હેલીનો મોબાઈલ
હેલીનો મોબાઈલ
એકવીસમી સદીમાં પ્રવેશ કરનારી એક નમણી નારે સુંદર પુત્રીને જન્મ આપ્યો. એ નમણી નારનું નામ હતું સુનયના. લગ્નના દસ વર્ષ બાદ સુનયનાએ પુત્રીને જન્મ આપ્યો એટલે બંને કુટુંબના દરેક સભ્યો તેને જોવા માટે ઊંચાનીચા થતાં હતાં. પરંતુ સુનયનાએ સૌને કડક સૂચના આપી હતી. કોઈએ મોબાઈલફોન લઈને હોસ્પિટલમાં આવવાનું નથી. બધાં સુનયનાની વાત માની પણ ગયાં. સુનયનાના સરળ સ્વભાવને કારણે સૌને તે પ્રિય હતી.
સાસરું અને પિયર બંને એક જ ગામમાં. અરે, માત્ર એટલું જ નહીં, સોસાયટી પણ એક જ અને બિલ્ડિંગ પણ એક જ !પતિ સુદેશ સાથે નાનેથી મોટી થયેલી સુનયના નડિયાદમાં ઓપ્ટીશિયનની સેવા બજાવતી હતી. પંદર વર્ષથી નીચેના સંતાનોને લઈને માતા પિતા સુનયના પાસે આંખો ચેક કરાવવા આવે ત્યારે સુનયના ઉકળી ઉઠતી. સંતાનોના માતાપિતાને થોડો ઠપકો પણ આપતી અને બાળકોને સલાહ પણ આપતી કે મોબાઈલફોન બહુ ના વાપરવો જોઈએ, પરંતુ કોઈ માનતા, કોઈ ન પણ માનતા.
સૌ થોડીવારમાં હોસ્પિટલમાં ઢીંગલીને જોવા ઉમટ્યાં. વારાફરતી ઢીંગલીને રમાડતાં ગયા. સૌને ખૂબ આનંદ થયો પછી સુનયનાએ સુદેશને ઈશારો કર્યો કે હવે ઘર તરફ રવાના થાવ. બધાં તેની પાછળ પાછળ ચાલવા લાગ્યાં. ઢીંગલીબાઈની છઠ્ઠી આવી. સૌ સજીધજીને ભેટો લઈને આવવા લાગ્યાં. ઢીંગલીબાઈનું નામકરણ કરવામાં આવ્યું હેલી - હેલીના જન્મથી જે આનંદની હેલી બધાંના જીવનમાં આવી તે અઢારવ
ર્ષ સુધી ચાલતી જ રહી.
હવે હેલીની અઢારમાં જન્મદિવસની ઉજવણી કરવાની હતી. ફરી બધાં ભેટો લઈને હાજર. એમાં હેલીના મામાએ હેલીને ભેટમાં આપ્યો સ્માર્ટ ફોન! સુનયનાએ કહ્યું, "ભાઈ, આટલી મોંઘી ભેટ હેલીને ન અપાય હોં." પણ ભાઈએ કંઈ સાંભળ્યું નહીં. બર્થડે કેક કાપીને હેલી તો ઉપડી સખીઓ સાથે ફરવા. ગાડીમાં ગીત ગાતા ગાતા બધાં બહુ જ દૂર જઈ ચડ્યાં, રસ્તો પણ ભૂલ્યાં અંતકડી રમવામાં, સેલ્ફી લેવામાં સૌ ભાન ભૂલ્યાં.
હવે શું કરવુ? આ તરફ ઘરે પણ સૌને ચિંતા થવા લાગી. પાંચેય બહેનપણીઓના ફોન લાગતાં ન હતાં. સુનયનાને મનમાં ધ્રાસકો પડ્યો, "આ મોબાઈલે જ નક્કી કંઈ કર્યું છે !"
મનમાં ને મનમાં બબડતી સુનયનાનો પિત્તો સાતમે આસમાને પહોંચ્યો હતો. તેવામાં લોકલ સમાચાર આવ્યાં તેમાં જણાવવામાં આવતું હતું કે, "પાંચ બહેનપણીઓ પર્વત ઉપર સેલ્ફી લેવામાં મસ્ત હતી ત્યારે એકનો પગ લપસ્યો અને બધાં એકસાથે ખીણમાં ગબડી પડ્યાં છે. તપાસકાર્ય અને રાહતકાર્ય ચાલુ જ છે. પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ ખડે પગે હાજર છે પણ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી."
બીજે દિવસે પાંચેય બહેનપણીની ભાળ મળી અને તે પાંચેય હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. સુનયના અને બીજા ચાર કુટુંબીજનો દોડ્યાં હોસ્પિટલ તરફ. સૌ કુશળમંગળ હતાં પણ હેલી અને તેની બહેનપણીઓએ પ્રતિજ્ઞા કરી કે જરૂર વગર મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો.