પુનર્મિલન
પુનર્મિલન
વેકેશન પડ્યું નથી ને લોકો પ્રવાસનું બુકિંગ કરાવવા મંડી પડે. બસ આ વખતે તો કુલુ મનાલી જ જવું છે. આભા એકલી જ હતી. એકની એક દીકરી આસ્થાને દર વર્ષે ક્યાંક લઈ જ જવી પડતી. જો ન જઈ શકાયું તો પંદર વર્ષની આસ્થા હક્કથી રિસાઈ જતી. વળી બે વર્ષથી કોરોનાને કારણે ક્યાંય જઈ શક્યા ન હતાં. તેથી આ વખતે આસ્થાને કુલુ મનાલી જ જવું હતું. વડોદરાની કારમી ગરમીથી ટાળી જઈને તેણે આ નિર્ણય લીધો હતો.
આસ્થા જોરશોરથી તૈયારી ઓ કરી રહી હતી. ગરમી અને ઠંડીના વસ્ત્રો, રેઇનકોટ, બુટ, વગેરે પાછળ પાણીની જેમ પૈસા વેરી રહી હતી. હજી કુલુ મનાલીમાં ખરીદી કરશે એ તો જુદી. આભા વિચારતી હતી કે "આમ ને આમ પૈસા વેડફશે તો કેમ ચાલશે !"
તેનાં વિચારવમળમાં નાનો પથ્થર ફેંકીને આસ્થા બોલી, "મમ્મી બસ હવે હું થાકી ગઈ હવે કંઈ જ લેવું નથી અને જલ્દી કુલુ પહોચવું છે."
પ્રવાસનો સમય નજીક આવી ગયો. બિસ્તરા પોટલાં તો લેવાના ન હતાં છતાં થોડો નાસ્તો, અથાણું, પીવાનું પાણી વગેરે સૂટકેસમાં જ આભાએ ભરી લીધાં હતાં. આસ્થાને આ બધી બાબતમાં ભારે ચીડ હતી. પણ મમ્મીને તે અપસેટ કરવા માંગતી ન હતી. ફ્લેટ બરાબર લોક કરી બંને રેલ્વેસ્ટેશન ભણી રવાના થયા. ટ્રેઈન સમયસર હોવાથી આસ્થાએ હાશકારો અનુભવ્યો.
બંનેએ પોતાની સીટ લઈને આરામથી સામાન ગોઠવી દીધો. આભા મુસાફરોને આવતાં-જતાં જોઈ રહી હતી. દિલને કોઈ ખૂણે હજી અલકેશને તેણે છૂપાવી રાખ્યો હતો. નાની એવી વાતમાં અણબનાવ થતાં અલકેશ ઘર છોડીને સાત વર્ષ પહેલાં ચાલ્યો ગયો હતો. ઘણી તપાસ છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. ટ્રેઈનની ગતિ સાથે આભાના મને પણ ઝડપથી ગતિ પકડી. ત્રીજે દિવસે વહેલી સવારે ટ્રેઈનની ગતિ મંદ પડી ત્યારે આસ્થાએ કહ્યું, "મમ્મી ! હાશ, હવે કંઇક ઠંડક લાગે છે."
ટ્રેઈન કુલુ સ્ટેશને ઊભી રહી. સુંદર નયનરમ્ય દૃશ્યો જોઈને આસ્થા પુલકિત થઈ ઉઠી ! બે દિવસો આમતેમ હરવા ફરવામાં આસ્થાએ કાઢી નાખ્યાં. આભા મોટેભાગે વિલામાં જ રહેતી. ત્રીજે દિવસે સવારે વાતાવરણમાં નજાકત આવી. ઝરમરિયો વરસાદ શરૂ થયો. આભાને વરસાદ અતિપ્રિય હતો. આસ્થાએ કહ્યું, "મમ્મી, આજે તો ચાલ તું પણ બહાર નીકળ અને તારા પ્રિય વરસાદને મન મૂકીને માણી લે."
જરાય આનાકાની કર્યા વગર બંને ચાલતાં જ નીકળી પડ્યાં. નયનરમ્ય પહાડોની વચ્ચે એક સ્ફટિક જેવા પથ્થર પર એક માણસ બેઠો હતો અને કશુંક લખી રહ્યો હતો. વરસાદે હવે જોર પકડ્યું હતું. આભાને તે દૂરથી અલકેશ જેવો દેખાતો હતો. આસ્થા પણ ક્ષણનોયે વિચાર કર્યા વગર મમ્મીને તે તરફ ખેંચી જ ગઈ.
પેલા પુરૂષે અચાનક પાછળ જોયું, તો આભા અને આસ્થાને જોયાં. તે લગભગ તેમની તરફ દોડ્યો અને બંનેને ભેટી પડ્યો અને કહ્યું, "આભા! સાત વર્ષમાં હું તને ક્યારેય યાદ ન આવ્યો ?"
આભાએ શરમાતાં શરમાતાં જવાબ આપ્યો, "અલકેશ, તને શું લાગે છે ! યાદ તો એને કરવાના હોય જે પોતાના નથી, તું તો મારું દિલ છો."
ત્રણેય જણાં કંઈપણ બોલ્યાં વગર થોડીવાર એમ જ ઉભા રહ્યાં અને પ્રકૃતિ પણ જાણે રાજીનાં રેડ થઈ હોય તેમ વરસાદે બરફનું સ્વરૂપ પકડ્યું. આ હવામાનની આગાહી વગરની બરફવર્ષા જોઈ આસ્થા વધારે તાનમાં આવી અને કૂદવા જ લાગી. કારણકે આજે મમ્મી-પપ્પાનું પુનર્મિલન આ મનગમતાં પ્રવાસમાં થયું હતું.
આભાએ અલકેશને માત્ર એટલું જ કહ્યું, "આ વખતે વડોદરા જવાની બે નહીં પણ ત્રણ રીટર્ન ટિકિટ કરવી પડશે”.

