ભૂતની પોલ
ભૂતની પોલ


ભારત આઝાદ થયું ત્યારે ગામડાની સ્થિતિ બહુ કંગાળ. કોઈના ઘરમાં ભાગ્યે જ 50-100 રૂપિયા રોકડા મળી આવે. 1950-60ના દાયકામાં નાનડિયાનાં મોટા ભાગના ઘર નળિયાવાળા. ઘર એટલે માટીની કાચી દીવાલ, બાવળના લાકડાના માપ સાઈઝ વગરના બારી બારણાં ને દીવાલો ઊંટની જેમ વાંકીચૂકી. ઘરમાં ઢોર પણ બંધાય ને ખેતીનો સામાન, ઢોરનો ચારો ને ફળિયામાં ઢોલિયા પડ્યા હોય. ઘર એટલે મોટો ઓરડો ને ઉપર નળિયા. બજારની દૂકાનો પણ લગભગ આવી જ. નળિયા ગોઠવવા દીવાલો ઉપર લાંબા જાડા લાકડા ગોઠવ્યા હોય, મુખ્ય લાકડાને જેને આડસર કહેવાય, તેની વચ્ચે ઘરની મધ્યમાં ટેકા માટે ઉભો થાંભલો હોય. જાડા લાકડાની ઉપર આડા નાના લાકડા ને ડાળીઓ ગોઠવી તેની ઉપર લાઈનબંધ નળિયા ગોઠવ્યા હોય.
નાનડિયા નવાબનું ગામ. ખેતીની પેદાશનો ત્રીજો ભાગ નવાબ ટેક્સ પેટે લઇ જાય. અત્યારે ઓનલાઇન ટેક્સ ભરનારને ત્યારની ટેક્સ ઉઘરાવવાની પદ્ધતિ જાણીને નવાઈ લાગશે. ગામની ફરતે કાંટાની વાળ. ગામની અંદર આવવાનો એક જ રસ્તો જ્યાં નવાબના માણસો ટેક્સ ઉઘરાવવા ઉભા રહે. ત્યારના ગામડામાં આવક માત્ર ખેતીની જ. ખેતીની જે કંઈ પેદાશ થાય તે ગામમાં ગાડાથી કે જાતે ઉપાડીને લાવવાની. ગામના ઝાંપે માલ લઇને નીકળે એટલે દરબારના માણસો ત્રીજો ભાગ લઈને જ ખેડૂતને ગામમાં પ્રવેશ આપે ને એનો કોઈ હિસાબ કિતાબ નહિ કે ના મળે એની પંહોચ.
ગામમાં બહુ થોડા ખેડૂત સુખી બાકી બધા ખાતાંપીતા. ઠીકઠીક મોટા ખેડૂત પોતાના ખેતરનું ને ઢોરઢાંખરનું કામ કરવા સાથી રાખે. સાથી ચોવીસ કલાક ખેડૂતના ઘરે જ રહે. સવાર સાંજ ઢોરનું વાસીદું, પાણી પાવાનું, ચારો નાખવાનું કામ કરી શિરામણ કરી ખેતરે જાય. સાંજ સુધી ખેતરનું કામ કરે ને ખેડૂત સાથીને બપોરે ભાટ આપી આવે. સાંજે ખેતીનું કામ કરી, સાથે ઢોર માટે ચારો લાવવાનો ને ખેતીની પેદાશ થઇ હોય તે ગાડામાં નાખી લાવવાની. સાંજે વાળું પાણી કરી ઢોરને નીરણ નાખી ઢોર બાંધવાની કોઢ કે ડેલે સુઈ જવાનું.
