સરપ્રાઈઝ
સરપ્રાઈઝ
સરપ્રાઈઝ
"ભાભી, કેમ છો? હું દસ દિવસમાં જ તમારી પાસે આવી રહી છું." દિવ્યા તેની ભાભી સુનંદાને ફોનમાં જણાવી રહી હતી. સુનંદાના આનંદનો કોઈ પાર ન હતો. હવે તો નણંદબા આવે એટલે ખરીદી, ખાવું-પીવું અને ફિલ્મો જોઈને આનંદ જ આનંદ કરવો છે. સુનંદા સપનાં જોતી જોતી કામે વળગી.
સુનંદાને અચાનક ઊલ્ટીઓ થવા લાગી, માથું ફરવા લાગ્યું મનમાં ને મનમાં તે વિચારવા લાગી કે આ શું?
તેને અમંગળની શંકા આવી પરંતુ બીજી જ પળે તેણે કુશંકા ખંખેરીને હંમેશાની જેમ હકારાત્મક વલણ અપનાવી લીધું.
બીજા બે દિવસ બરાબર ગયા. ત્રીજે દિવસે સવારે ફરી એકદમ ઊલ્ટીઓ શરૂ થઈ ગઈ. જે કેમેય કરીને બંધ જ ન થાય! ત્રણવાર ઊલ્ટી કર્યા પછી મોંમાંથી પાણી જ નીકળવા લાગ્યું.
સુનંદાને લાગ્યું કે હવે આજે તો ડોક્ટર પાસે જ જવું પડશે. ગર્ભ તો રહેવાનો જ ન હતો એટલે એ વિચાર તો આવ્યા ભેગો જ દૂર હડસેલી દીધો.
કોઈને કહ્યા વગર જ તે સવારે દસ વાગે શાક લેવાના બહાને ડોક્ટર પાસે પહોંચી ગઈ. ડોક્ટરને પણ નવાઈ લાગી. એમણે બધી જ તપાસ કરી. લોહીની તપાસ અને અન્ય જરૂરી તપાસ પણ કરી.
ડોક્ટરના જણાવ્યા મુજબ સાંજે છ વાગે સુનંદાએ તેમને ફોન કર્યો. ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને તેના હોશકોશ ઊડી ગયા. ત્રણ દિવસ માટે તેને હોસ્પિટલમાં રહેવું પડશે અને અમુક બીજી તપાસ કરવી પડશે.
દિવ્યાને આવવાને બહુ વાર ન હતી અને તૈયારીઓ પણ ઘણી કરવાની હતી. વિચારોને દૂર હડસેલી સુનંદાએ ઘરમાં વાત કરી. દિવ્યા આવવાની છે એ માત્ર સુનંદાને જ જાણ હતી. કુટુંબમાં રહીને સરપ્રાઈઝ જાળવવી અઘરી તો હતી પણ હિંમત એક્ઠી કરીને તેણે સાસુમાને જણાવ્યું, "હું મારા મમ્મીને ઘરે બે ત્રણ દિવસ જઈ શકું?"
મીઠો છણકો કરતા સાસુજી બોલ્યાં, "હા બેટા, જઈ આવો. તેમને પણ સારું લાગશે. મારી દિવ્યા તો ખબર નહીં ક્યારે દેશમાં આવશે?"
મૂછમાં હસીને સુનંદા બેગ પેક કરવા લાગી. બે જોડી જ તો નાખવાના હતા. વળી, પિયર પણ ગામમાં જ હતું. સાસુજીને પગે લાગીને સુનંદાએ પિયરની વાટ પકડી. ત્યાં પોતાના ભાભીને બધી હકીકત જણાવી. ભાભી પણ ચિંતામાં પડ્યાં પરંતુ ભાભી સુનંદાના ને! સુનંદાને કહ્યું, "નણંદ બા, ચિંતા ન કરો. બધું સમુંસૂતરું પાર પડી જશે."
ત્રણ દિવસની તપાસ અને રિપોર્ટ અંગેની ચર્ચા પરથી સાબિત થયું કે સુનંદા મા બની શકે તેમ છે અને આઠ અઠવાડિયાનો ગર્ભ પણ તેનાં ગર્ભાશયમાં આકાર લઈ રહ્યો છે.
સુનંદા માટે આ ખુશીના સમાચાર હતાં. બેગ પેક કરી ડિસ્ચાર્જ લઈને પિયરની વાટ પકડી.
ભાભીના કહ્યાં મુજબ બધું જ બરાબર હતું. તે જ રાત્રે નણંદબાને મીઠું મોઢું કરાવીને સુનંદાને સાસરે મૂકવા આવ્યાં. સુનંદાના સાસુ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોઈ રહ્યાં.
સુનંદાએ માંડીને વાત કહી. હજી દિવ્યાબહેનને આવવાની બે દિવસની વાર હતી પરંતુ ડોક્ટરની સૂચના મુજબ વજનવાળી વસ્તુઓ ઉપાડવાની મનાઈ હતી અને બહારનો ખોરાક ખાવાનું તદ્દન બંધ કરવાનું હતું.
મીઠી મૂંઝવણને અંતે તેણે મનમાં નક્કી કર્યું કે, એ સૂચનાનો તે પૂરો અમલ કરશે.
દિવ્યાનો આવવાનો દિવસ આવી પહોંચ્યો. સુનંદા એરપોર્ટ જવા નીકળી. નણંદબાને સારા સમાચાર આપવાનો ઉમંગ હૈયે મા'તો નહોતો. બહુ રાહ જોવી ન પડી.
અત્યાર સુધી જાળવી રાખેલી સરપ્રાઈઝથી નણંદ ભોજાઈ બંનેને આનંદ હતો. રસ્તામાં જ સુનંદાએ પોતાના ખુશખબર નણંદબાને આપી દીધાં. દિવ્યા ખૂબ જ ખુશ થઈ અને સુનંદાને ભેટી પડી.
"ભાભી હું પણ એક વાત કહેવા માંગુ છું પણ ઘરે જઈને બધાની હાજરીમાં" બંને આનંદથી વાતો કરતાં કરતાં ઘરે પહોંચી ગયાં. દરવાજામાં પ્રવેશ કરતાની સાથે જ સૌ સ્તબ્ધ બની ગયાં અને એક સાથે બોલી ઊઠયાં, "દિવ્યા, તું!"
"હા હું, સુનંદાભાભી મમ્મી બનવાના છે. હું ફૈબા બનવાની છું. આપણે સૌએ નવા આવનાર મહેમાનને આવકારવા તૈયાર રહેવાનું છે. હવે બીજી વાત. હું કાયમ માટે ભારતમાં આવી ગઈ છું. મારા પતિ અને બંને બાળકો બે મહિના પછી અહીં આવી જશે."
આ સરપ્રાઈઝથી તો સૌ આનંદમાં આવી ગયા. સુનંદા બોલી, "ત્યારે તો આ દિવાળી ખરેખર યાદગાર બની જવાની નણંદબા."
-સંગીતા દત્તાણી
