Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Ramesh Patel

Others


4.0  

Ramesh Patel

Others


વરસ્યા વરસાદ ને અમે ઝીલ્યા

વરસ્યા વરસાદ ને અમે ઝીલ્યા

6 mins 37 6 mins 37

વરસ્યા વરસાદ ને અમે ઝીલ્યા


સ્મૃતિ કથા

   

  ભાઈ ! આ ઉકળાટથી તો તોબાહ. લૂ વાળા વાયરાને પરસેવે રેબઝેબ સૌ કોઈની મીટ મંડાય આભલે. હવાના મીજાજ બદલાય ને સાગરકાંઠેથી વાવડો છૂટે કે મેઘરાજાની સવારી આવી રહી છે. અષાઢનો ગાંડોતૂર પવન ફૂંકાયને ઝાડવાં ધૂણવા માંડે.ધૂળની ડમરીઓ ને વાદળો ઘેરા ઘાલે ને પછી તો કડાકા- ભડાકા સાથે મેઘો તાંડવ નૃત્યનો આરંભ કરે . ધરણીનો વ્હાલો , સાંબેલા ધારે ત્રાટકે ને સર્વત્ર જળ તરબોળ. આકાશથી અમૃત વર્ષા ઝીલી , ધરતી સૌરભથી ખીલી ઊઠે ને મેહને વધાવતા ભાવો રમે…


શ્રીમંતા  ઘૂમતા  ઓ , ઝરમર ઝર  ને, આવને   ભેટવાને

ને આવ્યો એ છવાતો, ગગન ગજવતો , આભલે વાત સંગે

પર્જન્ય    પ્રેમભીંનો, રસધર   વસુધા, કાયને  મ્હેંકાવી ને

ઐશ્વર્ય    અર્પવા એ, ગિરિ પર વરસી, કુંજ  લીલી રમાડે

 

        ખેતી પ્રધાન દેશની આ વ્હાલી ઋતુ એટલે વર્ષા ઋતુ. કબૂતરીયા રંગનાં શ્યામલ વાદળો મનમૂકીને જ્યાં વરસે, સૂકી ધરતી છબછબ કરતી વાટે રેલાતી જાય, ઝરણાં રમતાં –કૂદતાં નદીઓમાં જવા ઉતાવળાં થાય. ચોમાસામાં નદીઓનું યૌવન અંગડાઈ લે ને બે કાંઠે છલકાવાની શરુઆત થાય. વર્ષા ઋતુનાં આ સંભારણાં , વેબ ગુર્જરીના ' વર્ષા વૈભવ' નિમિત્તે આજે મન નભડે ઘૂમરાવા લાગ્યાં.  મા ગુર્જરીની નાની મોટી અનેક નદીઓ..ચોમાસે ઉભરાતી, મદમાતી છલકાતી જોતાં જોતાં મોટા થયા છીએ. મહિસાગર અને સાબર કાંઠે , જીવનનાં વર્ષો સુખેથી ગાળ્યાં હોય, બે કાંઠે ઘૂઘવતી આ નદીઓને અનેક ચોમાસાઓમાં નજરે નીહાળી છે. તેના રોદ્ર સ્વરૂપનું અને કુદરતની મહા શક્તિઓ આગળ આપણું વામણાપણું ,જોવું સમજવું એ પણ એક લ્હાવો છે. નવયુગના માનવીઓએ બાંધેલા નાથેલા જળપ્રવાહથી કેટલાય સંકટો ટળ્યા છે , એ પણ અનુભવ્યું છે. આ અષાઢી વર્ષાનાં આગમન પછી ધરતી લીલુડા સાજ ધારણ કરે, હૃદયને ઊર્મિઓથી ભરે ને મુખલડે ફરફર છાંટણથી કામણ વેરે..સર્વત્ર ઠંડકનો આનંદ. આવો મારા શીશુવયથી ઝીલેલી એ ભીંની વાતોથી ફરી ભીંજાઈ જઈએ.

