Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Ramesh Patel (Aakashdeep)

Inspirational


4.7  

Ramesh Patel (Aakashdeep)

Inspirational


મારી બા કાશીબા

મારી બા કાશીબા

5 mins 200 5 mins 200

મારી બા કાશી બા.

સંસારનું વટવૃક્ષ ખીલે છે મા થકી. પશુ પંખી કે માનવજાત માટે વ્હાલ એજ અમૃતપાન. માનું હૈયું એટલે મમતાની સુગંધ. માતાના આ ઋણનાં સંભારણાં એટલે બાળપણનો મજેદાર લ્હાવો.

બા બોલું ને ઝૂલે રે બાળપણ

આયખે કેસર ઘોળેજી રે

તું રે માવલડી ચંદન તલાવડી

જગની તરસ્યું છીપાવેજી રે

લીલુડી ડુંગરમાળ અને રમતી રમતી વહેતી નાનકડી નદીને કાંઠે, ખેડા જીલ્લાના બાલાશિનોર તાલુકાના પ્રખ્યાત ડાયનોસર અસ્મી પાર્કવાળા, રીયોલી ગામની નજીકનું ગામ જેઠોલી, મારી માતા કાશીબાનું પિયર.બેઠી દડી, પણ મજબૂત બાંધો અને ગોળમટોળ મુખ અને હસમુખો સ્વભાવ. આઝાદી સંગ્રામ અને આઝાદી બંન્નેની હવા માણેલી આ પાણીદાર પેઢી. ચાર ચોપડી ભણેલાં પણ જીવનનું ગણતર ખૂબ જ પાકું. ચૌદ વર્ષની કુમળી વયે પરણીને, ડાકોર પંથકમાં શ્રી રછોડરાય મહારાજા, ફાગવેલા મહારાજ અને નડીયાદના શ્રી સંતરામ મહારાજની કૃપા ઝીલતા, ત્રિભેટે ઉભેલા  ગામ મહિસામાં આવ્યા.    બા એજ કહેલી થોડીક વાતો આ નિમિત્તે માનસપટ પર રમવા લાગી, જાણે કોઈ રસપ્રદ ઈતિહાસ.

એ જમાનામાં ભણ્યા ના ભણ્યા ને સંતાનો બાપોતી ધંધામાં જોતરાઈ જતા, પણ અમારા વડીલો કેળવણી બાબત સજાગ એટલે મારા દાદાશ્રી દ્વારકાદાસ, છેક પુના જઈ ફોજદાર થયેલા અને ભારે રુઆબ અને કડપ. બા તો બિચારા નાના ને ગભરું, અને મુખી કુટુમ્બનું પાંચમાં પૂછાતું ખોરડું એટલે પરોણાગતનો પાર નહીં. મારા પિતાશ્રી અમદાવાદ અભ્યાસ કરે. દાદાજીનો રસાલો તેમના ઘોડા અને ઘરના સામાન સાથે સુરત, ભરુચ અને સાદરા વગેરે સ્થળોએ ઘૂમતો અને નાનીવયનાં બા સૌની સાથે જીવનમાં ગોઠવાતાં જતાં. દાદીમાં વહેલાં ગુજરી ગયેલાં અને કોઇ નણંદ નહીં, એટલે ઘરની બધી જવાબદારી નાનકડી વયે જ બાને ઉપાડવાની આવી. 

દાદાજીની તબિયત બગડતાં, પિતાજી અભ્યાસ છોડી મહિસા આવી ગયા અને બાની બીજી ઈનીંગ્સ શરુ થઈ. ખેતીવાડી સાથે ઘર આંગણ દુધાળાં જાનવર તથા બળદો એટલે ઘરનો ઠાઠ ગણાતો. એ જમાનામાં વીજળીની સુવિધા નહીં એટલે ગામડા ગામે ઘર ઘંટી, વલોણાં અને કુવાથી પાણી લાવી પાણિયારે ઝગમગાટ દાખવવામાં જ ઘરની મહિલાઓ ખૂંપી જતી. બા એ આ સઘળી જવાબદારી ઊપાડી ને સાથે સાથે અમે ચાર ભાઈ અને એક બહેનના ઉછેરમાં પણ કોઈ કચાશ ના રાખી. માવતરની આ તપસ્યાનાં ઋણ તો ઉતારે ના ઉતરે તેવાં છે.      

