કેલેન્ડર- તવારીખ
કેલેન્ડર- તવારીખ
આકાશ એક એવું અજાયબ અનંતા તત્ત્વ…આટલા ગ્રહ ને તારા, અજબ -ગઝબની ઊર્જાઓ ઝેલે ને છતાંય અલિપ્ત. ભયંકર તાપમાન ને વિકરણોને સહજતાથી સ્થાન આપે, પણ જાણે આ વૈભવ સાથે ના કોઈ લેવા કે દેવા.
પૃથ્વીવાસીઓએ, એક બીજા અનંત તત્ત્વને, આ આકાશ સાથે નાતો બાંધી રચના કરી તે સમય. આ સમયને જીવનચર્યામાં મઢવા તૈયાર કર્યું એ ‘કેલેન્ડર’…રોજ-પત્રક એટલે કે પંચાંગ. અવકાશી સૂર્ય, ગ્રહ, ચંદ્ર ને તારા સાથે ઘૂમતા ચક્રને લીધે, પૃથ્વીવાસી માનવી ઋતુઓ, દિવસ-રાત સાથે અજવાળી કે અંધારી રાત ને જીવન શૈલી સાથે જોડતો ગયો.
આજે આ કેલેન્ડરની ઐતિહાસિક વાતો જાણીએ…. આપણા પૂર્વજોએ ટેલિસ્કોપ કે કોમ્પ્યુટર વગર પણ ખગોળવિદ્યાથી, ૮૦૦૦ બીફોર ક્રાઈસ્ટ લુનાર કેલેન્ડર બનાવેલ. જૂનામાં જૂનું બનાવેલા આ કેલેન્ડરના પૂરાવા મળેલા છે. પ્રો. એચ. એમ. ત્રિવેદીએ ‘સંદેશ’ માં એક સરસ લેખ આ વિષય પર લખેલ..તેના આધારે થોડી વાતોનું સંશોધન કર્યું ને અજાયબ વાતો જાણવાની મજા પડી.
સૂર્ય વર્ષ એટલે કે સૂર્યની પ્રદક્ષિણા માટે પૃથ્વીને લાગતો સમય….૩૬૫ દિવસ, ૫ કલાક અને ૪૮ મિનિટ ને ૪૬ સેકન્ડ. જ્યારે ચંદ્ર વર્ષ એટલે… ૩૫૪ દિવસ, ૮ કલાક અને ૪૮ મિનિટ. આ બે વચ્ચે મેળને મેળવવા જુદી જુદી સંસ્કૃતિઓ, માયા સંસ્કૃતિ ( દક્ષિણ અમેરિકા), રોમન કેલેન્ડર, જુલિઅન કેલેન્ડર ને આપણા પંચાંગની રચનાઓ તબક્કાવાર થતી ગઈ. પણ આ બે ગણત્રી ચક્રના સમયને લીધે, ઋતુઓનો કાળ બદલાઈ જતો. કેલેન્ડરમાં દિવસોની કાપકૂપ કરી સમાધાન થતા ગયા. ભવિષ્યની ગરબડ નિવારવા સિઝરે લીપ ઈયર (કૂદકાનું વર્ષ) નક્કી કર્યું. પણ તેમાં પણ છબરડા ચાલુ જ રહ્યા ને વસંત ઋતુ શિયાળા તરફ પીછેહઠ કરતી ગઈ. આથી તે વર્ષે ઑક્ટોબરમાં દશ દિવસ કાપી કાઢ્યા. આવા જ કારણે અમેરિકાને બ્રિટને જ્યારે ગ્રેગેરિઅન કેલેન્ડર સ્વીકાર્યું, ત્યારે ૧૧ દિવસની ભૂલ સુધારવા, સપ્ટેમ્બરની ત્રણથી તેર પડતી મૂકી ને તેથી ઐતિહાસિક વાતોના સંદર્ભમાં આ તારીખો દેખાતી જ નથી.
