ગાર્ગીનો ત્રિરંગો
ગાર્ગીનો ત્રિરંગો
"વંદે માતરમ્" "ભારતમાતાકી જય" "હિંદુસ્તાન હમારા હૈ".
મધ્યરાત્રિના લગભગ ૧.૪૫ નો સમય હતો. યુ.એસ.ના મેક્સિકો સીટીમાં રહેતી ગાર્ગી નીંદરમાં જ બબડી રહી હતી.
માતાપિતાને નવાઈ લાગી કે ગાર્ગીને આજે શું થયું છે ? અચાનક જ ગાર્ગીના મમ્મી ગીતાબહેનને યાદ આવ્યું કે કાલે સવારે ગાર્ગીની સ્કૂલમાં સ્વાતંત્ર્ય મહોત્સવ છે અને તેને એક સ્પીચ તૈયાર કરવાની હતી. કામના બોજ હેઠળ ગીતાબહેન સાવ ભૂલી ગયા હતા.
"હવે કેવી રીતે હું તૈયારી કરાવીશ ? માત્ર છ કલાક જ બાકી છે તેને સ્કૂલે જવા માટે !"
વધુ વિચાર્યા વગર તેઓ લેપટોપ લઈને જ બેસી ગયા અને વેબસાઈટ સર્ચ કરવા લાગ્યા. બરાબર કલાકને અંતે તેણે ગાર્ગી માટે સ્પીચ તૈયાર કરી નાખી.
આઠ વર્ષની ગાર્ગી ભરનીંદરમાં હજી પણ બબડાટ કરી રહી હતી. મેક્સિકોમાં જન્મેલી ગાર્ગીને આટલો બધો ભારત પ્રેમ ! હજી તેણે ભારતદેશ તો જોયો જ નથી.
વિચારોને મમળાવતાં મમળાવતાં ગીતાબહેન પણ નિંદ્રાદેવીની શરણે થયાં. સવારે સાડા પાંચે ઊઠનારા ગીતાબહેન આજે સાડા છ થવા આવ્યાં તો પણ ઊઠવાનું નામ લેતાં ન હતાં. એલાર્મ પણ વાગી ચૂક્યો હતો.
હવે ગીતાબહેનની ડ્યુટી તેમના સાસુજી જમનાબેને લઈ લીધી. ગાર્ગીને તૈયાર કરી. ગરમાગરમ નાસ્તો પીરસ્યો. નાસ્તામાં જમનાબેને આજે ત્રિરંગી ઢોકળા બનાવ્યાં હતાં. ચાની ચૂસ્કી મારતાં મારતાં એમણે ગાર્ગીને પૂછ્યું કે, "બેટા, સ્પીચની તૈયારી થઈ ગઈ છે ને ?"
ગાર્ગીએ કહ્યું,"હા દાદીમા, હું એક વાર બોલીને તમને સંભળાવું ?" જમનાબેન કહે, "હા બેટા, સંભળાવ."
ગાર્ગીએ ભારતદેશનાં રાષ્ટ્રીય ધ્વજ વિશે બોલવાનું નક્કી કર્યું હતું જે તેના ક્લાસટીચર મીસ મોહિનીબે
ને તૈયાર કરાવડાવ્યું હતું. ફક્ત પાંચ જ મિનિટમાં ગાર્ગીએ કડકડાટ રાષ્ટ્રધ્વજના ઈતિહાસની વાત તેની આગવી શૈલીમાં રજૂ કરી. છેલ્લું વાક્ય બોલતી હતી ત્યાં તો ગીતાબહેન આંખો ચોળતાં ચોળતાં હોલમાં આવ્યાં અને ગાર્ગીને કહે "ચાલ, હવે તૈયારી કરાવું."
જમનાબેને હસતાં હસતાં કહ્યું કે "કંઈ જરૂર નથી ગીતા, ગાર્ગીએ સરસ રજૂઆત કરી છે.તમે પણ તૈયાર થઈ જાવ અને ગાડીમાં જ તેને સાંભળી લેજો.”
ફટાફટ તૈયાર થઈ ગીતાબેન ગાર્ગીને લઈને ગાડીમાં બેસી ગયા. પપ્પાજીએ સ્ટિયરિંગ હાથમાં લીધું અને સ્કૂલ તરફ ગાડીએ સ્પીડ પકડી.
સ્વતંત્રતા સમારંભ શરૂ થયો એક પછી એક એન્ટ્રી આવતી ગઈ. વિદેશમાં રહીને પણ ભારત દેશ પ્રત્યેની લોકોની લાગણીને જોઈને ગીતાબહેનનું મન ખુશ થઈ ગયું.
હવે ગાર્ગીનો વારો આવ્યો. રાષ્ટ્રધ્વજના અનેરા ઈતિહાસની વાત શરૂ કરી.
‘બાવીસમી જુલાઈ ૧૯૪૭ એટલે કે બરાબર આઝાદી મળ્યા પહેલા મળેલ બંધારણ સભાની બેઠકમાં પિંગાલી વૈક્યયા દ્વારા તૈયાર કરવામાં આવેલ ધ્વજના આધારે રાષ્ટ્રધ્વજ પસંદ કરવામાં આવેલ !
ત્યાર પછી ગાર્ગીએ ફક્ત પાંચ જ મિનિટમાં અત્યારનો જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેનો ઈતિહાસ ટૂંકમાં કહી સંભળાવ્યો અને ધ્વજ પંદરમી ઓગસ્ટે ભારતના પહેલા વડાપ્રધાન ચાચા નહેરુએ ફરકાવ્યો હતો. એટલું કહી ગાર્ગીએ સ્પીચ પૂરી કરી.
તાળીઓના ગડગડાટથી સૌએ તેને વધાવી અને સૌએ ત્રિરંગાને સલામી આપી દેશભક્તિના ગીતો ગવાયા અને પતાસાં પણ વહેંચીને સૌનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું.
પતાસાં ખાતી ખાતી નાનકડી ગાર્ગી મમ્મી પૂછી રહી, "મમ્મી આ મને ઘરે બનાવી આપીશ ?"ગીતાબેને આંસુ છલકતી આંખે તેને કહ્યું "હા બેટા, જરૂર બનાવી આપીશ."