અનમોલ ભેટ
અનમોલ ભેટ
કુદરતનાં સાનિધ્યમાં આવેલું "કનકપુર" નામનું એક ગામ. ચારે બાજુ લીલોતરી આંખને તો જાણે એટલી ઠંડક મળે કે ન પૂછો વાત. આવાં સુંદર અને કુદરતી વાતાવરણમાં આવેલો એક આશ્રમ. જેમાં એક ઋષિ રહેતા હતા. અને એ આશ્રમમાં જ રહીને ઘણા બાળકો ગુરુ શિક્ષણ મેળવતા હતા.
ઋષિ સ્વભાવે એકદમ શાંત અને પ્રકૃતિપ્રેમી હતા. રોજનો તેમનો નિયમ હતો કે, રોજ પાંચ વૃક્ષો વાવવા. ઋષિનાં આ ઉમદા કાર્યમાં આશ્રમનાં બાળકો પણ જોડાતાં. દરેક બાળકોનો પણ સંકલ્પ હતો કે, રોજ એક વૃક્ષ વાવવું. કહેવત છે ને કે, "જેવો રાજા તેવી પ્રજા" આ કહેવતને આશ્રમનાં બાળકો એ જાણે સિદ્ધ કરી બતાવી હતી. ઋષિ પણ રોજ પાંચ વૃક્ષો વાવતાં અને તેમનાં બાળકો પણ રોજ એક વૃક્ષ વાવતાં અને સવાર થી સાંજ સુધી નાનાં બાળકની જેમ એ છોડની સાર સંભાળ લેતા.
એ આશ્રમમાં એક નવાં બાળકે પ્રવેશ લીધો. એ બાળકને આશ્રમમાં ખુબ મજા આવતી. કેમકે, ઋષિએ બાળકો માટે આશ્રમમાં અલગ-અલગ વૃક્ષોની છત્ર છાયા નીચે રમવાની, હીંચકા ખાવાની, સત્સંગ કરવાની, વ્યવસ્થા કરેલી જ હતી. જેથી બાળકોને આશ્રમમાં ખુબ મજા આવતી. બાળકો સંસ્કૃતિનાં જ્ઞાનની સાથે સાથે પ્રકૃતિનું પણ જ્ઞાન મેળવતાં અને ખૂબ મોજ કરતાં.
એક દિવસ આ નવાં બાળકે ઋષિ ને પૂછ્યું કે, હવે તો તમારી ઉંમર થઈ ગઈ છે. તો શા માટે હવે આ વૃક્ષો વાવવાનો નિયમ હજુ પણ ચાલું જ છે ? તમને તો આ વૃક્ષો હવે કામમાં આવવાનાં નથી કેમકે, એને મોટાં થતાં અને ફળ આપતાં ઘણા વર્ષો નીકળી જશે. બાળકનો આ પ્રશ્ન સાંભળતાં જ ઋષિ તેને સુંદર જવાબ આપે છે,
"દીકરા, આ ફૂલ છોડ હું મારા માટે નથી ઉગાડતો, પરંતુ આવનારી પેઢી આ વૃક્ષની છત્રછાયામાં મોટી થશે, ફળો ખાસે, અને કુદરતનાં સાનિધ્યનો આનંદ મેળવશે. એટલાં માટે હું મહેનત કરું છું કે, આવનારી પેઢી "કુદરતી સંપત્તિથી ભરપુર રહે" અને "વૃક્ષોનું મહત્વ" સમજે. "જેવું કરશો તેવું જ મેળવશો" "જેવું આપશો, તેવું જ પામશો."