મારા પિતા અમારા એક કુટુંબી કાકીને ત્યાં સાથી તરીકે કામ કરે. સાથીનો વાર્ષિક કરાર હોય, ધુળેટીથી આવતી હોળી સુધીનો. વર્ષનું મહેનતાણું રૂપિયા છસો, બે જોડી કપડાં, પગરખાં ને જમવાનું ખેડૂતને ત્યાં જ. કચરભાઈની જુવાની, ત્રીસેક વરસની ઉંમર. નવા નવા સાથી તરીકે રહ્યા ત્યારે 'જવી મા' જે એમના નજીકના કાકી થાય તેમણે ચેતવ્યા કે આપણે ડેલે ભૂત થાય છે એટલે તારે ડેલે ઢોરને નીરણ નાખી સુવાનું ઘરે જ. મારા પિતા કહે ભૂત બ્રૂત હોય નહિ, એ તો તૂત હોય ને ભૂત હોય તો મારે જોવું છે. કાકીએ બહુ કહ્યું પણ મારા પિતાએ હઠ પકડી કે મારે ભૂત જોવું જ નથી પણ પકડવું છે. પેલે દિવસે ડેલે ઢોરને નીરણ નાખી ને ખાટલે સુવા જાય ત્યાં અવાજ આવ્યો ભૂત જેવો જ હુ... હુ... હુ...હુ... પિતાને અમે બાપુજી કહેતા, તેમણે ગભરાયા વગર પોતાનું ફાળિયું છોડીને ખાટલામાં સુતેલા ભૂતને બાંધી દીધું. ભૂતે છૂટવા બહુ કોશિશ કરી, પણ કંઈ મેળ ના પડ્યો એટલે બોલ્યો કચરાભાઈ મને છોડી દ્યો હું કરસંગ છું. કરસંગે પોતે કઈ જ્ઞાતિનો છે તે પણ કીધું. પણ અત્યારે તો કોઈ જ્ઞાતિનું વાર્તામાં નામ લખો તો આખી જ્ઞાતિ તૂટી પડે એટલે એટલે એવું લખવાનું ટાળવું પડે છે. જોકે કોઈ જ્ઞાતિ કે કુટુંબમાં એક માણસ ખરાબ હોય તો કાંઈ આખી જ્ઞાતિ ખરાબ હોતી નથી. કચરબાપાએ કરસંગને પછેડીથી બાંધી દીધો ને ગામના પોલીસ પટેલને બોલાવી પકડાવી દીધો.
ગામમાં પટેલ સિવાયના વસવાયાં કહેવાય. નાનડિયા ગામમાં એક વસવાયાં ભાઈ રહે જેનું નામ કરસંગ. કરસંગ કામનો તો ચોર પણ રાતનો એનો ધંધો પણ ચોરીનો. રોજ રાતે આવી ને 'જવી મા'ને ડેલે સુઈ જાય. મોકો મળે એટલે ગામમાં ચોરીનો ખેલ પાડે. પોલીસ પટેલે ભૂતની ઉલટતપાસ કરી તો ગામની કેટલી બધી ચોરીનો હિસાબ મળી ગયો. કરસંગ ગામમાં રહે એટલે કોણ પૈસાપાત્ર છે અને કોનું ઘર ક્યાં છે ને કેવું છે તેની રેકી કરે. રાત પડે એટલે ઘરની ઉપર ચડી વચ્ચેથી નળીયા ઉખાડી જ્યાં થાંભલો હોય ત્યાંથી ઘરમાં નીચે ઉતરે. એને ચોરી કરી ભાગવાની કોઈ ઉતાવળ નહિ. જો ઘરમાં ચોરી કરતો હોય તો, રસોડામાં ભજીયા બનાવી ખાય, સંડાસ પાણી કરે ને પછી અગાઉ ચોરીના માલના પોટલાં તૈયાર કર્યાં હોય તે થાંભલેથી ઉપર ચડી લેતો જાય. ઉખાડેલા નળીયા સરખો કરી કોઈના ડેલે સુઈ જાય. પછી તો પંથકમાં આવી ચોરીની પેટર્ન હોય તો ચોર કરસંગ જ હોય એવું પોલીસ માનતી ને ખરેખર એવું જ હોય. કરસંગ ચોરી કરે એટલે ત્યાં નાસ્તો કરે ને સંડાસ જાય. પછી તો એણે ગામ છોડી દીધું, ને ત્રીસ-પાંત્રીસ વર્ષ પછી એક દિવસ સોંરાષ્ટ્રનુ છાપું વાંચ્યું તો ગીરમાં એક ગામમાં એવી ચોરી થઈ એમાં કરસંગનું જ નામ હતું. મતલબ કે ચાલીસ - પચાસ વર્ષ પછી પણ કરસંગ ઘરડો થયા પછી પણ સાર્થક કરતો હતો કે વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ના ભૂલે.