STORYMIRROR

JHANVI KANABAR

Classics Inspirational

4  

JHANVI KANABAR

Classics Inspirational

ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર - 15

ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર - 15

5 mins
405

(આગળના અકમાં આપણે જોયું કે, વિચિત્રવીર્યની બંને પત્નીઓ અંબિકા અને અંબાલિકા મહર્ષિ વેદવ્યાસ સાથે નિયોગથી માતા બની. અંબિકાએ અંધ પુત્ર ધૃતરાષ્ટ્રને તથા અંબાલિકાએ પાંડુ વર્ણના પુત્ર પાંડુને જન્મ આપ્યો. મહારાણી સત્યવતી અને દેવવ્રત ભીષ્મએ બંને બાળકોને શસ્ત્ર શાસ્ત્રમાં નિપુણ થવા ઋષિ કૃપાચાર્યના આશ્રમમાં મૂક્યા. ઋષિ કૃપાચાર્ય મહારાજ શાંતનુને એક બાળકના સ્વરૂપે જંગલમાં નિઃસહાય મળી આવ્યા હતા. મહારાજ શાંતનુએ તેમને ઉછેર કર્યો. બાળકની ઉત્તમ પ્રતિભાથી તે બ્રહ્મજ્ઞાનમાં તેજસ્વી બન્યો અને ઋષિ કૃપાચાર્ય તરીકે ઓળખાયા. આમના સાન્નિધ્યમાં પાંડુ અને ધૃતરાષ્ટ્ર શસ્ત્ર શાસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરે છે. હવે આગળ...)

હસ્તિનાપુરના સિંહાસનને એક ઉત્તમ રાજા મળવામાં હવે થોડો જ સમય બાકી હતો. બંને કુમારોની વિદ્યા પૂર્ણ થઈ હતી. હસ્તિનાપુરના સિંહાસન અને દેવવ્રત ભીષ્મના મોભાને છાજે એવા સંસ્કાર, યુદ્ધ કૌશલ અને શાસ્ત્રજ્ઞાન પામી કુમાર પાંડુ, કુમાર ધૃતરાષ્ટ્ર અને વિદુર પાછા ફરવાના હતા. હસ્તિનાપુરમાં ત્રણેય કુમારોના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. મહારાણી સત્યવતીએ સમગ્ર હસ્તિનાપુરમાં ઉત્સવનું આયોજન કરવાનો આદેશ આપ્યો હતો. દેવવ્રત ભીષ્મએ યજ્ઞાદિ માટે ઋષિ--મહર્ષિઓ તથા કુમારોની વિદ્યાપ્રદર્શન અર્થે વિવિધ કૌશલોનું આયોજન કર્યું હતું. કુમાર પાંડુ અને કુમાર ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરની પ્રજાના મનમાં ઉત્તમ રાજા પામવાનો સંતોષ સ્થાપવા માટે સજ્જ હતા. કુમાર વિદુર હસ્તિનાપુરની રાજસભાને ઉત્તમ માર્ગદર્શન પુરુ પાડવા સજ્જ હતા.

આજ સમસ્ત હસ્તિનાપુરના ફૂલો હસ્તિનાપુરના રાજમહેલમાં સુશોભિત થવાનું ગૌરવ અનુભવી રહ્યા હતા. યજ્ઞની જ્વાળાઓ ઋષિઓના મંત્રોચ્ચારથી ગગન સુધી આંબી જતી હતી. અંબિકા અને અંબાલિકાના નેત્રો પુત્ર આગમન અર્થે વ્યાકુળ હતા. દાસી શુભાંગિ મહર્ષિ વ્યાસની છબી એવા પુત્ર વિદુરને નિહાળવા ઉત્સુક હતી. મહારાણી સત્યવતી અને દેવવ્રત ભીષ્મ વારંવાર રિક્ત સિંહાસનને જોઈ જાણે કે મનોમન તેને આશ્વસ્થ કરી રહ્યા હતા કે, `થોડો સમય થોભી જા. તારા પર બિરાજમાન થઈ તારી શોભા વધારનારનું આગમન ગણતરીની પળોમાં થશે.’ આ બધામાં દાસી શુભાંગી માત્ર નિર્મળ અને સંતોષનો આનંદ પામી રહી હતી, પરંતુ અન્યના મનમાં આનંદ સાથે એક ચિંતા પણ તોળાઈ રહી હતી. એ ચિંતા હતી, `હસ્તિનાપુરનું સિંહાસન પાંડુ અને ધૃતરાષ્ટ્રમાંથી કોને પોતાના પર બિરાજમાન થવા દેશે ?’

ઢોલ નગારાનો અવાજ બુલંદ થવા લાગ્યો. ત્રણેય કુમારો રાજમહેલમાં પધારી ચૂક્યા હતા. ફૂલોની વર્ષા અને ફુલોની જાજમ સાથે સંગીત અને નૃત્યથી સ્વાગત થઈ રહ્યું હતું. સભામાં પ્રવેશતા જ મહારાણી સત્યવતીએ ત્રણેય કુમારોની આરતી ઊતારી. અંબિકા અને અંબાલિકા પુત્રને નિહાળતા જ તેના તરફ ધસી ગઈ અને છાતી સરસા ચાંપી દીધા. દાસી શુભાંગી પોતાનું માતૃત્વ રાજમર્યાદા પર ભારે ન થઈ પડે તેનું ધ્યાન રાખતા આઘેથી જ પુત્ર વિદુરને ભીના નેત્રે નિહાળતી રહી. વિદુરથી માતાની આ લાચારી જોઈ ન ગઈ તે દોડીને માતાના ચરણોમાં પડી ગયો અને આંસુથી આ પવિત્ર ચરણોને ધોઈ રહ્યો. માતા શુભાંગીએ તેને ઊભો કર્યો અને છાતી સરસો ચાંપી વિધાતાનો મનોમન આભાર વ્યક્ત કરવા લાગી.

દેવવ્રત ભીષ્મએ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર તરફ દૃષ્ટિ નાંખી. ત્રણેયના કસાયેલા શરીર અને શરીર પર આરૂઢ શસ્ત્રો તથા ગર્વિષ્ઠ નેત્રોમાં ભાવિ વિજય જોઈ અત્યંત સંતોષ અનુભવ્યો. ત્રણેયને પોતાના વિશાળ બાહુપાશમાં સમાવી લઈ મન ભરીને આશીર્વાદ આપ્યા. સાથે આવેલા કૃપાચાર્યને પણ પ્રણામ કરી, તેમને યોગ્ય શિક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા તથા તેમને આદર સાથે સ્થાન આપ્યું.

રાજમહેલના પ્રાંગણમાંથી પ્રજાનો ઉલ્લાસભર્યો અવાજ મહેલની અંદર સુધી આવી રહ્યો હતો. પ્રજામાં પોતાના ભાવિ રાજાનું કૌશલ જોવાની વ્યાકુળતા વધી રહી હતી. દેવવ્રત ભીષ્મ, મહારાણી સત્યવતી, અંબિકા, અંબાલિકા તથા દાસી શુભાંગીએ મહેલના પ્રાંગણમાં સ્થાન ગ્રહણ કર્યું. બાણવિદ્યા, મલ્લયુદ્ધ, ઘોડેસવારી અને ઋષિ તથા બ્રહ્મજ્ઞાનીઓ સાથેની બુદ્ધિકૌશલ જેવી સ્પર્ધાઓ યોજાઈ. રાજકુમાર ધૃતરાષ્ટ્રનું અંધ હોવા છતાં અજોડ મલ્લયુદ્ધ જોઈ પ્રજા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રાજકુમાર પાંડુની બાણવિદ્યા અને યુદ્ધચાતુર્ય જોઈ પ્રજા અત્યંત સંતોષ અને આનંદ પામી રહી હતી. કુમાર વિદુરનું બુદ્ધિચાતુર્ય તથા રાજનીતિનું અજોડ જ્ઞાન જોઈ પ્રજા વિસ્મય પામી ગઈ હતી. આજનો સૂર્યોદય આશા સાથે આવ્યો અને સૂર્યાસ્ત જાણે કે હસ્તિનાપુરની પ્રજાને સમગ્ર આર્યવર્તમાં સૌથી વધુ ધનિક અને સમૃદ્ધ બનાવતો ગયો હતો.

આજે ત્રણેય રાજકુમારોની રાજમહેલમાં સોળ વર્ષ પછીની પ્રથમ સવાર હતી. આશ્રમના નિયમોનુસાર પ્રાતઃક્રિયા પતાવી રાજકુમારો પોતાની પ્રાર્થના, કસરત અને કૌશલોનું પઠન કરવા લાગી ગયા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી શાંત રાજમહેલ આજે રાજકુમારોના આવવાથી ધમધમતો અને ઉલ્લાસિત લાગી રહ્યો હતો. નવી નવી યોજનાઓ સાથે સભાસદો હાજર થઈ ગયા હતા. સભામાં ત્રણેય રાજકુમારોને સમાન સ્થાન આપવામાં આવ્યું હતું. વિવિધ ચર્ચા વિચારણાઓમાં તેમના અભિપ્રાય લેવામાં આવી રહ્યા હતા. દેવવ્રત ભીષ્મ અને મહારાણી સત્યવતી બંને રાજકુમારોનું મનોમન આકલન કરી રહ્યા હતા. કુમાર દેવવ્રત ભીષ્મ રાજકુમાર વિદુરની બુદ્ધિપ્રતિભા જોઈ મનોમન તેને ભાવિ મંત્રીપદ આપી રહ્યા હતા. મહારાણી સત્યવતીના મનમાં એક વિચાર સતત યુદ્ધ મચાવી રહ્યો હતો, જેના વિશે તેમણે દેવવ્રત સાથે ચર્ચાવિચારણા કરવાનું નક્કી કર્યું.