 

      ગુજરાતના ખેડા જીલ્લાનું પ્રકૃતિ ખોળે રમતું ગામ મહિસા એ મારું વતન. બાપોતી વ્યવસાય ખેતીવાડી એટલે ધરતી અને વરસાદને ખોળે ઉછરતું જીવન. ખેતરો ભર ઉનાળે ખેડી તૈયાર હોય ને વરસાદની જેવી પધરામણી થાય..છોકરાંને મુખડે ગીત રમવા માંડે…


આવરે   વરસાદ

ઢેબરીયો પરસાદ

ઉની ઉની રોટલી ને કારેલાંનું શાક

  

 ખેડૂત પરિવારોના મુખ પર છવાતી એ ખુશહાલી એ સાચો વૈભવ , એવું સદાય મને લાગતું. સારું ચોમાસું એટલે દેશની સારી અર્થ વ્યવસ્થાની વધામણી ને તેની શરુઆત' કૃષી સાથે જોડાયેલી સમાજ વ્યવસ્થાથી શરૂ થાય. એ વરસાદી વાતાવરણમાં , માડી ચૂલા પર ગરમા ગરમ વાળું તૈયાર કરી બેઠી હોય ને ઉજાણી સાથે સૌ પહેલા વરસાદની મજા, અમે આખી ખડકીના પરિવારો સાથે માંડીએ. ધડધડ નેવે પડતા વરસાદને ઝીલવા , બાળકો હાથ લાંબા કરે ને પલળવાની મજા માણે. અમૃત વર્ષાનાં એ ફોરાં , પતરાં પર વરસાદી સંગીતની મહેફીલ સજે ને ભીંની ભીંની ઋતુનાં કામણ , દોરી પર ઝૂલતાં દદડતાં પહેરણોમાં ચોમાસાની વાર્તા માંડે. પવન સપાટે ઉચકાઈ પટકાતાં, કોઈ ઘરનાં છાપરાનાં પતરાં તથા ઘર પર પાંખો ઊંચી કરી ન્હાતાં પારેવડાં , જોવાની બાળ માનસને સદા મજા પડતી…એ કેમ વિસરાય?

 

ગાજ્યાં   ગગન   ઘોર ગડગડ

ઝબૂકી વીજળી ઝળહળ ઝળહળ

અંગે ઓઢ્યું નભ નમણું ફરફર

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર

 

    ખેતરની ખેડેલી ધરા, ઝરમર વરસાદ ઝીલી સંતૃપ્ત થાય ને , ખેડૂ લોક વાવણી કરવા બળદ જોડે . ઘૂઘરમાળ બળદને કંઠે રણકે ને એક પછી એક જતી એ વણઝાર જોવી એ, ગ્રામ્ય જીવનનો લ્હાવો હતો. અમે પણ મોટેરાં સાથે  તે સમયે ગાડામાં બેસી જતા, રસ્તે વાડ પર ફેલાતા વેલાઓને લીલુડું ઘાસ  જોઈ , હરખપદુડા થતા ખેતરે પહોંચતા. ઝાડ નીચે બનાવેલી છાપરી નીચે પ્લાસ્ટિક પાથરી રમવાની મજા પડતી. ભીંની ઋતુમાં પેદા થતા અનેક જીવ-જીવડાં ને પંખીઓની મીજબાની એટલેકે કુદરતી સંતુલનની આ વાત મોટપણે સમજાણી , પણ તે વખતે તો દેડકાનાં ડ્રાઉ ડ્રાઉની બોલીની નકલની મજા લાગતી…એ ગમતી. ત્રણેક દિવસમાં વાવેલું બીયારણ ઊગી ચાસે પડતું ને એ લીલાછમ ખેતરો લહેરી ઉઠતા. આ નજર ઠારતો લ્હાવો એટલે જ વર્ષા ઋતુનો વૈભવની મહાપ્રસાદી.

        

  નદીઓને ચોમાસે રમતી જોવા, અમે અમારા ગામથી થોડે દૂર વહેતી નદીને જોવા જતા. કોતરોમાંથી પસાર થતા એ રસ્તે જતાં, અમને ખૂબ રોમાંચ થતો, જેવી  નદીનો ખળખળ વહેતો પ્રવાહ સામે નીરખીએ , છબછબિયાં કરવા,મન લલચાતું. આ સમયે એક વડીલ સૌને રોકી એક વાત કહેતા.. એ યાદ આવી ગયું… અત્યારે પ્રવાહ ખૂબ જ જુસ્સાદાર હોય, ઢીંચણ સમા નદીનો પ્રવાહ પણ આપણને આડાપાડી ખેંચી જાય..ડૂબાડી દે…નદીમાં ના ઉતરાય.સાંભળો છોકરાઓ ઘણી વખત નદીનો પ્રવાહ એકદમ શાન્ત દેખાય તો તુરત જ દૂર જતા રહેવું, કારણ કે થોડા જ સમય પછી ઘોડાપૂર આવવાનું હોય. ટી.વી. ઉપર આવી રીતે ઘોડાપૂરમાં તણાતા પરિવારને જોઈ, તેમની આ સોનેરી અનુભવી શીખામણ માટે અત્યારે પણ અહોભાવ અનુભવાય છે. અમે ભૂલકાંતો નદીમાં તણાઈ આવતાં ઝાડી ઝાંખરાં જોતા ને દૂર વળાંકે જળ થપાટોથી પડતી ભેખડો જોઈ રોમાંચીત થઈ ઉઠતા. અત્યારે તો આ જળપ્રપાત સાથે વીજ સુવિધા થકી, ભેજવાળી હવા  જ્યારે અકસ્માતો સર્જે છે ત્યારે ખૂબ જ ખિન્નતા અનુભવાય છે.