બા ભણેલાં ચાર ચોપડી પણ વાંચનનો શોખ ભારે અને મારા પિતાશ્રી ઝવેરભાઈએતો આ શોખને બિરદાવતાં, ધાર્મિક પુસ્તકો, સ્વામિવિવેકાનંદના આખ્યાનો, શ્રી ઝવેરચંદ મેઘાણીજી અને ચારિત્ર્ય ઘડતરનાં પુસ્તકોથી, ઘરમાં જ પુસ્તકાલય ઉભું કરી દીધું. અમારા ઘેર તે વખતે શ્રી પૂજાભાઈ બારોટ નામના વડીલ આવતા, બા તેમને અમારા ઘરના ચોકમાં રાખેલી મોટી પાટ પર બેસાડી, ફળિયાના છોકરાઓને બોલાવી, તેમની રસપ્રદ શૈલીમાં સુંદર ચાતુરીની વાતો કહેવડાવતા. પૂજાભાઈનો તો પછી એ નિત્ય સેવાક્રમ થઈ ગયો અને આખા ગામના બાળકો વાર્તાઓ સાંભળવા આવવા લાગેલા. પૂજાકાકા પછીતો અમારા ઘરમાંની કોઈ ચોપડી પસંદ કરી વાર્તા કહેતા અને છોકરાઓને બાકી વાર્તાઓ વાંચવા પ્રોત્સાહિત કરતા ને બાળકોને મજાથી વાંચવાની આદત પાડી દેતા. બાના ઉત્સાહ વધ્યો ને કામમંમાં વધારો થયો,એ નોંધી નોંધીને વાંચવા પુસ્તકો આપે ને પાછા લે.પૂજાભાઈના સહકારથી શરુ થયેલું એ પુસ્તકાલય, મોટાભાઈ વિષ્નુભાઈ આજે પણ ગ્રામજનો માટે ચલાવે છે.

મને કવિતાઓ લખવાની અને સાહિત્યને મજાથી માણવાની દેન,એ કાશીબા અને પિતાશ્રી તથા પૂજાભાઈ બારોટ જેવા પરગજું વડીલોના બાળપણમાં દીધેલા સંસ્કારોને આભારી છે. કેવાં કેવાં ઋણ આપણે શીરે છે,આ નિમિત્તે યાદ આવી ગયાં.   આજથી આશરે સો વર્ષ અગાઉ મારા ગામ મહિસામાં ફક્ત ચાર ધોરણ સુધીની શાળા અને આગળ અભ્યાસ માટે કુમળી વયે માવતરથી છૂટા પડી, નજીકના કઠલાલ ગામે બોર્ડીંગની વ્યવસ્થાવાળી જગ્યાએ બાળકોને જવું પડતું. મારા મોટાભાઈ વિષ્નુભાઈને જ્યારે આટલી નાની વયે ભણવા બહાર મૂકવા પડ્યા ને બા નો જીવ કપાઈ ગયો. બા એ ભારે હૃદયથી પિતાજીને એ સમયે જે કહ્યું અને સૌને એ પ્રસંગની વાત કહેલી એ આજે પણ ભાવવિભોર કરી દે તેવી છે.મારે મારા આ બીજા નાનકાને ઘરથી દૂર કરી ભણાવવો નથી. બા બોલ્યાં.   પિતાજી કહે છોકરાં ને તો ભણાવવાં જ પડે. આમ કેમ વાત કરોછો ?તમે ગામના મુખી છો અને આટલા વડીલો …જુઓ ને આખો વર્ગ અબૂધ જેવાં બાળકો બહાર જાય છે તો આગળ નવા વર્ગ માટે સગવડ કરોને? મા અને આ નાનાં છોકરાની આંખોમાં આંખો પરોવશો તો કઈંક દેખાશે અને સમજાશે. બાની વાત સાંભળી આખી રાત પિતાજીને ઉંઘ ના આવી. બીજે દિવસે

ગામ લોકોએ મળી, એક કેળવણી મંડળ સ્થાપ્યું, પિતાજી ટ્રસ્ટી બન્યા અને શાળા માટે જમીન દાનમાં આપી. અમારા ગામમાં ધર્મશાળા હતી તેમાં તાત્કાલિક ઓરડાની વ્યવસ્થા કરી, મંજૂરી મેળવી એકપછી એકવર્ગ ખોલવા પ્રયત્ન કરતા ગયા. બાનો આ બીજો દીકરો એટલે હું, ઘર આંગણે ભણ્યો અને આગળ વધી ઈલેક્ટ્રીક એન્જીનિયર થઈ, આજે ગુજરાતને ઝળહળ કરતા મહાકાય વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના નિર્માણનો સહભાગી બન્યો. મારી સાથેના ઘણા સહાધ્યાયી ધર્મશાળાના એ ઓરડાઓમાં બેસી ભણીને યુએસએ આવેલા છે અને મળીએ ત્યારે, એ વાતોની યાદ આજે પણ મમરાવે છે.ઘર આંગણે કેળવણીનો વ્યાપ કરવાની બાની આ પહેલથી બાળમાનસને કેટલી મોટી વ્યથાથી કેવો મોટો છૂટકારો કે હાશ મળી હશે ?

