મા તે મા
મા તે મા
"મમ્મી, ઓ મમ્મી જલદી અહીં આવો, જુઓ જુઓ મીંદડીએ ચાર બચ્ચાંનો જન્મ આપ્યો છે."
આ સાંભળીને નંદિની તો બહાર ફળિયામાં જ દોડી ગઈ. પુત્રી આશકા કુતૂહલથી બિલાડીને જોઈ રહી હતી. પ્રસૂતાની પીડા ભોગવી રહેલી જાણે હજી એક બચ્ચાંને જન્મ આપશે એમ નંદિનીને લાગી રહ્યું હતું.
ઘડીનોયે વિચાર કર્યા વગર નંદિની તેની બાજુમાં જ બેસી ગઈ અને એક સૂયાણીની માફક બિલાડીને મદદ કરવા લાગી. થોડી મહેનત બાદ પાંચમા બચ્ચાંને જન્મ આપ્યો. બચ્ચું જરા નબળું દેખાતું હતું. નંદિની પરિસ્થિતિ સમજી ગઈ અને તરત જ રસોડા તરફ દોડી. વીસેક મિનિટમાં જ તે શીરો બનાવીને લાવી અને તેને ખાવા આપ્યો.
પાંચ બચ્ચાંને જન્મ આપ્યા પછી ભૂખી થયેલી બિલાડીએ બધો શીરો ચપચપ કરતા ખાઈ લીધો.
નંદિની પાંચેય બચ્ચાંને પ્રેમથી જોઈ રહી અને વારાફરતી બધાં પર હાથ પ્રસરાવતી રહી.
બરાબર બે મહિના પછી પાંચેય બચ્ચાં ધીરે ધીરે ઘરની બહાર રમવા જવા લાગ્યાં. બિલાડી પોતાનાં બચ્ચાંને તેની ભાષામાં તાલીમ આપવા લાગી.
એ
ક દિવસ એવું બન્યું કે બિલાડીની તબિયત જરા નરમ હતી. બચ્ચાં હવે થોડાં મોટા પણ થયા હતાં એટલે પોતપોતાની રીતે શેરીમાં ખોરાક શોધવા નીકળ્યાં. નંદિનીએ બિલાડીને દવા આપી સૂવડાવી દીધી હતી. આશકા તેના પ્રોજેક્ટમાં મસ્ત હતી અચાનક શું થયું કે કૂતરાના ભસવાનો અવાજ સંભળાયો. આશકા અને નંદિની બંને બહાર દોડ્યા. જોયું તો બંનેનું દિલ દ્રવી ઊઠ્યું.
એક કૂતરો બિલાડીના બચ્ચાંને મારવાની કોશિષ કરી રહ્યો હતો. મ્યાઉં, મ્યાઉં કરીને બીજાં બચ્ચાં તેને બચાવવાની કોશિષ કરી રહ્યાં હતાં. પણ તેઓ બિચારાં અસમર્થ હતાં એટલામાં એક કૂતરી ત્યાંથી પસાર થઈ. તેણે પણ આ જોયું અને પેલા કૂતરા પર મોટી છલાંગ લગાવી અને પેલું બચ્ચું તેના મોંમાંથી નીચે પડ્યું, પડ્યું એવું તરત જ દોડ્યું તેના ભાઈ બહેન પાસે.
ત્યારબાદ તો કૂતરા અને કૂતરી વચ્ચે જોરદાર લડાઈ થઈ. એકબીજાં લોહીથી ખરડાયાં પણ ખરાં. કૂતરીના હૈયામાં માતૃત્વનું ઝરણું ફૂટી નીકળ્યું તે જોઈ બધાં અવાચક થઈ તે કૂતરી સામે પ્રેમથી જોઈ રહ્યાં.