સભા પત્યા પછી મહારાણી સત્યવતીએ ભિષ્મને પોતાના કક્ષમાં આવવા આદેશ મોકલાવ્યો. દેવવ્રત ભીષ્મએ માતા સત્યવતીના કક્ષમાં પ્રવેશતા જ માતાની ચિંતાતુર મુખાકૃતિ જોઈ.

`માતા આપ આટલા ચિંતિત કેમ છો ?’ ભિષ્મે પ્રશ્ન કર્યો.

`પુત્ર ! વિદુર તો દાસીપુત્ર હોવાથી રાજસિંહાસન પર બેસવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ છે. શાસ્ત્રનુસાર અંધને રાજસિંહાસન સોંપી ન શકાય. બાકી રહ્યો પાંડુ. પાંડુ બધી જ રીતે ઉત્તમ છે... પરંતુ... !’ સત્યવતી બોલતા બોલતા અટકી જાય છે.

`પરંતુ શું માતા ?’ ભીષ્મે માતાના મનમાં ચાલતા વિચારોનો તાળો મેળવવા કહ્યું.

`પુત્ર ! ધૃતરાષ્ટ્ર અંધ હોવા છતાં તે પાંડુથી કોઈ રીતે ઉતરતો નથી. આ ઉપરાંત તે જ્યેષ્ઠ પણ છે. જોવા જઈએ તો રાજસિંહાસન પર તેનો અધિકાર સમાન જ કહી શકાય. ક્યાંક માત્ર અંધ હોવાથી પાંડુને રાજસિંહાસન સોંપવામાં આપણે ધૃતરાષ્ટ્રને અન્યાય તો નથી કરતા ને ?’ ભિષ્મના ઉત્તરની પ્રતીક્ષા કરતાં માતા સત્યવતીએ કહ્યું.

માતાની વાત સાંભળી દેવવ્રત ભીષ્મ પણ વિચારમાં પડી ગયા. શું કરવું ? શું નિર્ણય લેવો કંઈ જ સમજાતું નહોતું. વાત તો સાચી છે. ધૃતરાષ્ટ્ર સૌથી જ્યેષ્ઠ છે. ન્યાયે તો રાજપદ તેને જ મળવું જોઈએ. અંધ હોવા છતાં તે બધી જ રીતે યોગ્ય અને નિપુણ છે, પરંતુ શાસ્ત્ર અનુસાર અંધને રાજસિંહાસન સોંપી શકાય ? મનમાં ઉગ્ર મનોમંથન અનુભવતા આખરે ભિષ્મે મહારાણી સત્યવતીને કહ્યું, `માતા ! આ પ્રશ્ન સભામાં ઉકેલાય એ જ યોગ્ય રહેશે. હસ્તિનાપુરની પ્રજા માટે નિષ્પક્ષ રહી નિર્ણય લેવાય એ માટે આ જ યોગ્ય રહેશે.

આખરે આ પ્રશ્ન રાજસભામાં મૂકવો અને ત્રણેય રાજકુમારોની ગેરહાજરીમાં જ તેના પર ચર્ચા-વિચારણા કરવી એમ નક્કી થયું. બીજે દિવસે સભામાં મહારાણી સત્યવતી, દેવવ્રત ભીષ્મ, કૃપાચાર્ય, અંબિકા, અંબાલિકા અને દાસી શુભાંગી ઉપરાંત અનેય સભાસદો ઉપસ્થિત હતા.

શું હશે સભાસદો તથા હસ્તિનાપુરની પ્રજાનો નિર્ણય ? આ નિર્ણયની અસર ભાઈબંધુના સંબંધોમાં કેવી છાપ ઊભી કરશે ? ક્યાંક સત્તા ભાઈઓ વચ્ચેના પ્રેમ અને માનસન્માનમાં ઘટાડાનું નિમિત્ત તો નહિ બને ?


Rate this content
Log in

Similar gujarati story from Classics