JHANVI KANABAR

Action Others

4.5  

JHANVI KANABAR

Action Others

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 16

ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 16

5 mins
418


(આગળના અંકમાં આપણે જોયું કે, ઋષિ કૃપાચાર્યના આશ્રમમાં હસ્તિનાપુરના રાજકુમારો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર શિક્ષા પ્રાપ્ત કરી હસ્તિનાપુર પધારે છે. હસ્તિનાપુરમાં તેમનું સ્વાગત થાય છે. પ્રજાની વચ્ચે ત્રણેય રાજકુમારોના કૌશલ્યની સ્પર્ધા યોજાય છે જેમાં ત્રણેય રાજકુમારો પોતાની પ્રતિભાથી સૌ કોઈને આંજી દે છે. મહારાણી સત્યવતી અંધ ધૃતરાષ્ટ્રની પ્રતિભા જોઈ અસમંજસમાં પડી જાય છે કે, માત્ર અંધ હોવાથી આવા પ્રતિભાશાળી રાજકુમારને રાજસિંહાસનથી દૂર રાખવો એ ન્યાય છે ? તે પોતાની દ્વિધા ભિષ્મ સમક્ષ રજૂ કરે છે. ભિષ્મ આખરે આ નિર્ણય પ્રજા અને સભાસદો પર છોડી દેવા સૂચન કરે છે અને તત્ક્ષણ રાજસભા યોજે છે જેમાં ત્રણેય રાજકુમારો સિવાય સભાસદો, રાજગુરુ, મહારાણી સત્યવતી, અંબિકા અને અંબાલિકા તથા સ્વયં ઉપસ્થિત રહેવાનુ નક્કી થાય છે. હવે આગળ...)

દેવવ્રત ભીષ્મ પોતાના નિત્યકર્મથી પરવારી અશ્વ લઈ ગંગાનદી તરફ પ્રયાણ કરે છે. આજે તેમને માતા ગંગાના આશિષની ખૂબ જ જરૂર હતી. હસ્તિનાપુરની પ્રજાના ભાવિ માટે આજે મહત્ત્વનો દિવસ હતો. હસ્તિનાપુરના આજીવન સેવક બની રહેલ ભીષ્મને હસ્તિનાપુરના સિંહાસન પર ધર્મની સ્થાપનાર્થે લીધેલ વચન આજે નિભાવવાનું હતું. મહેલના પ્રાંગણમાં પહોંચતા જ ભિષ્મે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને એકસાથે હાસ્યવિનોદ કરતાં જોયા. તેમનું નિર્દોષ હાસ્ય અને રાજનીતિથી તદ્દ્ન અલિપ્ત એવી નિખાલસ અને નિર્મળ મૈત્રી જોઈ ભીષ્મના મુખ પર આનંદ છવાઈ ગયો પરંતુ થોડી જ વારમાં આ આનંદનું સ્થાન ચિંતાની રેખાઓએ લઈ લીધું. આજના નિર્ણય પછી આ પ્રેમ, આ મૈત્રી આવા જ રહેશે ?

ભિષ્મે સેનાપતિને બોલાવી કહ્યું કે, આજે ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુને રાજ્યપરિક્ષણર્થે લઈ જવા, જેથી રાજસભાની ચર્ચાનો તથા નિર્ણયનો તેમને અંદેશો ન આવે.

ત્રણેય રાજકુમારોએ સેનાપતિ અને દાસદાસીઓ સાથે નગર તરફ પ્રસ્થાન કર્યું. દેવવ્રત ભીષ્મ માતા ગંગાના આશિષ લઈ મહેલ પરત ફર્યા અને રાજસભાનો આરંભ થયો.

રાજસભામાં ગુરુ કૃપાચાર્ય, આચાર્ય, મંત્રી, મહારાણી સત્યવતી, અંબિકા, અંબાલિકા તથા સ્વયં દેવવ્રત ભિષ્મ ઉપસ્થિત હતા. મહારાણી સત્યવતીએ સભાસદોને પોતાની દ્વિધા કહી, 'શું સર્વશક્તિમાન હોવા છતાં કોઈ વ્યક્તિને માત્ર અંધ હોવાને કારણે રાજ્ય ન સોંપવું એ ન્યાય છે ? રાજકુમાર ધૃતરાષ્ટ્ર પાંડુ કરતાં જ્યેષ્ઠ છે, છતાં જન્મથી અંધ હોવાને લીધે તેમને સ્થાને પાંડુને સિંહાસન સોંપવું યોગ્ય છે?'

'રાજમાતા ! આપની વ્યથા યોગ્ય છે, રાજકુમાર ધૃતરાષ્ટ્ર સર્વગુણ સંપન્ન છે. એક રાજામાં હોવા જોઈતા બધા જ ગુણ છે તેમનામાં, પરંતુ શાસ્ત્રનુસાર રાજા અંધ ન હોઈ શકે.' ગુરુ કૃપાચાર્યે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કર્યું.

`રાજમાતા ગાંધારપતિ સુબલરાજનો સંદેશ છે.' રાજસભામાં દાસે સંદેશો સેનાપતિના હાથમાં સોંપતા કહ્યું.

'ગાંધારપતિ રાજકુમારી ગાંધારીનો સ્વયંવર યોજી રહ્યા છે. ગાંધારરાજ સુબલરાજે ઘોષણા કરી છે કે એમના સોમાથી એક મલ્લને હરાવશે તેની સાથે પોતાની પુત્રીના વિવાહ કરશે.' સેનાપતિએ સંદેશો કહી સંભળાવ્યો.

રાજસભામાં શાંતિ પ્રવર્તિ રહી. કંઈક વિચારી દેવવ્રત ભીષ્મે કહ્યું, 'માતા ! મને એવો વિચાર આવે છે કે, ધૃતરાષ્ટ્રને આ સ્વયંવરમાં જવું જોઈએ. મને વિશ્વાસ છે કે તે સુબલરાજની કસોટીમાં ઉત્તીર્ણ થશે અને રાજકુમારી ગાંધારી સાથે વિવાહ કરશે. આમ કરવાથી તેના પૌરુષત્તવને સન્માન અને સંતોષ મળશે. એ પછી કુમાર પાંડુનો રાજ્યાભિષેક કરીએ તો ? રહી વાત રાજસિંહાસનની તો માતા ! ભ્રાતા ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને રાજસિંહાસન સોંપવાનો નિર્ણય કર્યો હોવા છતાં તેઓએ મને હંમેશા એક મોટા ભાઈ તરીકે માનસન્માન આપ્યું છે. આ જ સંબંધ પાંડુ પણ ધૃતરાષ્ટ્ર પ્રત્યે રાખી શકશે. રાજા બન્યા પછી પણ પાંડુ એક મોટા ભાઈ તરીકે ધૃતરાષ્ટ્રના સૂચનને સર્વોપરી રાખશે.'

ભિષ્મની વાત સાંભળી કંઈક અંશે સભાસદોમાં અને ખાસ કરીને રાજમાતા સત્યવતીને સંતોષ થયો હતો. રાજકુમારો પરત ફરે એટલે તેમને આ સ્વંયવરની વાત કરવી એમ નક્કી કરી સભા પૂર્ણ કરવામાં આવી.

`બેટા ધૃત ! હું અતિ પ્રસન્ન છું. ચાલ ગાંધાર દેશ જવાનું છે તારે ! ગાંધારપતિ સુબલરાજે ઘોષણા કરી છે કે, એમના સોમાંથી એક મલ્લને પણ હરાવશે તેને એ પોતાની પુત્રી પરણાવશે. તારા લગ્ન પછી જ પાંડુનો રાજ્યાભિષેક થશે.' રાજમાતા સત્યવતીએ હર્ષાશ્રુ સાથે ધૃતરાષ્ટ્રને કહ્યું.

`પાંડુનો રાજ્યાભિષેક' સાંભળીને ધૃતરાષ્ટ્રને આંચકો તો લાગ્યો પરંતુ કંઈક અંશે તે માનસિક રીતે તૈયાર હતા જ. તેઓ જાણતા હતા કે, અંધને રાજ્ય ન મળે. તેમણે મુખ પર સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો અને ગાંધાર જવાની તૈયારી કરી.

વ્યાસસ્થલમાં મહર્ષિ વેદવ્યાસના દર્શન કરી, એમના આશીર્વાદ મેળવી ભીષ્મ કુમાર ધૃતરાષ્ટ્ર અને વિશાળ સેના સાથે ગાંધાર દેશમાં પ્રવેશ્યા. સુબલરાજને ભિષ્મ મોટી સેના સાથે આવી રહ્યા છે એ સમાચાર મળ્યા. આ એ જ ભિષ્મ હતા જેમનું પરાક્રમ કાશીરાજની પુત્રીઓના સ્વયંવર સમયે જોયું હતું. આ એ જ ભિષ્મ હતા જેમણે મહાબલની સો મણની ગદા રમકડાની માફક ઉઠાવી લીધી હતી. સુબલરાજ આ કશું જ ભૂલે એમ નહોતા. તેમના સ્વાગત માટે વ્યવસ્થા કરવામાં આવી. સુબલરાજે ભિષ્મને કોઈ જ અગવડ ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું. ગાંધારમાં પ્રવેશતાં જ નગરીના દ્વારે સ્વયં ગાંધારરાજ સુબલ, મંત્રીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં એ સમયના યુગપુરુષને સત્કારવા આવ્યા હતાં. અન્ય અતિથિ સાથે તેમની સુવિધાઓ નિશ્ચિત કરવામાં આવી. 

