mariyam dhupli

Action Inspirational Thriller

4  

mariyam dhupli

Action Inspirational Thriller

ચક્ષુ

ચક્ષુ

5 mins
298


ગાડી એ દિવસે પણ આજ ટ્રાફિક સિગ્નલ પાસે આવી ઊભી રહી ગઈ હતી. એ જ નિયત ક્રમ હતો. હું દરરોજની જેમ જ ડ્રાઈવિંગ સીટ પર બેઠી હતી અને વિનય મારી પડખેની સીટ ઉપર. એની ઓફિસ રસ્તામાં પહેલા આવવાની હતી. એને ઓફિસ પાસે ડ્રોપ કરી મારે હજી દસ કિલોમીટર જેટલું વધુ ડ્રાઈવિંગ કરી મારી ઓફિસે પહોંચવાનું હતું. 

સિગ્નલ લાલ હતું. મેં નિયત ક્રમ અનુસરતા એક નજર ગાડીના આગળના કાચ તરફ નાખી. હા, એ ધીરે ધીરે સમય લેતો ગાડીની દિશામાં આગળ વધી રહ્યો હતો. અમારી ગાડી સુધી પહોંચતા એને વચ્ચે વચ્ચે ઘણા પડાવ પસાર કરવાના હતા. પરંતુ એના શરીરમાં ઉતાવળનું નામોનિશાન ન હતું. એ જાણતો હતો કે એ લાલ સિગ્નલ લીલા રંગમાં ફેરવાતા કેટલો સમય લાગવાનો હતો. અમારી જેમ એ પણ કદાચ એ નિયત સમયચક્ર જોડે ટેવાઈ ગયો હતો. સમય જોવાની કોઈને મથામણ ન હતી. મેં પણ ટેવ અનુસરતા ડેકમાંથી મારો પર્સ બહાર કાઢ્યો. મારી એ ક્રિયાની પ્રતિક્રિયા આપતા પડખેથી કયા શબ્દો ઉચ્ચારવામા આવશે એ હું અગાઉથી જ જાણતી હતી. અને એ શબ્દોના પ્રતિઉત્તરમાં મારા મોઢામાંથી કયા શબ્દો નીકળવાના હતા એ પણ પૂર્વ નિશ્ચિત જ હતું. છતાં મેં દર વખત જેમ અત્યંત ઠંડા કાળજે પર્સમાં હાથ નાખી પૈસા કાઢી તૈયાર કરી રાખ્યા. મારી આંખો ફરીથી ગાડીના આગળ તરફના પારદર્શક કાચમાંથી ગાડી અને એ નિયત ડગલાંઓ વચ્ચે વધેલું અંતર તપાસવા લાગી.

" ઓહ, કમોન શ્વેતા. આમ લાગણીવેડામાં વહેવાનું બંધ કર. દુનિયા વ્યવહારુતાથી જ ચાલે. જરા જો એને. સ્પષ્ટ દેખાય છે મને. તને નથી દેખાતું ? ભાવનાઓનો ધંધો માંડયો છે એણે. ડિસગસ્ટિંગલી સેલ્ફીશ. ધેટ્સ વાય આઈ હેટ બ્લૅક ગ્લાસિસ. કાળા કાચ પાછળ બધું જ સરળતાથી છૂપાઈ જાય. આંખોમાં આંખો મેળવવાની હિંમત ન હોય એને જ આ કાળું કવચ જોઈએ. હું શરત લગાવું છું. એ જોઈ શકે છે. આખો દિવસ એક એક ગાડી પાસે હાથ ફેલાવે તો સાંજ સુધી કેટલી રકમ ભેગી થઈ જતી હશે ? કેન યુ ઈમેજીન ? તારા જેવા લોકો જ એની ટેવ બગાડે છે. દેશની આઝાદીને ૭૫ વર્ષ થઈ ગયા. અને હજી પણ... દેશ માટે કલંક અને બોજારૂપ આવા લોકો ને તો... "

ગાડીના કાચ પર ધીમા ટકોરા પડ્યા. મેં ધીમે રહી ગાડીનો કાચ નીચે ઉતાર્યો. મારા હાથમાંની નોટ મેં અઘ્ધર રાખી હતી. એનો કટોરો હજી હવામાં હતો. મારા હાથમાંની નોટ તરફ એ જરા પણ ઉપર ઉઠ્યો ન હતો. મેં બારીમાંથી હાથ લંબાવ્યો અને એના કટોરામાં નોટ ગોઠવી દીધી. મારા હાથના સળવળાટને એ ઓળખતો હતો. કટોરાને મારી દિશા તરફ થોડો ઉપર ઉઠાવી એણે ટેવ પ્રમાણે મૌન આભાર વ્યક્ત કર્યો અને પડખેની ગાડી તરફ હાથની લાકડી ઠોકતો આગળ વધી ગયો. મેં ધીમે રહી બારીનો કાચ ઉપર ચઢાવી લીધો. 

" હું નથી જાણતી, વિનય. એ સાચે જ જોઈ શકે છે કે નહીં. પણ જો એ ન જોઈ શકતો હોય તો ? હું ઈશ્વરને શું જવાબ આપીશ ? એની પરિસ્થિતિ સાચી કે ખોટી હોઈ શકે,પણ મારી ભાવના સાચી છે. "

હું હજી પણ પડખેની ગાડી તરફ નિહાળી રહી હતી. મારા શબ્દોના પ્રતિઉત્તરમાં હું દર વખત જેમ દલીલની લાંબી શ્રુંખલાની અપેક્ષા સેવી રહી હતી. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે પડખેની સીટ પરથી એક પણ શબ્દ પરત થયો નહીં. એનું કારણ તપાસવા મારી નજર એ દિશામાં હજી ફરે એ પહેલા...