સાચે જ કાશીબાનું ઋણ ચૂકવે ના ચૂકવાય તેવું છે. કાશીબા એટલે પરોપકારની સુગંધ અને એ તેમની જીવન મૂડી. યુવાન વયે એક ગોરપદું કરતા, બ્રાહ્મણની દીકરી વિધવા બની, માવતર ગુજરી ગયાં એટલે શહેરમાં ભાઈ ભાભી સાથે ગઈ પણ સાથે રહેવું કઠિન લાગતાં, એક દિવસ કાશીબા પાસે આવી બોલી,

"ઓ કાશીબા… તમારા આશરે આવી છું. મરજાદી છું અને મારા આ લાલજી ઠાકોર સાથે આયખું પૂરું કરવું છે. તમે જાણો છો કે ગોરપદુ હતું એ બાપ ગયા પછી હવે આવકમાં કંઈ નથી. હવે આ ગામમાં તમારે ને

આ લાલજીને આશરે આવી છું. દીકરીની વ્યથા જોઈ બાની આંખ ભીંની થઈ ગઈ. બહેન..તમે ચીંતા 

ના કરશો. આ મારા ફળિયાને તમારું ઘર જ માનજો. દૂધમાં સાકર ભળે તેમ એ દીકરી બની ગયાં ખડકીનાં બાળકોનાં ફોઈ રામરતિફોઈ. અગિયારસ પૂનમ કે ખડકીના કૌટુમ્બિક પ્રસંગોએ સૌ ફોઈના લાલજી

મહારાજના ચરણોમાં સેવા અર્પતા. દાન સીધું દઈ પૂણ્ય કમાતા. ફોઈનું આંગણું બાળકોને ભેગા થવાનું,પ્રસાદ લેવા દોડતા જવાનું સ્થાન બની ગયું. આખી જીંદગી તેમણે સુખથી વિતાવી, કોઈ ઊણપ કાશીબાએ વરતાવા ના દીધી.

રામરતીફોઇના અંતરના આર્શીવાદથી આખું ફળિયું સુખી થઈ ગયું.ક્યાં શોધવા હવે એવા માનવતાના દીવડા જેવા કાશીબાને રામરતિફોઇ ને ?કાશીબાના સંતાનમાં અમે ચાર ભાઈ અને બહેન જશોદા, પિતાની

વ્હાલસોયી છાયા ઝીલતું કુટુમ્બ. દિવાળીનો તહેવાર આવે એટલે સાફસૂફી અને સજાવટ. સાંજે લાડવાની ઉજાણી બાદ ઘરના ચોકમાં અમને લઈ બા દારુખાના સાથે આવી જતા. નાના ભાઈ બળવંત અને અશોકને લઈને તે પાટપર બેસતા અને અમે મોટા એટલે તારામંડળ, ભોંયઘંટી કે તડતડિયાં જેવાં બાળકોને લાયક આઈટમો અમને ફોડવા મળતી. બા,અમારા નાનાભાઈ અને અમારી ખુશીથી જે હરખ અનુભવતાં, એ ભાવનો ચહેરો યાદ કરતાં,

એ દિવાળીના દિવસોની ખુશાલી, આજે લાખોના ‘ફાયર વર્ક્સ-આતશબાજી’ કરતાં પણ ચઢિયાતી લાગે છે. બા અને કુટુમ્બ સાથેની એ દિવાળી, મીઠાશને યાદ કરતાં સાચે જ હૈયું ઊભરાઈ ગયું ને બોલાઈ ગયું, કાશીબા એ કાશીબા.      

મારી ધર્મપત્ની સવિતાને સોનેરી શીખામણ આપતાં કહેતાં કે દુનિયાનું સાચું સુખ ઘરમાં જ મળે અને એ ઘરનો આધાર ઘરવાળી, સુખદુઃખની સાચી સાથી. કુટુમ્બ, ગામ અને દેશ કાજે ભારતીય સંસ્કૃતિથી આયખુ ઉજાળનાર મારી બા કાશીબાને, કરતાં, આજે ગૌરવ સાથે વંદન કરું છું.


Rate this content
Log in

More gujarati story from Ramesh Patel (Aakashdeep)

Similar gujarati story from Inspirational