પતંગિયાનું ઘર
પતંગિયાનું ઘર
એક આથમતી સાંજે પંખીઓ તેમના માળા ભણી જઈ રહ્યાં હતાં ત્યારે પાંચ વર્ષનો આરવ એક પતંગિયાને કુતૂહલપૂર્વક જોઈ રહ્યો હતો. તેની મમ્મી આરતીબહેન ખૂશ્બુદાર રસોઈ બનાવી રહ્યાં હતાં. સોસાયટીના બાંકડે બેસીને આરવને આ પતંગિયાની રમત જોવી ખૂબ જ ગમતી હતી. હવે તો અંધારું થવા લાગ્યું પણ તેને તો જરાયે બીક લાગતી ન હતી. કારણકે મમ્મીએ શીખવ્યું હતું કે જ્યારે બીક લાગે ત્યારે રામનામ લેવું.
છેલ્લે જ્યારે પતંગિયું એક ફૂલમાં બંધ થઈ ગયું ત્યારે આરવને વિચાર આવ્યો કે, "આ જ શું પતંગિયાનું ઘર હશે !" એમ વિચારતો વિચારતો તે ઘર ભણી ચાલ્યો. ઘરમાં પ્રવેશતાં વેંત જ મમ્મીને પ્રશ્ન કર્યો.
"હેં મમ્મી, આ પતંગિયાનું ઘર ક્યાં હોય ?"
આ સાંભળીને આરતીબેન તો ખૂબ જ આનંદમાં આવી ગયા કારણકે તેમણે પતંગિયાઓની જાતિ-પ્રજાતિ માટે પી.એચ.ડીનો નિબંધ લખ્યો હતો. તેમણે આરવને તેડી જ લીધો અને કહ્યું, "દીકરા, હું તને બધું જ સમજાવીશ. પહેલા તું આરામથી જમી લે." આરવે ફટાફટ જમવાનું શરૂ કર્યું પણ વચ્ચે આરતીબહેને તેને કહ્યું કે, "બેટા, આરામથી જમજે હો." આરવે મમ્મીની સૂચનાનો અમલ કર્યો.
આરવ જમી રહ્યો ત્યાં તો પપ્પા અતુલભાઈ કામેથી આવી પહોંચ્યા. જમવાનું ટેબલ પર તૈયાર જોઈને એ તો હાથ ધોઈને જમવા જ બેસી ગયા. જમતાં જમતાં આર
તીબહેને આરવના પ્રશ્નની વાત કરી. અતુલભાઈ તો આશ્ચર્યમાં પડી ગયા અને કહે કે, "હવે તું જ એને સારી રીતે સમજાવી શકીશ."
જમી પરવારીને બેઠકખંડમાં આરવ મમ્મી પપ્પાની રાહ જોતો હતો. તેની કુતૂહલતાનો હવે અંત આવી ગયો હતો તે આરતીબહેન જોઈ શકતાં હતાં. વધુ સમય ના બગાડતાં બંને આરવની સામે બેસી ગયા અને આરતીબહેને સમજાવવાનું ચાલુ કર્યું.
"જો બેટા, સામાન્ય રીતે આ પતંગિયાએ ઉષ્ણકટિબંધીય જંગલો અને નીચાણવાળા જંગલો જેવા સ્થળોમાં રહેવાનું પસંદ કરેછે એટલે કે તે લોકોનું ઘર ત્યાં હોય છે. પરંતુ પતંગિયાઓ તો બધે જ જોવા મળે છે. મોટેભાગે વિપુલ પ્રમાણમાં વનસ્પતિ ધરાવતા બાગ બગીચાઓમાં રહેવાનું પસંદ કરે છે."
આટલું કહેતા આરતીબેન અટક્યાં અને જોયું કે આરવને હવે નીંદર આવવા લાગી છે એટલે વધુ વાત કરવાનું યોગ્ય ન માનતા અતુલભાઈ એ પલંગમાં સૂવડાવી દીધો. આરવે તો સપનામાં રંગબેરંગી પતંગિયાઓ જોયાં. સવારે ઊઠ્યો ત્યારે તેની બારી પર એક જાંબલી રંગનું પતંગિયું બેઠું હતું. તે જોઈને તે ખૂબ ખુશ થઈ ગયો. અને મમ્મીને કહેવા લાગ્યો.
"મમ્મી જુઓ. આજે પેલું પતંગિયું મારી બારી પર બેઠું છે."
તે દિવસે રવિવાર હોવાથી નાસ્તો કરીને આરવ ફરી બગીચામાં ચાલ્યો ગયો અને તે દિવસ તેણે ખૂબ જ આનંદમાં વિતાવ્યો.