Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Ramesh Patel

Others


3  

Ramesh Patel

Others


ઉનાળાની મસ્તી

ઉનાળાની મસ્તી

5 mins 211 5 mins 211

ધખે છે ધોમ ને વ્યાકુળ છે કાયા

કહુ હળવેથી..

તોય મને લાગી રે ઉનાળાની માયા

 સ્ટોરી મિરર પર ઉનાળાને શબ્દ પુષ્પોથી વધાવવા જાહેર નિમંત્રણ મળ્યું અને અહીં અમેરિકામાં મેં મારી નાનકડી દોહિત્રી ખુશીને પૂછ્યું કે તને ઉનાળામાં શું ગમે ? પ્રત્યુત્તર હતો…બીચ પર ફરવા જવાનો, સ્વીમીંગની મજા માણવાનો, જ્યુસ પીવાનો. પછી સામે મને હસી પૂછે તમોને દાદા ઉનાળામાં શું ગમે ?..મેં હસતાં હસતાં કહ્યુ..તારાં બા બનાવે એ બે પડવાળી રોટલી અને કેરીનો રસ.

ઉનાળો આમ તો આકારો પણ દરેક ઋતુને પોતાનું આગવું મહત્ત્વ છે. સૂર્યની ગતિ બદલાતાં હવામાનના ફેરફાર થાય અને ઉત્તરાયણ બાદ, સૂર્યદેવની પ્રખરતાનો પરિચય થવા લાગે. ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ, એ ઉનાળાના ચાર માસ. મને આ ઉનાળાની મસ્તી મનભરી માણવાનો જીવનમાં લ્હાવો મળ્યો છે..આ ચૈતર વૈશાખના વાયરા વગડે ભમી ઝીલ્યા છે. આજે આ ઉનાળા સાથે રમેલા તેની વાતો કરીએ.

મારું વતન એ ખેડા જીલ્લાનું મહિસા ગામ અને ખેતીવાડીનો વ્યવસાય, એટલે કુદરતના ખોળે શિશુવયથી જ રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગામની ભાગોળે સુંદર બે મોટા તળાવો અને પાળ પર, ઓવારા નજીક ઘેઘૂર વડલાઓનાં દર્શન જોઇ, નિમંત્રણ પઠવાઈ જાય કે..’મારે તે ગામડે એકવાર આવજો’. શિશુવયમાં અમારી બાળ ગોઠિયાની જો કોઈ પ્રિય ઋતુ હોય તો.. આ ઉનાળો. તમે કહેશો કે ધોમ ધખે ને લૂ વાળા વાયરા સાથે જમીન તપેલી હોય, તો આ કુમળી ત્વચા સાથે વ્હાલ કેમ નું ઉભરાય ? સાંભળો ત્યારે અમારી રામકહાણી.

બાળકોને વ્હાલું શું હોય ?..વેકેશન…સૌથી લાંબી શાળાની છૂટ્ટીઓ ઉનાળામાં જ મળે. આજથી ૫૦ વર્ષ ઉપર દેશી રમતો રમાતી, જે ફળિયા કે ભાગોળે રમવાની મજા આવે તે..ભમરડા, કોડીઓ ને ગબ્બી, મોઈ-દાંડિયા અને પત્તાં. અમારી ખડકીમાં તે વખતે ભૂલકાંઓની વણઝાર એટલે રમતો રમવા, સાથીદારો સદાયે હાથવગા રહેતા. ગામના પાદરે વગડાની ખૂલ્લી જમીન અને નાના પાણીના ઝરા સાથે મજાનાં ઝાડોની હારમાળા. એકાદ ઝાડને ચોતરો હોય અને કોઈએ પાણીના પરબની સેવા આચરી હોય. અમારા માટે રમવાની એ આદર્શ જગ્યા. ગામામાં મોસાળે આવેલા કે બહાર રહેતા છોકરાઓને લઈને અમે મોઇ-દંડાની સામૂહિક રમત રમવાની મજા લૂંટતા. ખડ્ડૂસ છોકરાઓ બીચારા નવાસવા છોકરાઓને તાપમાં પદૂડી કરાવી પરસેવો પાડી દેતા. લાલચોળ થઈ જતા પણ રમતના જુસ્સામાં બધાં કષ્ટો ભૂલાઈ જતાં.

