Ramesh Patel (Aakashdeep)

Comedy

4.3  

Ramesh Patel (Aakashdeep)

Comedy

ગઝલના હાસ્યસ્પંદન.

ગઝલના હાસ્યસ્પંદન.

5 mins
263


હિતેચ્છું, અમારા સખાવૃંદના વડા શ્રી સુરેશભાઈની ચિંતા.

રમેશ પટેલ (આકાશદીપ)ની ગઝલ વાંચી 'ઝણઝણી ઊઠી...ને મલકી ઊઠી હૈયા વાડી.'

વાંચી શ્રી સુરેશભાઈ જાનીએ પ્રતિભાવ આપ્યો

"ના ભાઈ હોં ! પૂછવું તો પડે જ. અમને ભાભીશ્રીની ચિંતા થવા માંડી !

***

તેમની ચિંતા સાચી હતી, રમેશભાઈ અમારા ૬૦ પ્લસ ગ્રુપના, ટાલ નથી પડી એટલે ડાય મારે છે અને આ વસંતના વાયરે કૂંપળો દેખાતાં જ કેમ આટલા મસ્તાના થઈ વાયરે ચઢ્યા ? આપણે તો ભોળા દિલના કવિ એટલે શ્રીમતીજીને તેમનો પ્રતિભાવ વંચાવ્યો અને તેમને પૂછ્યું અને તેમણે મારી ચિંતા દૂર કરતાં ભારતીય સંસ્કાર પ્રમાણે કહ્યું,

'મને તો… રમા+ઈશ.. એટલે અમારા ઈશમાં પૂરો વિશ્વાસ અને તેમની પ્રિય ભજન પંક્તિ, 'જીવ શીદને ચિંતા કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે' લલકારી.' તેમનું મધુર સંભાષણ સાંભળી અમે તો સાચે જ ગગને વિહરવા લાગ્યા.

ભોળા કવિનું મન ખુશ થઈ પાછું અવળચંડાઈ કરવા શૂરાતને ચઢ્યું. આપણા આ સુરેશભાઈ તો જબરા અવલોકનવાળા. વેધર ચેલનો તો બહારના વાતાવરણના સેટેલાઈટ નકશા જોઈ, વરતારો બહાર પાડે, પણ તેઓ તો અંતરયામી, અંદરનાં વાવાઝોડાંનાં અગાઉથી અણસાર ઝીલી, ચેતવણીના સૂર બજાવે, હિતેચ્છું ખરા ને ? 

શ્રીમતીજી અમારી વાત ઝડપથી સમજી ગયાં ને બોલ્યાં, "શ્રી સુરેશભાઈ એટલે હકારાત્મક જીવ."

મેં કહ્યું, "કેવી રીતે ?"

તમારા કાવ્ય પુસ્તક ‘ત્રિપથગા’ વખતે પ્રતિમાબેન અને પુષ્પાબેને તમારી કવિતા, ‘અવું ના બને’ ગાઈ હતી. ત્યારે તેમને તે સાંભળી ઊંઘ ઊડી ગઈ અને સરસ એક કાવ્ય તેમણે બનાવી દીધેલ. ‘એવું ય બને’. તમે નકારાત્મક ઍટલે ‘ના ના કરો‘ તેમણે હકારાત્મક ભાવે કહી દીધું. એવુંય બને. એટલે એમની ચિંતા હકારાત્મક છે."

મેં કહ્યું, "તેમના પ્રતિભાવની ચિંતા હકારાત્મક નથી, કબીરજીની અવળ વાણીમાં છે."

તુરત જ શ્રીમતી બોલ્યા, "તમારા માટે એ અવળી છે પણ એ મારા લાભમાં બોલ્યા, મારો પક્ષ લીધો એટલે હકારાત્મક છે."