    

  વર્ષા ઋતુનું મહામૂલું કાર્ય એટલે વાતાવરણની શુધ્ધતા. ધૂળ ને ધૂમાડા સઘળું પાણીમાં ઓગળી ધરાએ ધરબાય. તાજગી દેતી હવા ખાવા અમે અગાસી પર રમવા જતા. વાદળછાયા વાતાવરણમાં ટોચે જઈ બેસવું એટલે આલ્હાદક વાતાવરણની મીઠી મજા માણવી…અનુભવે જ આ વાત પરખાય , માણે તેની મજા. અમારા ગામમાં મોરની વસ્તી ખૂબ જ અને વરસાદ ગાજે એટલે એક મોરલો જેવો ટહુકે..બીજો ત્રીજો સાથ પૂરાવા મચી પડે. શ્યામલ આકાશની નીચે એ ટહુકા સાંભળેલા તેની મીઠી ગુંજ આજે પણ મનમાં ગુંજતી રહેછે. ઝીણી ફુહારે પલળવાની મજા જેણે લૂંટી એના શ્રીંમંતાઈની ઈર્ષા કરવાની વાત હૃદયથી ભૂલાય તેમ નથી. ગડગડાટ સાંભળીએ ને વતનથી દૂર હોઈએ પણ , મોરલાના ટહુકા સાથે સાવજની દહાડનો આભાસ મનમાં રમી જાય ને કવિ હૃદયમાં પડઘાય..

ગાજે મેહુલિયો ને સાવજની દહાડ

જાણજો એજ મારું વતન ગુજરાત


  વરસાદની હેલી થતી જાય ને ગામના તળાવોમાં, નવા પાણીથી એક પછી એક પગથિયાં ઉપર આવતાં જાય. પાણીની સપાટી વધી ના જાય માટે એક ખરખડી બાંધી હોય એ વધારાનું પાણી બહાર જવા દે. ગામ લોકો જળ દેવતાની વધામણી કરે, મહાદેવને રીજવે. તરવૈયા ધબાધબ મોટા વડલેથી ભૂસકા દે ને તરવાની મજા લૂંટે. ઘણા તળાવના આ છેડેથી પેલે છેડે તરતા પહોંચે, કમળ કાકડી લેતા ખાતા મજા કરે. વરસાદની મસ્તી સાથે પશુ પંખી ને માનવજાત , ગ્રામ્ય જીવનના આનંદમાં તરબોળ થઈ જાય. આ મજાના વરસાદી દિવસો અમને આજીવન ભીંજવતા રહ્યા છે.

     

  પહેલાના જમાનામાં પૂલોની સગવડ ઓછી ને વાહન વ્યવહારની અસુવિધાને લીધે, ચોમાસામાં ના છૂટકે જ લોકો યાત્રાએ નીકળતા. સંત સન્યાસી એક જ સ્થળે રોકાઈ ચાતુર માસ કરી, સત્સંગની ગંગા વહેવડાવતા. શ્રાવણ માસની આ ધાર્મિકતા અમે સંસ્કાર રૂપે બાળપણથી ઝીલી છે. બાલિકાઓમાં સંસ્કાર સીંચતું પર્વ..ગોરમાનો વર કેસરિયોને નદીઓ ન્હાવા જાય મારો વાલમા..ગાતું નિર્દોષ ભોળું બાળપણ જવારા વાવી ..ચોમાસાની જે મજા લૂંટે છે, એ ભારતીય સંસ્કારની સુવાસ જ છે. જન્માષ્ટમી કે રક્ષાબંધન પર્વોની મજા, વરસાદી વાતાવરણમાં ઓર જ ખીલે ને જે મજા માણવા માણેલી એ સાચે જ અહોભાગ્ય છે.