રોમનોએ જે કેલેન્ડર બનાવેલ તે માર્ચ માસથી શરુઆત ગણતા. અંગ્રેજી મહિનાના નામો પણ તે વખતે જે દેવતાઓ વિશે માન્યતાઓ ચાલતી તે મુજબ ધર્મગુરુઓએ બનાવ્યા. બે ચહેરાવાળા રોમન દેવતા જાનુસ પરથી જાન્યુઆરી પડ્યું. જૂની રૂતુ બદલાય ને નવીનું સ્વાગત એટલે બે મુખી દ્રષ્ટિ અને તે પ્રથમ સ્થાને રાખ્યો. ફેબ્રુઆરીમાં પવિત્રતા ધારણ કરવા તહેવાર લુપરકેલી ઉજવાતો તેને તેઓ ફેબરમ કહેતા…તે થઈ ગયો આપણો ફેબ્રુઆરી. મંગળ ..માર્શ પરથી માર્ચ રાખ્યું. હવે વસંત ઋતુમાં કળીઓ ખુલ્લી થાય એટલે કે ઉઘડે તે માટે તેમની ભાષામાં ‘ ઍપેરિયો’ શબ્દ વપરાતો હતો જે બની ગયો’એપ્રીલ’ માસ . મે માસ મેઈઆ એટલે હર્મિસની માતાના નામ પરથી પાડવામાં આવ્યું. તેમની એક દેવી જૂનો હતી ..તેની યાદમાં જૂન રાખ્યું. હવે આ કેલેન્ડરમાં સુધારા કરતા ગયા તેમ, જુલિયસ સિઝર સમ્રાટે..જુલાય મૂક્યો. ઓગષ્ટ નામ અનુગામી શહેનશાહ ઓક્ટેપિયસના નામપરથી પડ્યું કારણકે તેણે ઓગસ્ટસ ખિતાબ ધારણ કર્યો હતો. આ બંને એ પોતાના મહિનામાં ૩૧ દિવસ રખાવી, ફેબ્રુઆરીને ૨૮ દિવસનો બનાવી દીધો. જુલિયન કેલેન્ડર ૧૬૦૦ વર્ષ ચાલ્યું પણ મહત્ત્વની વાત એ હતી કે સૂર્ય વર્ષની લંબાઈ ૩૬૫ અને ૧/૪ દિવસ કરતાં ૧૧મિનિટ અને ૧૪ સેકન્ડ ઓછી હોવાથી, ઋતુઓનો તાલમેલ બદલાતો ગયો. જે દૂર કરવા ચાર વડે ભાગી શકાઉય એ વર્ષે એક દિવસ ફેબ્રુઆરીમાં ઉમેરવાની પધ્ધતી દાખલ થઈ.
જાન્યુઆરી કે માર્ચ ૩૧ ને પછીનો મહિનો ૩૦ નો ..એમ દિવસની ગોઠવણી કરી બેબિલોન ખગોળવેત્તાએ. વર્ષના બાર ભાગ કર્યા ને ચંદ્રની ભ્રમણ કક્ષાના ૨૯ ને ૧/૨દિવસના ગણિતનો સુમેળ સાધ્યો.
એક કલાક એટલે ૬૦ મિનિટની બાબત પ્રકાશ પાડતી વાત, બેબિલન સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવી. એક માટીની તક્તી પર આકાશી વર્તુળને અંશમાં વિભાજીત કરેલ છે. આંકડાઓ થકી કલાકને ૬૦ મિનિટમાં વહેંચેલા છે. બેબિલોન સંસ્કૃતિએ ખગોળશાસ્ત્રમાં ૬૦ નો બેઝ નક્કી કર્યો..જે ૧૨, ૧૫, ૨૦ કે ૩૦ વડે ભાગી શકાય એવો નજીકનો નંબર ગણી સ્વીકાર્યો. અજવાળું ને અંધારું ને ૧૨ વિભાગમાં વહેંચી કેલેન્ડર કે સમય માપવાની યોજના બનાવી.આમ ચંદ્ર અને સૂર્યની સ્થિતિ સાથે ખગોળવેત્તાઓએ તાલ મેળવી શરુઆત કરી.