લોકશાહી રીતે તેઓ બે મત મેળવી ગયાં,અને આપણને ખ્યાલ આવી ગયો કે વાવાઝોડાએ ગતિ પકડી છે. તેમની વાતમાં તથ્ય હતું. મેં વિચારવા માંડ્યું. અમેરિકાના વાયરા બરાબર શ્રીમતીજીએ ઝીલ્યા છે. ભારતમાં હતા, ત્યારે ભારતીય સાડીમાં, હીંચકે ઝૂલતાં, આપણે ઓફિસથી આવીએ ત્યારે રાહ જોતા બેઠા હોય, ફર્સ્ટક્લાસ આદુ ઈલાયચીવાળી ચા તૈયાર હોય અને ગેલેરીમાં બેસી, મજાથી રંગત અને સંગત દેતાં હોય.., આજે અહીં પેન્ટધારી શ્રીમતીજી અમેરિકન રંગમાં આવી ગયાં લાગે છે.

આપણી પીછે હઠ જોઈ. શ્રીમતીજીએ બીજું તીર છોડ્યું, "અમેરિકામાં હમણાં હમણાં સાગર કાંઠે બહુ વાવાઝોડાં આવે છે નહીં ?"

મેં કહ્યું, "ભારે ખાનખરાબી કરે તેવાં."

શ્રીમતીજી કહે "વાવાઝોડાંના નામેય કેવાં ?"

મેં કહ્યું, "કેટેરિના..નેમો..બધાં નારીજાતીનાં."

શ્રીમતીજીએ હળવેથી ઉમેર્યું, "શ્રી સુરેશભાઈ એમ જ ગમ્મત કરી છે. આતો અમેરિકા છે. કયું વાવાઝોડું ઝપટમાં લે એ કંઈ કહેવાય નહીં. એકદમ હકારાત્મક વિચાર..એવું ય બને."

શ્રી સુરેશભાઈએ કહ્યું હતું કે, "ભાભીની ચિંતા થાય છે." આતો ઉલટું તેમણે મારી ચિંતા વધારી દીધી. અને સુરેશભાઈને સુખિયા કરી દીધા.

બેકયાર્ડમાં અમે શાન્તિથી બેઠા હતા ત્યાં એક હમીંગબર્ડ એક જ ફૂલ ખીલેલુંત્યાં સ્થિર થઈ રસ ચૂંસવા લાગ્યું. પાછો કવિ જીવ સળવળ્યો. "શું ગાતું હશે ?"

શ્રીમતીજી વદ્યા, "આ ઠૂંઠવાઈ ગયેલી મૌસમ જોઇ દિલમાં રડતું ગાતું હશે. ‘ચલ ઊડ જારે પંછી, યે દેશ હુઆ બેગાના’

હું આ ગીતનો મતલબ સમજી ગયો કે આ શ્રી સુરેશભાઈના વાતના વાયરાનો ચમકારો છે, શ્રીમતીજી હળવેથી તેમના કાર્યક્ષેત્રમાં ગૂંથવાઈ ગયા.

હવે, એકલો એકલો બેસી હું વિચારે ચઢ્યો. શ્રી સુરેશભાઈ જાની,હિતેચ્છું પાછા ભુદેવ અને પ.પૂજ્ય. આચાર્ય રામશર્માજીનો એક પ્રેરક સંદેશો યાદ આવ્યો. બ્રાહ્મણનું કર્તવ્ય.. વ્યક્તિત્ત્વ તેમજ જીવન નિર્માણની સાધના, અંતઃકરણથી ઉપાસના અને ત્રીજું નિરંતર સમાજ સેવા. એટલે અમારા કલ્યાણ માટે તેમણે પ્રતિભાવ આપી,

હકારાત્મક અભિગમથી પોતાની ચિંતા જાહેર કરી. પણ શ્રીમતીજીનો રંગ મારી ચિંતાનો વિષય બની ગયો.

