શિક્ષક દિન
શિક્ષક દિન
ભારતમાં દર વર્ષે ૫મી સપ્ટેમ્બરના રોજ શાળા, મહાશાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિના દિવસે શિક્ષક દિનનું આયોજન કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવાનો દિવસ એટલે શિક્ષક દિવસ. સમાજ રચના માટે તેમજ સમાજના ઉત્તમ નાગરિકોના ઘડતરમાં શિક્ષકનું અમૂલ્ય યોગદાન રહેલું છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ એક ઉમદા દાર્શનિક, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, શિક્ષણવિદ એમ જુદા જુદા ક્ષેત્રમાં પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. તેઓ ઉત્તમ વક્તા તેમ જ વૈજ્ઞાનિક હિન્દુ વિચારક પણ હતા. રાધાકૃષ્ણને તેમના જીવનના 40 વર્ષ એક શિક્ષક તરીકે વિતાવ્યા.
એકવીસમી સદીમાં બાળકો જ્ઞાન અને વિજ્ઞાન સાથે જોડાય આદર્શ સમાજ નિર્માણમાં મહત્વનો ભાગ લઈ ઉત્તમ નાગરિકો બને તેમજ કેળવણીના સાચા પાઠો શીખે તે માટે શિક્ષકનું ઉત્તરદાયિત્વ સવિશેષ નિર્ણાયક બની જાય છે. ચાણક્યએ પણ કહ્યું છે કે, "શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ." તો ડૉ. ડી. એસ. કોઠારીએ કહ્યું છે કે ,"ભારતનુ
ં ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે."
વિદ્યાર્થીઓમાં શારીરિક, સામાજિક, માનસિક, સાંસ્કૃતિક એમ સર્વાંગી વિકાસમાં શિક્ષકનું અનેરું યોગદાન હોય છે. બાળકના સામાજિકરણમાં કુટુંબ, મિત્રવર્તુળ, શાળા, શિક્ષકો અને સમૂહ માધ્યમોનું એકીકરણ હોય છે. શિક્ષક પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઈએ. એટલું જ નહીં પણ પ્રવર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા બદલાઈ રહી છે. માત્ર કથન અને લેખન સિવાય અર્થાત્ શિક્ષકે માત્ર ભાષણ સ્વરૂપે માહિતી જ આપવાની નથી, પરંતુ વિદ્યાર્થીઓને સમૃદ્ધ અને અસાધારણ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાના છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક અને આરોગ્ય વિષયક સ્વાસ્થયની જવાબદારી શિક્ષકની છે ત્યારે શિક્ષકે વિદ્યાર્થીના ગાઈડ (માર્ગદર્શક), ફ્રેન્ડ (મિત્ર) ને ફિલોસોફર(તત્વજ્ઞાની) તરીકેની ભૂમિકા અદા કરતો હોવો જોઈએ. આજના આવા પવિત્ર દિવસે શાળામાં ભૂલકાઓ પોતે સ્વયં શિક્ષક બની ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને સાચા અર્થમાં અંજલિ પાઠવે છે.