દુલારી
દુલારી
લઘુકથાઃ-દુલારી
"દુલારી, મને છાતીમાં બહુ જ દુખે છે. જલ્દી એમ્બ્યુલન્સ બોલાવ." દુલારી ધ્રુજી ઉઠી. "સુધીર, મને ક્યાં અંગ્રેજી બોલતા આવડે છે?" સુધીરે કોઈ જવાબ ન આપ્યો.
દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં હોટેલના એક રૂમમાં આ વાર્તાલાપ સાંભળી રહેલાં એક ગુજરાતી દંપતીએ એમ્બ્યુલન્સ બોલાવી જ લીધી. પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. સુધીરને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
નાઈરોબીથી આવેલ શાહ દંપતીની સહાયથી સુધીરને તાત્કાલિક સારવાર તો મળી ગઈ હતી. ઝડપથી બધાં રિપોર્ટ પણ આવી ગયા. હતપ્રભ બનેલી દુલારીને કંઈ સમજાતું ન હતું. તેને ઢંઢોળતા શ્રીમતી શાહે કહ્યું, "દુલારીબેન, ભગવાન પર ભરોસો રાખો. સુધીરભાઈનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તેઓના હૃદયની એક નળીમાં લોહી બરાબર ફરતું નથી. જો નળી સાફ કરવામાં નહીં આવે તો ફરી હૃદયરોગનો હુમલો આવી શકે તેમ છે."
દુલારીએ કોઈ જવાબ ન આપ્યો. ડોક્ટર એક ફોર્મ લઈને આવ્યા. “દુલારીબેન આ ફોર્મમાં સહી કરી આપો એટલે સુધીરભાઈનું ઓપરેશન કરી શકું." યંત્રવત્ તેણે ફોર્મમાં સહી કરી દીધી.
શ્રીમતી શાહે તેને આશ્વાસન આપતાં કહ્યું, "સુધીરભાઈને સારું થઈ જશે. ચિંતા ન કરો." અત્યાર સુધી આંખોમાં છુપાયેલાં અશ્રુ ટપ ટપ ટપ સરી પડ્યાં. જન્મથી માંડીને અત્યાર સુધીની પોતાની દરેક વાત દુલારીએ શ્રીમતી શાહને જણાવી દીધી.
શ્રીમતી શાહને તેની દરેક વાતમાં મનોવેદના છલકાતી લાગી. કોણ જાણે કેમ પણ શ્રીમતી શાહને પણ ક્યારેક એવું લાગતું કે આ વાત જાણે પોતાની જ છે.
અચાનક જ ઓપરેશન થિયેટરમાંથી ડોક્ટર અર્જુન બહાર આવ્યાં અને કહ્યું, "દુલારીબેન, સોરી અમે તમારા પતિને બચાવી શક્યા નથી. ઓપરેશનની તૈયારી કરી લીધી હતી પણ અચાનક જ બ્લડપ્રેશર નીચું જતાં તેઓએ પ્રાણ ત્યજી દીધા."
આ સાંભળીને દુલારીના પગ જમીન સાથે જાણે ખોડાઈ ગયાં. હતપ્રભ બનેલી દુલારીને જોતાં શ્રીમતી શાહે તેમને માથે હાથ ફેરવતા કહ્યું, "તમારે મન મક્કમ કરવું પડશે. અમે આવતીકાલે સવારે તો નાઈરોબી ચાલ્યાં જઈશું. તમારે સુધીરભાઈનાં શબને તમારે ઘરે લઈ જવું છે કે અહીં જ અંતિમ સંસ્કાર કરશો?"
શું બોલવું એની કંઈ સમજ જ નહતી પડતી. અચાનક દુલારીનો મોબાઈલ રણક્યો. દુલારીએ કશો જવાબ ન આપ્યો. ત્રણવાર એ રણક્યો. અંતે શ્રીમતી શાહે એનો જવાબ આપ્યો. સામે છેડેથી એનો દીકરો પારસ બોલી રહ્યો હતો. "મમ્મી, તમે ક્યારે આવો છો? હું તમારી અહીં એરપોર્ટ પર રાહ જોઉં છું. ફ્લાઈટ પણ આવી ગઈ છે, પણ ...."
મિસિસ શાહે ઉત્તરમાં કહ્યું, "બેટા, તારા પપ્પાનું અવસાન થયું છે! તારા મમ્મી તારી સાથે વાત કરી શકે તેમ નથી." પારસે કહ્યું, "આંટી, મારા મમ્મીને કહો કે હું ત્યાં આવું છું કેમ કે મમ્મીને અંગ્રેજી પણ બોલતાં આવડતું નથી."
શ્રીમતી શાહને લાગ્યું કે એક મનોવેદનામાં બીજી મનોવેદના ભળી રહી છે. "જી બેટા, તારા મમ્મીને કહી દઉં છું. અમે પણ કાલ સવારે નાઈરોબી જવા નીકળીએ છીએ."
પારસે દુલારી સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી પરંતુ અતીતમાં અટવાતી, હતપ્રભ બની ગયેલ દુલારીએ પણ પ્રાણ ત્યજી દીધા.
સંગીતા દત્તાણી


