બુડાપેસ્ટ
બુડાપેસ્ટ
"હવે તો આ કરોડો દેવદેવીઓથી હું કંટાળી ગઈ છું. વિચાર કરું છું કે એક જ ભગવાનને અનુસરું પણ કરી શકીશ કે નહીં તે મને નથી ખબર."
બુડાપેસ્ટની ફ્લાઈટમાં ચેક ઈન કરતી અચલા તેની બહેનપણી જ્યોતિને કહી રહી હતી. વળતો ઉત્તર આપતા જ્યોતિએ કહ્યું, "તારી વાત સાચી છે, હું પણ આવું જ કંઈક વિચારતી હતી. ચાલ આપણે બુડાપેસ્ટમાં આરામથી ફરીશું. બૌદ્ધ ગુફાઓમાં અને મંદિરોની મુલાકાત લેતાં લેતાં કંઈક સૂઝી આવશે."
હંગેરીના એક સુંદર શહેરની ધરતી પર એરોપ્લેન લેન્ડ થતું હતું ત્યારે જ અચલાની નજર એક બુદ્ધની જબરદસ્ત પ્રતિમા પર પડી અને ખુશીથી ઝૂમી ઊઠી. જ્યોતિએ તેને બેસાડી દીધી અને કહ્યું, "યાર, જરા શાંતિથી બેસ ને ! પ્લેનને લેન્ડ તો થવા દે."
નવી ધરતીને જોઈને અચલાનો આનંદ અત્યંત ઉભરાતો હતો. શું કરું અને શું ન કરું ? બસ, જાણે તેને તેનું સપનું પૂરું થતું લાગ્યું.
જરૂરી કાર્યવાહી પૂરી કરીને અચલા અને જ્યોતિ હોટેલ પર આવ્યાં. બે કલાક આરામ કરીને જોયું તો સાંજના છ થવા આવ્યા હતા. અચલાએ જ્યોતિને ઢંઢોળીને કહ્યું, "ચાલ, જ્યોતિ આરતીનો સમય થઈ રહ્યો છે. આવીને જમીશું ?"
પરાણે ઊઠતાં જ્યોતિ બોલી, "આપણે પંદર દિવસ તો અહીં જ છીએ. શાંતિ રાખ જરા."
અચલાએ તો જાણે કંઈ સાંભળ્યું જ ન હોય તેમ વાળ સરખા કરીને નીચે જતી રહી. પાંચ મિનિટમાં જ્યોતિએ પડખું ફરીને જોયું એક ચીઠ્ઠી જોઈ. અચલાએ લખ્યું હતું, "વીસ મિનિટથી વધારે રાહ નહીં જોઉં. સાડા છની ટેક્સી બુક કરી છે. જલદી નીચે આવી જા."
દસ જ મિનિટમાં તે નીચે પહોંચી ગઈ. જોયું તો અચલા કોઈ વૃદ્ધ પુરુષ સાથે વાત કરી રહી હતી. તે તેની બાજુમાં જઈને તેની વાતો સાંભળવા લાગી.
વાતોમાં તલ્લીન અચલાને કંઈ જ ખબર ન હતી પણ સામેના પુરુષે જ્યોતિ સામે નજર કરતાં કરતાં કહ્યું, "તમે જ જ્યોતિ છો ને ?" હકારમાં જવાબ આપીને અચલાની સામે અસમંજસમાં જોયું.
અચલાએ જ્યોતિનો હાથ કચકચાવીને પકડ્યો અને બહાર નીકળ્યાં. જ્યોતિને અત્યારે ખુલાસો કરવાનું યોગ્ય ન લાગ્યું. પાંચેક મિનિટમાં ટેક્સી આવી ગઈ અને મંદિર તરફ રવાના થયાં. પેલા વૃદ્ધ પુરુષની વાત સાંભળીને અચલા જાણે વિચલિત થઈ ગઈ હતી. બુદ્ધ ભગવાનની જેમ શાંત મુદ્રામાં જ બેઠેલી જોઈને જ્યોતિને મનમાં હસવું આવ્યું.