અચાનક મારી આંખો હેરતથી ફાટી પડી. મારી પડખેની ગાડીની બારીના નીચે ઉતરેલા કાચમાંથી ડોકાઈ રહેલો ચહેરો પણ મારી જેમ અચાનકથી મળેલા આંચકાથી એટલો જ શોક્ગ્રસ્ત હતો. ભીખનો કટોરો ઊંધો વળી ભોંય ભેગો થઈ ગયો હતો. હાથને સહારો આપતી લાકડી જમીનદોસ્ત થઈ ગઈ હતી. આંખો પરના કાળા ચશ્માં વિઘ્નરૂપ હોય એમ હાથમાં આવ્યા બાદ હવામાં ઉછળી ગયા. એ ચશ્માં પાછળથી બહાર ડોકાઈ આવેલી આંખોમાં ઝીલાયેલા દ્રશ્યને અનુસરી એ શરીર એ દ્રશ્યની દિશામાં ધસી પડ્યું. 

મારું ભગ્ન હૈયું સ્તબ્ધ હતું. વિનયના શબ્દો હજી કાન પર અથડાઈ રહ્યા હતા.

' ડીસગસ્ટિંગલી સેલ્ફીશ '

મારી નજર વિનયની દિશામાં ફરી કે વિનયે રીતસર ત્રાડ નાખી. એની આંખો ગાડીના આગળના કાચ તરફ જડાયેલી હતી. એ જ દિશા તરફ જે દિશા તરફ પેલા ધૃણાસ્પદ, સ્વાર્થી વ્યક્તિત્વએ દોટ મૂકી હતી. 

" શ્વેતા, કાર ચલાવ. શ્વેતા, ઝડપ કર. શ્વેતા, તું સાંભળી રહી છે ? મૂવ ઘી બ્લડી કાર. શ્વેતા, મૂવ..."

હું એ ક્ષણે મૂર્તિ જેમ ડ્રાઈવિંગ સીટ પર જડાઈ ગઈ હતી. હજી એક શોક બરાબરથી શમ્યો ન હતો અને નવી ગડમથલ. મારા મગજના ચેતાતંતુઓ ક્ષણભર માટે જાણે શૂન્યાવકાશમાં સરી પડ્યા હતા. એમને ફરી ફરજનિષ્ઠ થવા થોડા સમયનો અવકાશ અનિવાર્ય હતો. શું થઈ રહ્યું હતું ? મને કશું સમજાઈ રહ્યું ન હતું. મારા હાથ સ્ટીઅરિંગ પરથી નીચે ઉતરી પડ્યા હતા. સિગ્નલ લીલા રંગમાં ફેરવાયું કે પાછળથી અધીરા થયેલા વાહન ચાલકોએ હોર્નની બૂમરાણ મચાવી મૂકી. પણ એ બૂમરાણ મને સતર્ક કરવા પર્યાપ્ત ન હતી. 

મારી નજર ગાડીના આગળના કાચ તરફ મંડાઈ. એ જ સમયે ગાડીનું બીજી તરફનું બારણું ખુલ્યું અને પડખેની સીટ ખાલી થઈ ગઈ. હું ગાડીમાં એકલી પાછળ છૂટી ગઈ.બરાબર એ જ સમયે પેલો ધૃણાસ્પદ, સ્વાર્થી વ્યક્તિ બીજી દિશામાં બેફામ દોટ લગાવી રહ્યો હતો. એના હાથમાં એક મોટી, કાલા રંગની બેગ હતી. જોતજોતામાં એણે રસ્તાની બીજી તરફથી પસાર થઈ રહેલા એક સુમસાન નાનકડા ક્રોસ ઓવર બ્રિજના નીચે તરફ વહી રહેલા પાણીમાં ભુસ્કો લગાવી દીધો. એક પ્રચંડ ધમાકાથી આખો બ્રિજ અગન જ્વાળાઓમાં લપેટાઈ ગયો. 

આજે ફરી એ લાલ સિગ્નલ નજીક ઉભેલી ગાડીમાં એ યાદો જોડે મારા કપાળ પર પરસેવાના બિંદુઓ બાઝી ઉઠ્યા. આજે પણ બધું પહેલા જેવું જ તો હતું. એ જ વાહનો, એ જ ટ્રાફિક, એ જ શહેર, એ જ દેશ. પણ આજે મારો પર્સ ડેકમાંથી બહાર નીકળ્યો નહીં. આજે બારીના કાચ પર ટકોરા પડ્યા નહીં. 

મેં ધીમે રહી એફએમ ઓન કર્યું. 

" શહેરમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટને એક અઠવાડિયું થઈ ગયું છે. ચારે તરફ સુરક્ષા જડબેસલાક છે. છતાં શહેરી જનોને સતર્કતા જાળવી રાખવાની અપીલ કરવામાં આવે છે. બે સતર્ક આંખોના બલિદાને અનેક જીવોને મૃત્યુ મુખેથી ઉગારી લીધા. દેશના એ વીર શહીદને કરોડો નમન. "

સિગ્નલ લીલા રંગમાં ફેરવાયું. મેં ગાડી ગિયરમાં નાખી. એક નજર પડખેની સીટ પર ગઈ. 

વિનયના ચહેરા પર નવા બ્લૅક સનગ્લાસિસ હતા. 

મારા મગજમાં વિનયના શબ્દો હજી પણ ગૂંજી રહ્યા હતા. 

' ડીસગસ્ટિંગલી સેલ્ફીશ '


Rate this content
Log in

Similar gujarati story from Action