    

  યુવાવયે જીઈબીમાં સબસ્ટેશનથી નોકરીની શરુઆત થઈ. વરસાદની શરુઆત એટલે વીજ વહનમાં વાંધા બાધા શરુ. ઈન્સ્યુલેટર્સ ફાટે કે વંટોળ કે ઝાડના ઝપાટે વીજ લાઈનો પડે. ઘનઘોર રાત્રે , તોફાની વરસાદમાં , જ્યારે સૌ કોઈ બારી બારણાં વાસી ઘરમાં પૂરાઈ જાય, અમે લાઈન સ્ટાફ સાથે જીપ લઈ, ખેતરાળું રસ્તે બહારવટે ચડીએ. વરસાદમાં વીંછી ને સાપના ઉપદ્રવ વધે ને વગડે વગડાના જીવો ભેટે. સાવધાની સાથે પ્રભુને ખોળે રમવા હામ જોઈએ..જે દેવાવાળો પણ ઉપરવાળો છે, જે હવે સમજાય છે.પહેલાં રસ્તાઓનો અભાવ, ફોનની નહિવત સુવિધાઓ વચ્ચે એક જ ઊંડી નાળ કે રસ્તે જીપ ફસાઈ જતાં, કોઈનું ટ્રેક્ટર મળે તો જપ બહાર નીકળતી. એક વખત આવા અંતરિયાળ રસ્તે , સખત વરસાદ વાવાઝોડામાં રસ્તો બંધ થવાથી, અઢાર માઈલ ચાલી અમે પરત આવેલા. ડિવિઝન ઑફિસમાં એ સમાચાર બની ગયેલાને નોંધ લેવાયેલી…એ પણ વરસાદી મહેક યાદ આવી ગઈ.

  

   ચોમાસુ એટલે ચોરલોકોની સીઝન. ગામડાઓમાં છેવાડાના ઘરોમાં , વરસાદી અવાજમાં ચૂપકીથી ચોરો દિવાલ કોચી ઘૂસતા. અમે રાત્રે વીજ લાઈન ચેકીંગ પર નીકળતા ત્યારે દૂરથી ઝાંખા બેટરી લાઈટના છૂપાછૂપી ઝબકારા દેખી , ગામમાં ફરતા ચોરોનો અંદેશો મળી જતો. અમે ગામની ભાગોળે ટ્રાન્સફરમાં ફ્યુઝ ચડાવી લાઈટ જેવી ચાલુ કરતાં , ચોરોની મજા બગડી જતી. ચોર લોકો પાછા લાઈન પર લંગરીયાં નાખી, અંધારુ કરવા મથતા ને અમારા કામમાં વધારો કરતા. ઘરવાળા અમારી આ રાતની, વગડાની જોખમી નોકરીથી ડરતા ને રીસાતા..અમારા સાસરિયા તો કહેતા કે ખોટી જગાએ દીકરી ભરાઈ પડી છે . અમારા એક તાજા પરણેલા સ્ટાફ મિત્રની પત્નિ કહેતી કે દિવસે ડ્યુટી કર્યા પછી કોઈ ઓફિસ રાત્રે કેવી રીતે બોલાવે? તમે ખોટાં ઊઠાં ભણાવો છો. છેવટે બીજી બહેન જ તેમને સમજાવી શકેલાં..અમારવાળા પણ એમ જ કરેછે. જોકે પ્રભુએ આ તપનાં મીઠાં ફળ આ જીવને અમને આપ્યાં છે.

આ સંભારણા સાથે કહેવું પડે કે…


ઓ મારા વરસાદ ને વહુ

કેમ   કરી દઈએ  રે જશ

તારા ધસમસતા ફાળકા ચોદિશ

ભાદરવે જ રેલાવે મહા રેલું

જાણે, ઠેકે જોબનવંતી વહુ…કેમ કરી દઈએ રે જશ

 

                                               જગ કલ્યાણી આ વર્ષા ઋતુની ભીંનાશ એટલી ઋજુ છે કે લીલીછમ ધરા સાથે મન પણ લહેરાય ઊઠે છે ને વધામણી દેવા હૈયું થનગને છે…


ગાજતો રહેજે વરસતો રહેજે

દશે  દિશાએ  દોડતો રહેજે

વરસે વરસે ભીંજવતો રહેજે

સૃષ્ટિને   સજાવતો   રહેજે

વ્હાલા મેઘા આવતો રહેજે…આવતો રહેજે…આવતો રહેજે

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in