યુવાન
યુવાન


યુવાન એટલે શું ?
મારી દ્રષ્ટિએ યુવાન એટલે ત્રણ અક્ષરોનો બનેલો સમૂહ..
યુ :- એટલે યુગપુરુષ.
વા:- એટલે વાણીમાં સંયમ રાખનારો.
ન:- એટલે નકારાત્મકતાનો ત્યાગ કરનારો.
કવિ ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓને યાદ કરતા ટાંકી શકાય કે, "ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;
અણ દીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ."
તો યુવા કવિ વીર નર્મદને કેમ ભૂલી શકાય..?
" સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે."
અર્થાત જે સાહસ કરી શકે, જે નવું સર્જન કરી શકે, જેના લક્ષ્ય ખૂબ જ ઊંચા હોય, જે નેતૃત્વના ગુણોથી સભર હોય તે છે યુવાન.. જેનામાં ઘોડા જેવી થનગનાટ હોય, આકાશમાં ઊડવા માટે ભરપૂર આત્મવિશ્વાસ રૂપી પાંખો હોય અને પોતાની જવાબદારી અને કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન હોય કર્તવ્યનિષ્ઠ હોય તે છે યુવાન..! તળપદી બોલીમાં કહેવું હોય તો કહી શકાય કે પાતળમાં પણ પાટુ મારી પાણી કાઢે તે છે યુવાન.
સમગ્ર વિશ્વમાં ૨૦૦થી વધારે દેશોમાં સૌથી વધુ યુવાધન ભારત પાસે છે એટલે તેમનું આયુષ્ય ૧૫ વર્ષથી શરૂ કરી ૩૫ વર્ષ સુધી છે તે છે યુવાન. ત્યારે સ્વાભાવિક રીતે જ આપણું રાષ્ટ્ર યુવાનો પાસે આશ લગાવીને બેઠું હોય.
જે દેશમાં યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી, દયાનંદ સરસ્વતીજી, કવિ વીર નર્મદ હોય તે દેશનો યુવાધન પોતાના લક્ષ્યથી કેવી રીતે વિચલિત થઈ શકે ? યોગ્ય દિશાનો અભાવ, અનિશ્ચિત લક્ષ્ય, ભાવિ આયોજનો અભાવ, યુવાન પક્ષે કંઈક નક્કી જ નહીં.. આજના યુવાનોની સમસ્યા નિવારી શકાય તેવી છે એક વિચારક તરીકે મારી દ્રષ્ટિએ ભારત દેશનો યુવાન કેવો હોવો જોઈએ ..? તો હું ચોક્કસપણે કહીશ તે વિદ્યાભ્યાસુ, તંદુરસ્ત, આત્મનિર્ભર, સદાચારી, પરોપકારી સાદું જીવન અને ઉચ્ચ વિચાર આધારિત જીવનશૈલી, સંસ્કૃતિનો સંરક્ષક, પ્રકૃતિનો સંવર્ધક, માનવ મૂલ્યોનો હિમાયતી,આચાર્ય દેવો ભવ:, અને વસુધૈવ કુટુમ્બકમની સંસ્કૃતિનો વિચારક.
પરંતુ આ શું દેશનો યુવાન કયા માર્ગે..?નકારાત્મકતા, વ્યસન ભોગી, સમયનો દુરુપયોગ, ટેકનોલોજીનો દુરુપયોગ, પૈસાનો બગાડ, આત્મવિશ્વાસનો અભાવ, નશીલા પદાર્થ અને કેફી દ્રવ્યોને અમીરી ની ઓળખ માની ચૂકેલા આજના યુવાનો પોતાના આરોગ્ય અને પોતાની આર્થિક સ્થિતિ ખરાબ કરી રહ્યા છે. આજનો યુવાન વ્યસનની બદીમાં સપડાય ને આર્થિક રીતે અશક્ત, ગભરુ, નકારાત્મક વિચારો પર નિર્ભર બની રહ્યો છે. આધુનિકતામાં અંધ બની પોતાની દિશાથી વિચલિત થઈ રહ્યો છે. તો બીજી બાજુ કેટલાક યુવાનો ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ, ભારતીય સંસ્કૃતિના વિચારો પ્રમાણે જીવનશૈલી અપનાવો હોય , તેમજ માનવતાના મૂલ્યોની જાળવણી કરતો, અહિંસા પરમો ધર્મ.! ના વિચારને અપનાવતો યુવાન આપણા સમાજમાં પણ દ્રશ્યમાન થતા હોય છે તે પણ એક સારી બાબત છે.