બુનિયાદી શિક્ષણના પ્રેરણા બાપુ
બુનિયાદી શિક્ષણના પ્રેરણા બાપુ
પોરબંદરના જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ થકી મહાત્માનું બિરુદ મેળવનાર આ વિરલ વિભૂતિનું સમગ્ર જીવન જ સાદગી, શ્રમ, સત્ય અને અહિંસા આધારિત રહયું છે. પૂજ્ય બાપુ પોતાના સ્લોગનમાં લખે છે કે 'મારું જીવન એ જ મારો સંદેશ.'
પૂજ્ય બાપુનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં , પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ શામળદાસ કોલેજમાં મેળવીને વધુ અભ્યાસાર્થે વિલાયત ગયા હતા. પોતાના અભ્યાસ અને વ્યવસાય દરમ્યાન થયેલા અનેક કડવા અનુભવો,પોતાના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેના આદેશથી સમગ્ર ભારત ભ્રમણ અને દેશની દારુણ પરિસ્થિતિનો ખ્યાલ આવતા તેમને પોતાનું જીવન સાદગીસભર બનાવી દેવાનો મંત્ર ધારણ કરી મૃત્યુપર્યંત એ જ સાદું જીવન ઉચ્ચ વિચાર એ માર્ગ પર જ ચાલતા રહ્યા.
શિક્ષણક્ષેત્રે વાત કરીએ તો પૂજ્ય બાપુએ દેશની સૌથી મોટી ભેટ આઝાદી પૂર્વ બુનિયાદી શિક્ષણની આપી હતી. જેમાં પૂજ્ય બાપુએ નાગરિકતાની કેળવણી, માતૃભાષા દ્વારા શિક્ષણ, સ્વાવલંબન શિક્ષણ ઉપર વિશેષ ભાર આપ્યો હતો. પૂજ્ય બાપુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સમન્વય તેમની વિચારધારા માં જોવા મળે છે. પૂજ્ય બાપુ સમાનતા અને સ્વતંત્રતાના આગ્રહી હતા. પૂજ્ય બાપુ જ્યારે તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રના સાનિધ્યમાં જોડાય છે ત્યારે તેમનામાં અહિંસા, પરોપકારી વૃતિના બીજ આરોપી થાય છે. પૂજ્ય બાપુને નરસિંહ મહેતાનું પ્રિય રચના 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ; જે પીડ પરાઈ જાણે રે.' આ ભજનના બાપુએ એક એ
ક લક્ષણો પોતાના જીવન સાથે જોડી અને આદર્શ માનવ તરીકેનું જીવન કેવી રીતે જીવી શકાય તેમણે પ્રસ્થાપિત કરી બતાવ્યું હતું.
પૂજ્ય બાપુએ દેશને આઝાદી અપાવવામાં, દેશના અનેક રચનાત્મક કાર્યોમાં, દેશ માટે શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહોમાં તેમનું અમૂલ્ય યોગદાન રહેલું છે. મહાત્મા ગાંધી વિશે જેટલું લખીએ એટલું ઓછું છે. પૂજ્ય બાપુએ દેશસેવા માટે પોતાનું આપેલું બલિદાનયુવા પેઢી માટે પ્રેરણાસ્રોત બની રહ્યું છે. હિન્દુ સ્વરાજ, આરોગ્યની ચાવી, સત્યના પ્રયોગો જેવા અનેક પુસ્તકો દ્વારા પૂજ્ય બાપુએ સાહિત્ય પ્રત્યેનો પોતાનો પ્રેમ રજૂ કરે છે. સાથે સાથે પૂજ્ય બાપુએ કેળવણી માટેનું કરેલું કાર્ય કે પછી દાંડીયાત્રા હોય કે પછી ખેડૂતો વિરુદ્ધ અંગ્રેજ સરકારે લીધેલા આકરા પગલાં સામે તેમના સત્યાગ્રહો હોય દરેક બાબતમાં પૂજ્ય બાપુ અહિંસાના માર્ગે ચાલી અને દેશને સફળતા અપાવી છે.
આજે જ્યારે દેશમાં 'સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત'નું અભિયાન ચલાવી રહ્યું છે. જેના મૂળમાં વર્ષો પહેલા પૂજ્ય બાપુએ શ્રમ આધારિત કાર્યને વેગ આપવા કરેલા અથાગ પ્રયત્નો કર્યા હતા. પૂજ્ય બાપુ સ્વયં પણ સફાઈ કાર્યમાં જોડાઈ શ્રમ પ્રત્યેની સૂગ ન રાખવી જોઈએ તે ચરિતાર્થ કરી બતાવ્યું છે. આમ સાહિત્ય, આધ્યાત્મિક પ્રવૃત્તિ, સત્યાગ્રહ જેવી અનેકવિધ બાબતોમાં જોઈએ તો પૂજ્ય બાપુ નું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આજના આ વિશ્વ અહિંસા દિવસ નિમિત્તે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ શબ્દાંજલી અર્પણ કરતા હું ભાવવિભોર બની એટલું જ કહીશ.
"દેશને મળ્યા હતા એક સંત ગાંધી;
હવે તો સ્વચ્છતામાં લાવો આંધી."