દૂર ગોવાળીયાઓ ઢોર ચરાવે, ઘણા ખેડૂતો શણ કે વ્હાણનાં દોરડાં વળ ચઢાવી ખેતીના ઉપયોગ માટે બનાવે..આમ વગડો સૌની વાર્તા ગૂંથે. રમ્યા બાદ અમે, કાયાએ ધૂળ અને પરસેવા સાથે ઉપડીએ મોટા તળાવે. ગામના લગભગ બધા જ છોકરાઓને, આ તળાવે તરતાં શીખવાડી દીધેલું, એટલે વડની ડાળીઓથી છોકરાઓ ભમભમ તળાવમાં ભૂસકા મારે અને તરવાની મજા માણે. એકાદ ભેંસ મળી જાય તો તેની પૂંછડી પકડી સેર સપાટા કરે. બાળ મસ્તી એટલે જ નિજાનંદ. સંધ્યાકાળ થાય, વાયરે કપડાં સૂકાઈ જાય અને નજીકના મંદિરે આરતી પછી પ્રસાદ મળે. ઘેર વાળું કર્યા પછી, ખૂલ્લા ફળિયામાં ખાટલી પર જે સૂવાની મજા આવે..એ ઉનાળાની યાદો શૈશવ ને વ્હાલી જ લાગે ને ?

ઉનાળાની બીજી મજા એટલે તે ઋતુમાં મળતાં ફળોની મજા. અમે દોસ્તારો સાથે અમારા ખેતરાળું આંબાવાડિયામાં પહોંચી જતા ને સાથે હોય મીઠું , મરચા ને જીરાની પોટલી. રખેવાળ ભાઈ જાણીતા એટલે અમને બોલાવી, નાની કેરીઓ આપે. ખાટી અને તૂરી મજાની કેરીઓ ખાઈ લીધા પછી, બાજુમાં જ આવેલી રાયણના ઝાડ પર ચઢી પાકાં રાયણાં ખાતા. આજેય તે ઝાડ આગળથી જ્યારે જ્યારે જઈએ, ત્યારે બચપણની યાદોમાં ઝૂલતા થઈ જઈએ છીએ. ગોરસ-આંબલીના મીઠા પાકા કાતરા પણ, ઝાડ પર ચઢી ખૂબ ખાધેલા અને તે કાંટાળું ઝાડ એટેલે તેની કાંટા-પ્રસાદીનો લાભ પણ મળેલો.

હવે મોટા થયા પણ ઉનાળો અમારો સાથ છોડવા તૈયાર ન હતો કારણ કે દોસ્તી દિલથી હતી. એન્જિનિયર થયા પછી નોકરી મળી ફિલ્ડવર્ક વાળી જીઈબીમાં. ગુજરાત રાજ્યની ૧૯૬૦માં સ્થાપના પછી, ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિજળી કરણ અને ખેત કુવાને જોડાણ આપવાના મહા અભિયાનનું, સૌભાગ્ય અમારી પેઢીને મળ્યું. 

    વાત્રક કાંઠા ને કપડવંજ તાલુકામાં મહોર નદીના ગામો એટલે ધૂળિયા રેતાળ રસ્ત્તા. ઉનાળે તપતી ધૂળ, લૂ વાળા વાયરા ને ધૂળની ધમરીઓ..આ બધાનો સામનો અમારે દૂર અંતરિયાળ વિસ્તારોના સર્વે કરતી વખતે કરવો પડતો.