ચિંતા એ ચિંતન શક્તિમાં વધારો કર્યો અને બીજો વિચાર ગ્રહ બળે સ્ફૂર્યો. મારી રાશી તુલા અને સાડી સાતી ચાલે છે. એટલે શનિની વક્રી ચાલની અસર માટે શ્રી સુરેશભાઈની મતિનો ઉપયોગ કર્યો છે. કદાચ શ્રી સુરેશભાઈ જાનીના કોઈ કર્મકાંડી બંધુના લાભાર્થે, હકારાત્મક વિચારને લઈને, અમારા બન્નેના લાભાર્થે, મારા માટે ‘ગ્રહ શાન્તિ’નું આયોજન કરવાનો તેમનો હેતુ હોય. આવી અપાર શક્યતાઓ વચ્ચે, હનુમાન દાદા યાદ આવી ગયા. નેઅંદર આવી શ્રી હરિઓમ શરણના મધુર કંઠે હનુમાન ચાલીસા સાંભળવાનું શરૂ કર્યું.

બપોર થયા અને શ્રીમતીજીએ ટી.વી.ની મજા માણ્યા પછી બૂમ પાડી, આજે તો સરસ મજાના પીઝા મંગાવેલા છે, એ પતાવી દઈએ. શ્રીમતીજીના મૂઢ પ્રમાણે અને ના પૂછજો તમેની વળગેલી ચિંતાથી, આપણે બોલ્યા, "આજે તો મને પણ પીઝા જ ખાવાની ઈચ્છા હતી." સાનંદ ભોજન વિધિ બાદ, અમે બંન્ને બેકયાર્ડમાં કૂણો તડકો ઝીલવા બેઠા.

"આજે સરસ વાતાવરણ છે." શ્રીમતીજીએ પ્રસન્નતા ઝીલતાં મુખ મલકાવ્યું, મેં પણ હૃદયની પ્રસન્નતા ઝીલતાં કહ્યું .."વસંત એટલે વસંત..ડોલાવી દે જ..કવિતા દિલમાં ટહુકે.."

શ્રીમતીજીએ તુરત તીર છોડ્યું…"કવિલોકોની તો વાત જ જુદી. ચાંદ ખીલે ને સાગર લહેરાવાનું કદાચ એકાદ કલાક પછી કરે, પણ તમે બધા તો તરત જ લહેરાવા માંડો. વાહ ભાઈ વાહ ! ટી.વી. સીરીઅલની જેમ જ જામી પડો."

હવે મારી કવિતાને બદલે શ્રી સુરેશભાઈની ચિંતા અને તેમનો હકારાત્મક વિચાર ઝબકવા લાગ્યા. આવુંય બને. શ્રીમતી તીખી ચટણી ચટાડી, તેમના કાર્યક્ષેત્રનો ભાર ઉપાડવા ઉપડી ગયા. 

ઘણી બધી ચિંતન શિબિરો અને આધ્યાત્મિક પ્રવચનોનો લાભ લીધેલો, તે મદદે આવવા ટહેલો નાખતા હતા, પણ સદભાવનાથી તેમને પાછા વાળ્યા અને ‘આજતક’ દ્વારા લોકોની સમસ્યાઓ સમજવા પ્રયત્ન શરૂ કર્યો.

આજે શ્રીમતીજી આદુવાળી ચાની અસર નીચે હતાં, તેથી ઝટપટ કામ આટોપી બહાર આવી. પાછી એજ વાત છેડી,

"મને એક કામ શ્રી સુરેશભાઈનું ખૂબ ગમ્યું.." મેં પૂછ્યું કયું ?

"ગઈ બ્લોગ પોષ્ટમાં તેમણે સવારે યોગાસન વગેરે કર્યા પછી, બે ધ્યાન પણે ચટ્ટાઈ બરાબર ના વાળી. તેના ફોટા મૂકી, જે વાત કહી તે. અવલોકન અને ચોક્કસતા."

મેં કહ્યું "બે વાર કામ કર્યું ..તેમાં તમને ગમવા જેવું શું લાગ્યું ?"

શ્રીમતીજી આજ મોકો શોધતા હતા. તેમણે સંદેશ આપેલ કે જીવનમાં બે ધ્યાન થાઓ તો ના ચાલે. કદાચ તમને અંગત રીતે સંદેશો દેવા.

