કારમો ઘા
કારમો ઘા
દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હતાં. સાફ-સફાઈ ચાલુ જ હતી. હવે ફક્ત આઠ દિવસ જ બાકી રહ્યા હતા. એમાં નાસ્તો પણ બનાવવાનો હતો. ચંદ્રિકા મનમાં ને મનમાં વિચારતી હતી કે આટલું બહોળું સંયુક્ત કુટુંબ અને કરવાવાળી પોતે એકલી. વળી આઠમો મહિનો જતો હતો કેમ કરીને હું પહોંચીશ ! બંને દેરાણીઓ તો કામે જતી રહે. બે નણંદો પણ ગામમાં જ હતી. ઘરનાં દરેકની ખાસિયતનો ખ્યાલ પણ કરવાનો "ચાલો હશે મારો વાલો છે ને ! એ જ મારી લાજ રાખશે."
ચંદ્રિકાના સાસુ હંમેશા ઘૂઘરાથી જ નાસ્તાની શરૂઆત કરતાં. મઠિયાં, ફરસીપૂરી, મોહનથાળ, ઘારી વગેરે આનંદથી સાસુજીની મદદથી બનાવી લીધાં.
આજે વાઘબારસનો થોડો આરામ થશે એમ માનીને ચંદ્રિકા જરા આડી પડી. અસહ્ય થાક વર્તાતો હતો પણ સાસુજીને કહી શકતી ન હતી. સાસુ મંગલાબેન પણ વહુની અઘરણીથી જ્ઞાત જ હતાં. એટલે ચા તેને આપી આવ્યા. અવારનવાર ચંદ્રિકાને મીઠી ટકોર પણ કરતાં અને ચંદ્રિકા તેનો પ્રેમથી અમલ પણ કરતી.
બીજે દિવસે ધનતેરસ હોવાથી સૌ વહેલા ઊઠીને પરંપરાગત ધનની પૂજા, લક્ષ્મીપૂજન વગેરે સારું ચોઘડિયું જોઈને કરવામાં આવ્યું. દેરાણીઓએ પણ અઠવાડિયાની રજા લીધી હોવાથી ચંદ્રિકાને સહાયરૂપ બનતાં. બંને દેરાણીને ઘરે એક એક દીકરા હતા.
ચંદ્રિકાને ઘણી બાધા - આખડીઓ રાખ્યાં પછી સારા દિવસો આવ્યાં હતાં અને ઘરનાં બધાં બનતો સાથ તેને આપતાં હતાં.
કાળી ચૌદસને દીવસે સવારથી જ નૈવેદ્ય માટેની સામગ્રીઓ તૈયાર કરવામાં આવી રહી હતી. બરાબર સાંજે સાત વાગે નૈવેદ્ય જારવાની તૈયારીમાં હતાં ત્યાં જ ચંદ્રિકાને અચાનક પેટમાં દુઃખાવો શરૂ થયો અને તેને હોસ્પિટલમાં જવું પડ્યું. સાથે તેમના પતિ પણ હતા.
હોસ્પિટલમાં જઈ બધી તપાસ કરી તો ડોક્ટરે એમ કહ્યું કે, "તાત્કાલિક ડિલીવરી કરાવવી પડશે અને જો તેમ નહીં કરીએ તો માતા અને બાળકને બંનેને જીવનું જોખમ છે
."
ચંદ્રિકાએ જ હકારમાં જવાબ આપ્યો. અને તૈયારીઓ શરૂ થઈ. ચંદ્રિકાના પતિ વૈભવે તરત જ ફોન કરીને ઘરે જણાવી દીધું. નિવેદની કાર્યવાહી તો પૂરી થઈ ચૂકી હતી અને બધાં જમવા પણ બેસી ગયા હતા. સમાચાર સાંભળીને બધાં ગભરાઈ ગયા. મંગલાબેન પ્રસાદ લઈને જ ઊભા થઈ ગયા અને તૈયાર થવા જતા રહ્યાં. બંને વહુઓને સૂચના આપતા ગયા કે જમી પરવારીને ચંદ્રિકા માટે પ્રાર્થના કરજો. મંગલાબેન પતિ મથુરભાઈ સાથે ગાડીમાં જ બેસી ગયાં.
હોસ્પિટલમાં પહોંચ્યાં. વૈભવને ત્યાં જ બહાર બેઠેલ જોઈને મંગળાબેન તેની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં.
"બા ઓપરેશન કરવું પડ્યું. ચંદ્રિકાને જરાય સારું નથી." ગળગળા અવાજે વૈભવ બોલ્યો.
"બેટા સૌ સારાવાના થશે. ચિંતા ન કર, ઉપરવાળો બેઠો છે. હજી સુધી મારી લાજ રાખી છે તો આજે પણ રાખશે."
બધાની નજર વારંવાર ઓપરેશન થિયેટરની ઝબકતી લાલ બત્તી પર જ હતી. ત્રણ કલાકની મહેનત બાદ સર્જન ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યાં અને સમાચાર આપ્યાં કે ચંદ્રિકાબેનને બચાવી લીધાં છે પણ તેના પુત્રને અમે બચાવી શક્યાં નથી. "જેવી ઈશ્વરની ઈચ્છા" કહીને મંગળાબેન પુત્રને આશ્વાસન દેવા લાગ્યા. ચંદ્રિકા આ કારમો ઘા કેમ કરીને ઝીલશે તે વિચારથી તેઓ જરા અસ્વસ્થ થઈ ગયાં પરંતુ પોતે ગમે તેમ કરીને તેને આશ્વાસન આપીને તેનું મનોબળ મજબૂત કરવા માટે આકાશ પાતાળ એક કરશે એમ વિચારીને ચંદ્રિકાના રૂમમાં ગયા.
ચંદ્રિકા હજી બેભાન અવસ્થામાં જ હતી બે કલાક પછી ભાન આવતા સાસુ, સસરાને સામે જોઈને વિચારમાં પડી.
બે દિવસ બાદ ડિસ્ચાર્જ લઈને ઘરે આવ્યાં, પરંતુ ચંદ્રિકાને પોતાની જિંદગી જીવવા જેવી લાગતી ન હતી. બધાં તેને સમજાવવા માટે પ્રયત્નો કરતાં પણ કેમેય કરીને કળ વળતી ન હતી. આ કારમો ઘા તે ઝીરવી શકે તેમ જ ન હતી. લાભપાંચમની સવારે તેણે નિદ્રાવસ્થામાં જ પ્રાણ ત્યજી દીધાં.