એક નાનકડો પ્રસંગ કહું તો..એક દિવસ ચાર ગીઅરવાળી જીપમાં લાઈન સ્ટાફ સાથે નીકળ્યા. રસ્તો ગાડાવાટનો ખૂબ જ રેતાળ અને જીપનું એન્જિન ઉનાળાના તાપમાં ગરમ થઈ જાય, કુલરનું પાણી ઉકળે અને જીપ બંધ પડી જાય. બધા સાથે મળી ધક્કા મારી આગળ વધીએ. સર્વેની જગ્યાએ પહોંચતાં સુંધી તો બાફેલા બટાટા જેવા થઈ ગયા. ધખતા તાપમાં માથે ટોપી સાથે સર્વે કર્યું. એક ટિખળી કર્મચારી ગુપસુપ બોલ્યો પણ..આજે સાહેબની’ રેવડી ટાઈટ’ થઈ ગઈ. ઉનાળાની આવી આકરી પરીક્ષા પાસ કરી અમે નિર્ધારિત સમયે ગામનું વીજળીકરણ કર્યું. અમારી તપસ્યાથી અનેક લોકો ઉનાળે પંખા ખાતા બેઠા હોય અને લીલાંછમ ખેતરોમાં પંખીઓ વિસામો પામતા હોય, એય સાચી જ સેવા છે કારણ કે તાપમાં વગડે હાંફતા પંખી કે અર્ધ ભૂખ્યાં પશુઓ પણ અમે આ આંખે નિહાળ્યાં છે. ચોમાસા પહેલાં અમે વિધ્યુત લાઈનોનું સમારકામ માટે, ઉનાળામાં રોજના પગપાળા સાત-આઠ માઈલ ચાલી કામ કરતા. વગડે તાપ ખાઈ ચાલતાં જો કોઈ નદી આવે તો. તટમાં તરબૂચ કે શક્કર ટેટી મળે તો વેચાતાં લઈને ખાતા. આમ ઉનાળાની આ મસ્તી માણતાં માણતાં જ મને પ્રમોશનમાં બદલી મળી.

ઉનાળો પણ અમારો બાળપણનો ભેરુ એટલે તેણે ભાગ્ય દેવતા ને અરજ ગુજારી કે મને પણ સાથ દેવાનો મોકો દેજો. મારી નવી નિમણૂકની જગ્યા હતી, મહિસાગરના કોતરોના વણાકબોરી થર્મલ પાવર પ્રોજેક્ટની. રેતાળ કોતરો સમતલ થાય, ઝાડ કપાય અને ઉનાળાની ધૂળ ડમરીઓ સાથે નવનિર્માણ ચાલે. મોટા ટોપાની નીચે એન્જિનિયર મિત્રો દિવેલાના છોડનાં પાન મૂકી માથે મૂકી પ્રોજેક્ટ પર કામ કરે. બોયલર એટલે સ્ટીલ સ્ટ્રક્ચર , તપે એટલે જાણે સઘડીની નજીક જ ઊભેલા હોય એવી લાગણી થાય. ઈરેક્શન માટે ઊંચી ટાવર ક્રેઈન વપરાતી જેની મંકી લેડર્સ પર ૩૦૦ ફૂટની ઊંચાઈ ચઢવું કે ઉતરવું એ શારીરિક ચુસ્તતાની કસોટી જ ગણાય. આમ અમારા જેવા અનેક ટેકનીકલ માનવ રોજના યોગદાનથી, ગુજરાતની ધરાને ઝળહળ કરતા ૧૨૬૦ મેગાવોટ પ્રોજેક્ટના છ યુનિટોનું નિર્માણ થયું ને અમે તેના હિસ્સેદાર બન્યા.

ઉનાળાએ પણ મિત્રતા નિભાવી, પરસેવો દઈ તનને નિરોગી રાખવા સથવારો દીધો. લીમડા કે ગુલમહોર..એ પ્રકૃતિની દેન, ઉનાળે જેટલી મારા તમારા મનમાં રમે છે તેટલીજ તમને સૌને, પંખા કે એ.સી.માં બેઠાલા જોઈ, અમે અનુભવેલી, એ ઉનાળાની મસ્તી મારા મનમાં રમે છે. કેવી લાગી અમારી આ જુગલ જોડી ?..મજા આવી ને એ.સી.ની ?


Rate this content
Log in