મને લાગ્યું કે અમેરિકામાં સાગર કાંઠે આવતું વાવાઝોડું ફંટાઈ આઘે દૂર પણ જતું રહે છે..પણ અહીં તો બરાબર ઘૂમરીઓ લે છે.

અમારા મુખારવિંદની શોભાનો અભ્યાસ કરતાં, વસંતના વાયરાઓની આલ્હકતાનો પરિચય દેવા..ધીર ગમ્ભીર થઈ બોલ્યા..

"તમને તો હું બરાબર ઓળખું છું. તમારી બે પ્રિયતમાઓ છે અને ઓળખીએ પણ છીએ."

હું તો આ ગગન ધડાકા સાંભળી, સૂર્યાસ્તના પ્રકાશની જેમ ઝંખવાણો કે મને તો એકનીય ખબર નથી ને તેમને બબ્બેના અહેવાલ, બીજા કયા શ્રી સુરેશભાઈના ભાઈબંધે દીધા હશે ?

"સાંભળો…એક તો તમારી પેલી વેરણ ચાકરી ઘેરથી સૌથી પહેલા પાવરહાઉસમાં દોડો, સૌથી છેલ્લા ઘેર આવો અને ઈમરજન્સી વરસાદના ઝાપટે ઝાપટે. આજે આ મીટીંગ કાલે હેડ ઑફિસની મીટીંગ. કહીએ આજે એક સંબંધીના લગ્નમાં જવાનું છે. તો કહે તું તારે જઈ આવ. મારે તો સેમીનારમાં જવાનું છે. પણ એક વાતે સંતોષ કે, બીજાના ઘેર અજવાળાની આટલી ચિંતા છે. તો પોતાને ઘેર તો અંધારું નહીં જ થવા દે.

આ છેલ્લું વાક્ય સાંભળી કઈંક ટાઢક વળી. એટલે પૂછ્યું .."બીજી પ્રિયતમા કેવી છે ?"

"આ તમારી લેખિની.."

લખવા બેઠા હોય ને યાદ કરાવીએ તો કહે, 'લીંક તૂટી જશે.' ને અમને અડધા કલાકનો સાથે ઉપવાસ કરાવે.

પણ બેકયાર્ડમાં બેઠા બેઠા જેટલા વાયરા ખવાય એટલા ખાઓ. કારણ કે તમે ખુશ એટલે અમેય ખુશ. અમને હવે વાવાઝોડું વિખરાતું લાગ્યું.

જમવાનો સમય થયો ને શ્રીમતીજીએ મારા પ્રિય ભોજનમાં વેઢમી એટલે ગળી પૂરણ રોટલી બનાવેલી તે પીરસવા માંડી.રોજ ખાતા હતા, તેનાથી વધારે ખાઈ કવિરાજ પાછી ચિંતા શ્રી સુરેશભાઈને પરત કરી, મસ્તીથી પોઢી ગયા.

થોડીવારમાં અમે સ્વપ્નમાં ડૂબ્યા, તો પાછા હિતેચ્છું સુરેશભાઈ દેખાયા. ચિંતાની પોટલી લઈ ફરતા હતા. અમે પણ તેમની જેમ અવલોકન શક્તિ વધારી જોવા માંડ્યું. હળવે હળવે એક ખૂણામાંથી ડબ્બો શોધી લાવ્યા. મહામૂલિ પોટલી આમ તેમ ફેરવીને અંદર મૂકી ને અમારી આ વ્યંગકથાનું તાળું લગાવી, ઘસઘસાટ ઊંઘી ગયા. અમનેય હાસ થઈ,

 ચાલો હવે વહેલી સવારે પાછા વાયરે ચઢીએ.

આભાર..આ વ્યંગ યાત્રામાં સહભાગી થવાનું બહુમાન દેવા માટે, શ્રી સુરેશભાઈ જાનીનો.)


Rate this content
Log in

Similar gujarati story from Comedy