મંદિરે પહોંચ્યા ત્યારે આરતી શરૂ થવાની તૈયારીમાં જ હતી. પંદરેક
મિનિટ આરતી ચાલી. અચલા અને જ્યોતિ ભાવવાહી દ્રષ્ટિએ ભગવાન બુદ્ધને નિહાળી રહ્યાં.એકાદ કલાક મંદિરનાં પરિસરમાં ફરી અને બહાર નીકળ્યાં ત્યારે હંગેરીનું આ શહેર રાત્રિપ્રકાશમાં ઝગમગી રહ્યું હતું. મોટેભાગે બહારનું જ ખાવા ટેવાયેલી અચલાએ આજે જીરા વાળા ભાત અને રાયતાથી ચલાવી લીધું. તેમાં તેને આનંદ પણ આવ્યો. પાંચ દિવસ સુધી અતિશય દોડધામને કારણે અચલા થાકી ગઈ હતી. હોટલ પર જ આરામ કરવો એમ વિચારીને બંને આડાં પડ્યાં.
આ પાંચ દિવસોમાં અચલાને એટલી તો ખબર પડી ગઈ કે બૌદ્ધધર્મ હિંદુ ધર્મમાંથી જ ઉતરી આવ્યો છે.
બુદ્ધ ભગવાને દસ પાપોથી દૂર રહેવા સૂચન કર્યું છે. ખૂન, ચોરી અને વ્યભિચાર એ શારીરિક પાપ છે. અસત્ય, નિંદા, ગાળ અને બકવાસ, આ ચાર વાણીના પાપ છે. બીજાની ચીજ વસ્તુઓ નાશ કરવાની ઈચ્છા, સત્ય, અહિંસા, દયા અને દાન વગેરેમાં અશ્રદ્ધા આ ત્રણ માનસિક પાપ છે અને માણસે જો સાધનામાં આગળ વધવું હોય તો આ દસેય પાપોથી મુક્ત રહેવું એમ જણાવ્યું છે. અનેક સંપ્રદાયોમાં વહેંચાઈ ચૂકેલ, અધિકારવાદ, કર્મકાંડ, યજ્ઞ, હિંસા, વેદાન્તની શુષ્ક ચર્ચાઓમાં હિંદુ ધર્મ જકડાઈ ચૂક્યો હતો, રામાયણ અને મહાભારતની ગાથાઓમાં તે વણાઈ ચૂક્યો હતો. તે સમયે ગૌતમ બુદ્ધનો જન્મ થયો. અચલાને આ બધી ખબર હતી એટલે પ્રવર્તમાન સમયમાં એકવીસમી સદીમાં પણ કહેવાતા હિંદુધર્મે જાણે માજા મૂકી હતી.
બે દિવસના મનોમંથન પછી અચલાને સમજાઈ ગયું કે હિંદુ ધર્મ છે તો સારો જ પણ ગૌતમ બુદ્ધના કહેવા પ્રમાણે, "માણસે પોતે નક્કી કરવાનું છે કે તેને ક્યો ધર્મ પાળવો છે ?"
જગતના બાર મુખ્ય ધર્મોમાં મૂળભૂત સિદ્ધાંતો એકસરખા જ છે પરંતુ આપણે એનો અમલ પ્રવર્તમાન સમયમાં કેવી રીતે કરીએ છીએ એ એક સમજવા જેવી બાબત છે. બૌદ્ધ ધર્મના પ્રણેતા ગૌતમ બુદ્ધના વિચારોનો સમન્વય આજના સમયમાં જો યોગ્ય રીતે થાય તો પૃથ્વી પર સ્વર્ગ ઉતરે એમાં બે મત નથી. અંતે અચલાએ ભગવાન શ્રી ગૌતમ બુદ્ધના વિચારોને સમજીને નક્કી કર્યું કે અન્ય ધર્મ અપનાવવાની જરૂર નથી પણ પોતાના જીવનમાં ફેરફાર કરી શકે તો જ એનું જીવન સાર્થક છે. અચલાની આંખો ખૂલી ત્યારે તે અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂકી હતી. બુડાપેસ્ટમાં મળેલ વૃદ્ધ પુરુષની વાતોને વારંવાર વાગોળતાં અચલાને એમ લાગ્યું કે તે જાણે સાક્ષાત્ બુદ્ધ ભગવાન સાથે જ વાત કરી રહી હતી.