરા તપનનું ગળુ ભરાઈ આવ્યું 

ને જીંદગીના ખેલ જોઈ દાદા પાસે શૂન્ય મનસ્કે બેસી ગયો. આવેલા ટ્રસ્ટી મંડળને, શંભુદા પોતાને ઘેર લઈ ગયા ને

જમણવાર પતાવી, કેળવણી મંડળનો ચેક સ્વીકારી પહોંચ અને આભાર પત્ર આપ્યો. શંભુદાએ ટ્રષ્ટિઓને રૂપલબેનની

વાત કરી ને આજે રાત્રે ગામે યોજેલ લોકડાયરામાં આવવા વિનંતી કરી. કાર્યક્રમ શરુ થયો અને દૂરના આ નાનકડા

ગામનાં રત્નોનો પ્રકાશ અને મ્હેંક જોઈ સૌએ ધન્યતા અનુભવી.

રંગમંચ પરથી દોહાની રમઝટ છૂટી..

જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર

નહીં તો રહે જે વાંઝણી, મત ગુમાવીશ નૂર


Rate this content
Log in

More gujarati story from Ramesh Patel

Similar gujarati story from Abstract