અનુભવજન્ય પરિસ્થિતિ ..
અનુભવજન્ય પરિસ્થિતિ ..


અમારી શાળામાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસના અનુસંધાનમાં સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાંઆવી. અગાઉથી જ વિદ્યાર્થીઓમાં આ દિવસને લઈને થનગનાટ અને ઉત્સાહ હતો. બાળકો શાળાના સમય કરતા વહેલા આવ્યાં. અગાઉથી મળેલા પોતાના સમયપત્રક પ્રમાણે પૂર્વ તૈયારી સાથે એક નક્કી કરેલ લક્ષ્ય પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા શક્તિ, પોતાના નક્કી કરેલા એક દિવસના શિક્ષકખંડમાં બેસવા સાથી મિત્રો સાથે ગોઠવાઈ જવાનું વ્યવસ્થાપન જોવા જેવું.
આ સિવાય આચાર્યશ્રી દ્વારા બનાવવામાં આવેલા સમયપત્રક પ્રમાણે પોતાના વિષયને અનુરૂપ શિક્ષણ કાર્ય કરવા માટે સજ્જ બની વર્ગખંડમાં જવાની તાલાવેલી, પોતે જે વર્ગખંડમાં બેસી ભણતાં હોય એ જ વર્ગખંડમાં કે સાથી મિત્રોના વર્ગખંડમાં જ્યારે શિક્ષણ કાર્ય કરાવવાનું હોય ત્યારે જે અનુભવજન્ય પરિસ્થિતિનું નિર્માણ થાય એ જ પ્રત્યક્ષ અનુભવ. થોડી ગભરાટ, થોડી ચિંતા, થોડોક સહકાર, આ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ અને 35 થી 40 મિનિટનો તાસ પૂર્ણ થાય ત્યારે હસતાં હસતાં સાથી મિત્રોને પૂછવાનું કે કેવો રહ્યો મારો તાસ ? અને સાથી મિત્ર દ્વારા કહેવામાં આવે કે ખુબ જ સરસ..! ત્યારે બાલ શિક્ષકોની અનુભૂતિ અકલ્પનીય હોય છે.
આવી અનુભૂતિ બાળકોને એક દિવસ માટે શાળા કક્ષાએ જે અનુભવ પ્રાપ્ત થાય તે છે સ્વયં શિક્ષક દિવસ.. શાળાના પહેલા તાસથી લઈ છેલ્લે તાસ સુધીનું શિક્ષણ કાર્ય પૂર્ણ થયા પછી સભાખંડમાં જે અનુભવ મળે એમાં ક્યાંક કચવાટ, ક્યાં હાસ્ય, કયાંક ડર આવા ભાવ વચ્ચે બાળક એક લક્ષ્ય સાથે આગળ વધે એનું નામ જ સ્વયં શિક્ષક દિવસ અને અંતમાં કોનું શ્રેષ્ઠકાર્ય ? કોનું મૂલ્યાંકન શ્રેષ્ઠ આવ્યું ? આ બધા માટે આતુરતાથી રાહ જોવાય છે અને પોતાના સાથી માંથી કોઈ પ્રથમ નંબર આવે ત્યારે હર્ષ સાથે તાલીના ગડગડાટથી વધાવી લેવું એને કહેવાય સ્વયં શિક્ષક દિવસ..