શરદપૂનમ
શરદપૂનમ
શરદપૂનમ આવે ને લોકો દૂધપૌંઆ બનાવે, સજીધજીને મજાનાં રાસ રમવા જાય, અગાસીમાં જઈને રાતે સોયમાં દોરો પરોવે, મંદિરે જઈને કૃષ્ણ ભગવાનને દૂધપૌંઆનો પ્રસાદ ધરે.
આવી તો પચાસેક શરદપૂનમ સુમતિબેનને બરાબર યાદ હતી. વળી, ઘરમાં રાંદલમાની સ્થાપના પણ ખરી એટલે ખીર-પડ પણ ધરવાનાં. સનાતનધર્મી સુમતિબેન માતાજીના ગરબા પણ ગાય અને સ્થાપના પણ કરે. પતિ શ્યામલાલ પણ પૂરતો સાથ સુમતિબેનને આપતા.
પૂજાપાઠથી માંડીને ઘરવખરીની બધી જ વસ્તુઓની ખરીદી શ્યામલાલ કરતાં. સુમતિબેન ચાર બાળકોને મોટા કરીને ભણાવી ગણાવીને તેમજ એક દીકરીને સાસરે વળાવી ચૂક્યાં હતાં.
ત્રણ દીકરાઓ પણ અત્યંત માયાળુ, કમાતા ધમાતા, પત્નીઓ અને માતાપિતાને ખુશ રાખનારાઓ અને સમાજમાં એક આદર્શ કુટુંબનું બિરૂદ મેળવેલું હતું.
"દિવસો સરખા કોઈના જતા નથી." એ ન્યાયે બે વર્ષ પહેલાં જ સુમતિબેનનો પગ લપસ્યો અને સૌ બેબાકળા બની ગયા. દેશી ઉપચારમાં માનનારાં સુમતિ
બેન હોસ્પિટલ જવા રાજી ન હતાં, પરંતુ બાળકો અને પતિ સામે નમતું મૂકવું પડ્યું.
હોસ્પિટલમાં પણ વ્યવસ્થિત સારવાર પછી અઠવાડિયામાં તો ઘરે આવી ગયાં. પરંતુ ફરી અચાનક સુમતિબેનનો શ્વાસ રૂંધાતા ડોક્ટરને બોલાવ્યા, યોગ્ય સારવાર, પરિવારની અસરકારક માવજત, પછી પણ બે દિવસ પછી સુમતિબેને નીંદરમાં જ બધાંને અલવિદા કહી દીધી. શાંતિથી તેમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું.
એ શરદપૂનમની સવારે સૌ જાગ્યા પછી તો બધાંને ખબર પડી કે સુમતિબેન હાથતાળી દઈ છટકી ગયા છે. એ જ દિવસે સુમતિબેનના બાપુજીનો પણ દેહવિલય થયો હતો. માવતર પક્ષમાં કોઈ ન હોવાથી આ દિવસે સુમતિબેન શ્રદ્ધાંજલિ રૂપે કંઈ દાન અવશ્ય કરતાં અને બાપુજીના ફોટાને વંદન કરતાં.
હવે બે વરસથી બબ્બે ફોટાઓની સામે ભોગ ધરવામાં આવે છે અને મહેતા પરિવાર બ્રહ્મભોજન, બટુકભોજન અને સૌભાગ્યવતી ભોજન કરાવે છે.
શ્યામલાલ ત્યારે એક જ વાક્ય બોલે છે "બાપ મરજો પણ કોઈની મા અને પત્ની ન મરશો."