આજે એ સ્વંયવરનો દિવસ આવી ગયો. ભિષ્મ કુમાર ધૃતરાષ્ટ્ર સાથે સભામાં પ્રવેશ્યા. રાજા ન હોવા છતાં રાજાઓને નમાવતા ભિષ્મને આખી રાજસભા ઊભી થઈ આવકારી રહી.

ગાંધારરાજ સુબલ અને તેમના પુત્ર શકુનિ ભીષ્મ સાથે આવેલ અંધ રાજકુમારને જોઈ દ્વિધામાં મુકાઈ ગયા હતા. હસ્તિનાપુર જેવું શક્તિશાળી રાજ્ય સાથે સંબંધ સ્થપાય એવી ઈચ્છા પર જાણે કે પાણી ફરી વળશે એવું લાગી રહ્યું હતું અને જો આ અંધ રાજકુમાર વિજયી થાય તો પણ પોતાની પુત્રી એક અંધ જોડે કેવી રીતે પરણાવવી ? કંઈ જ સમજાતું નહોતું. દેશદેશાવરથી આવેલ રાજા તથા રાજકુમારો અંધ ધૃતરાષ્ટ્રને જોઈ મનમાં જ આનંદિત થઈ ઊઠ્યા હતા. સર્વશક્તિશાળી એવા ભિષ્મને જોતાં જ ભયભીત થયેલા ચહેરાઓ પર અંધ ધૃતરાષ્ટ્રને જોતાં જ પ્રસન્નતા છવાઈ ગઈ હતી. એક અંધ મલ્લયુદ્ધ શું કરી શકવાનો ? એમ વિચારી સૌ કોઈ અંદરોઅંદર મશ્કરી કરી રહ્યા હતા.

`હસ્તિનાપુરના જ્યેષ્ઠ કુમાર ધૃતરાષ્ટ્ર આપના મલ્લને હરાવી ગાંધારકન્યાને પરણવા ઈચ્છુક છે.' ભીષ્મએ ધૃતરાષ્ટ્રનો પરિચય કરાવતા કહ્યું.

`આ અંધ રાજકુમાર ! તમે અમારું અપમાન કરવા આવ્યા છો ?' ગાંધારરાજ અને શકુનિ બોલી ઊઠ્યા.

ભીષ્મએ ક્રોધમાં પોતાની ભયંકર અસિ બહાર ખેંચી કાઢતા કહ્યું, `હું કોઈનું અપમાન કરતો નથી અને કોઈનું અપમાન સહન પણ કરતો નથી. ગાંધારરાજ તમે ઘોષણા કરી છે એનું તમારે પાલન કરવું જ રહ્યું. કુમાર ધૃતરાષ્ટ્ર અંધ છે તેથી તમારી ઘોષણામાં કશો જ ફેર નથી પડતો. તમે તમારા વચન પ્રમાણે મલ્લયુદ્ધનું આયોજન કરો અથવા યુદ્ધ માટે તત્પર રહેજો.'

ગાંધારરાજ જાણતા હતા કે, ન્યાય અનુસાર તો અંધ રાજકુમારને પણ તક મળવી જ જોઈએ અને અન્યાય ભીષ્મ જરા પણ સાંખી નહિ લે. ન્યાયની વિરુદ્ધ જવાથી હસ્તિનાપુર સાથે યુદ્ધ કરવું પડશે. તેમને અંદરથી એક ભય એ પણ હતો કે, જો આ અંધ રાજકુમાર મલ્લયુદ્ધ જીતી જશે તો...?

શું ધૃતરાષ્ટ્ર અહીં પોતાનું કૌશલ્ય બતાવી સૌ કોઈને હતપ્રભ કરી દેશે ? શું ગાંધારરાજ સુબાહુ પોતાની પુત્રી ગાંધારીના વિવાહ એક અંધ રાજકુમાર સાથે કરશે ? શું અહીં પણ ધૃતરાષ્ટ્રને નિરાશા જ મળશે ?


Rate this content
Log in

Similar gujarati story from Action