અંગ્રેજી કેલેન્ડરમાં સન અને મૂન પરથી સન્ડે ને મન્ડે નામકરણ થયું. બીજા દિવસો માટે તે વખતની જાતિ ટ્યુટોનિકના દેવતા ટીવ,વોડન, થોર, અને ફ્રીગ પરથી ટ્યુઝ ડે, વેનસ ડે, થર્સ ડે અને ફ્રાય ડે એવા નામ પડ્યા. છેલ્લે વાવણીના રોમન દેવ સેટર્ન પરથી સેટર ડે નામ પડ્યું. આમ જુદી જુદી યુરોપિઅન સંસ્કૃતિઓએ લગભગ વર્ષ માટે ૩૬૫ દિવસ પ્રમાણે મથામણ કરી. હાં વે ભારતીય પંચાંગ વિશે કહીએ તો, યુરોપ કરતાં ખૂબ જ ખગોળિય રીતે ગણત્રી કરીને,અદભૂત કામ કર્યું છે.
આપણા વેદનાં કુલ છ અંગો. ૧) જ્યોતિષ ૨) વ્યાકરણ ૩) શિક્ષા ૪) નિટુકત ૫) કલ્પ ૬) છંદ
જ્યોતિ+ઈશ= જ્યોતિષ….ઈશ્વરની જ્યોત…..એટલે અવકાશી સૂર્ય, ચંદ્ર ને તારા મંડલ….આપણું રોજ પત્રક કે કેલેન્ડરમાં સૂર્ય કે ચંદ્રની સ્થિતિ ને ગતિની પાંચ પ્રકારે અભિવ્યક્તિ થાય છે.
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ પંચ ગણત્રી પધ્ધતિ સાથે સૂર્ય ને ચંદ્રની સ્થિતિ તથા ગતિને જોડ્યા. પૃથ્વીની પરિક્રમા કરતો ચંદ્ર ૩૬૦ અંશનું વર્તુળ રચે. સૂર્ય અને ચંદ્ર આકાશમાં જ્યારે એક જ અંશ પર ભેગા થાય એ આપણી અમાસ. તે બાદ સૂર્યની ગતિ કરતાં ચંદ્રની ગતિ વધારે તેથી ચંદ્ર આગળ ચાલે. હવે તે જ્યારે ૧૨ અંશ આગળ જાય ત્યારે એક તિથિ બનાવી. બીજ..ત્રીજ ..અને પછી ૧૮૦ અંશે સૂર્ય સામે ચંદ્ર આવે ત્યારે પૂનમ થાય. ૩૬૦/૧૨= ૩૦ એટલે કે આપણો મહિનો પૂરો. સમજાયું ને કેમ છે મહિનામાં ત્રીસ દિવસ. આ ૩૬૦ અંશનું વર્તુળ પૂરું કરતાં ૨૭ કે ૨૮ દિવસ લાગે છે તેથી તિથિઓ ગોઠવવી પડે છે. હવે નક્ષત્રની વાત કરીએ તો ૩૬૦ અંશના ક્રાન્તિવૃતને ૧૩ અંશ ને ૨૦ કલાના માપથી વિભાજન કર્યું. ૨૭ નક્ષત્ર + ૨૮ મું વિકલાંગ અભિજીત નક્ષત્ર બનાવ્યું . ગણત્રિમાં ૧૩ અંશ ને ૨૦ કલાને યોગ કહ્યો જ્યારે તિથિના અડધા ભાગને કરણ કહ્યું. બીજી મહત્ત્વની વાત એ કે વાર આપણો સૂર્યોદયથી શરુ થઈ બીજા સૂર્યોદય સુંધીના ૨૪ કલાક પ્રમાણે છે..જ્યારે યુરોપિઅન રાત્રે ૧૨ વાગે બદલે. આપણે પણ શક સંવત, વિક્રમ સંવત પ્રમાણે આ પ્રથા ઝીલી. કોઈએ ચૈત્ર માસથી નવું વર્ષ ગણ્યું, દક્ષિણમાં કાર્તિક માસથી શરુઆત થઈ.
આપણી વર્તમાન પધ્ધતિ એ આ સર્વ પધ્ધતિઓનું સમિકરણ જેવી છે. બેબીલોને ૬૦ મિનિટ આપી, ઈજીપ્તવાસીઓએ ૨૪ કલાકનો દિવસ આપ્યો, હિબ્રુ પ્રજાએ સાત દિવસનું સપ્તાહ આપ્યું. આપણા મહિનાઓ ગ્રીકો તરફથી વાયા રોમ મળ્યા. સરળ પધ્ધતિને લીધે આજે ગ્રેગેરિઅન પધ્ધતિ બધે સ્વિકૃત થઈ ગઈ.
