ચમત્કારી વૃક્ષ
ચમત્કારી વૃક્ષ
એક નગર હતું. તેમાં એક રાજા હતો. વૃક્ષો પ્રત્યે ખુબ પ્રેમ હતો. અને સાથે સાથે તે પશુપ્રેમી પણ હતો. તેને પોતાનાં મહેલમાં ઘણાં બધાં પ્રાણીઓ જેવા કે, હાથી, ઘોડા, વાંદરા, ઊંટ, મોર, પોપટ, અલગ અલગ પક્ષીઓ પણ રાખ્યા હતાં. જે તેનાં મહેલની શોભા વધારતા હતાં.
એક દિવસ રાજા, ઘોડો, વાંદરો, અને હાથી ને લઈને જંગલમાં સહેલવા નીકળે છે. જંગલતો ખૂબ જ રળિયામણું અને લીલુંછમ, મન મોહી લે તેવું. અચાનક જ જોર જોરથી પવન ફુંકાવાં લાગે છે. વાવાઝોડું આવે છે. રાજાનો પ્રિય વાંદરો એક વૃક્ષ પર બેસીને પાંદડાં ખાતો હોય છે. જોરમાં પવન આવવાથી વૃક્ષની ડાળીઓ પડી જાય છે. અને વાંદરો ડાળીઓ નીચે દબાઈને મરી જાય છે.
રાજાને ખૂબ ગુસ્સો આવે છે. તે મનમાં પ્રતિજ્ઞા લે છે કે, આખું જંગલ કાપી નાખીશ. ત્યારે ચમત્કારી વૃક્ષમાંથી અવાજ આવે છે અને રાજાને કહે છે..
"હે, નગરના રાજા, આવી પ્રતિજ્ઞા ના લેશો. આખું જંગલ કાપી નાખવાથી જંગલના ઘણાં પક્ષીઓ અને પ્રાણીઓ બેઘર થઈ જશે. જમીન વેરાન થઈ જશે. રાહગીરોને બેસવા માટે છાંયો નહીં મળે. વરસાદ નહીં આવશે. કાળઝાળ ગરમી પડશે. તમારી આ પ્રતિજ્ઞાથી નુકશાન થશે."
રાજા તો ખૂબ ગુસ્સામાં હોય છે. એટલે તે વૃક્ષની કોઈ વાત સાંભળતો નથી. અને ઘરે આવીને તેના મંત્રીને કહે છે કે, આખું જંગલ કપાવી નાખો. મંત્રી તો રાજાની આજ્ઞાનું પાલન કરીને આખું જંગલ કપાવી નાખી છે. રાજાનો મંત્રી ખૂબ જ ચતુર હોય છે. તે રાજાનાં આવાં ખોટા નિર્ણય બદલ તેમને પાઠ ભણાવવાનું નક્કી કરે છે.
એક દિવસ મંત્રી રાજાને જંગલમાં સહેલવા લઈ જાય છે. ખરા બપોરનો અસહ્ય તાપ પડતો હોય છે. રાજા તો પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. અને દૂર એક કપાયેલા વૃક્ષમાંથી ડાળીઓ નીકળેલી હોય છે. વૃક્ષનાં છાયા નીચે તે થોડીવાર બેસે છે.
રાજા તો મંત્રી ઉપર ખૂબ ગુસ્સે થઈ જાય છે. અને કહે છે કે, "આટલાં બળબળતા તાપમાં સહેલવા માટે કોઈ આવતું હશે."
આ સાંભળતા જ ચમત્કારી વૃક્ષ ફરી બોલી ઊઠે છે "હે, રાજા તમે તો મહેલોની છાયામાં સુરક્ષિત છો. પરંતુ આજે તમારી આ ખરાબ હાલત જે છે. તેવી ખરાબ હાલત જંગલનાં પશુ પક્ષીઓની રોજની છે." એ પશુ પક્ષીઓ બેઘર થઈ ગયા છે. અને આવાં અસહ્ય તાપમાં તડપી તડપીને ઘણાં પશુ-પક્ષીઓ તો મૃત્યુ પામ્યા છે.
આવું સાંભળતા જ રાજાને ઘણો પસ્તાવો થાય છે. તે વૃક્ષની માફી માંગે છે. અને ફરીથી વૃક્ષો વાવીને જંગલ ને હરિયાળું, અને રમણીય બનાવી દે છે. રાજા વૃક્ષ ને વચન આપે છે કે, "આજ પછી આ નગરમાં જે કોઈ વ્યક્તિ વૃક્ષને કાપશે. તેને આકરામાં આકરી સજા કરીશ. અને આ સાંભળી વૃક્ષો ખુશ થઈ જાય છે. અને સાથે જંગલનાં પશુ પક્ષીઓ પણ.
