અંધકારમાં પ્રકાશ
અંધકારમાં પ્રકાશ
કાવ્યા અને દિવ્યા બંને બેનો સાસરેથી આવી હતી. એમની માતા સુરેખાબેન ઓચિંતા સ્વર્ગે સિધાવ્યા હતા. એ બંને બેનો પિતાને વળગી બહુ રોઈ. એમના માતા પિતા વચ્ચે ખૂબ ખૂબ પ્રેમ હતો. માતાના જવાથી પિતા ખૂબ ભાંગી ગયા હતા.બંને બેનો પિતાને જોઈ દુઃખી થતી હતી.
માતાના શુદ્ધિકરણના કાર્યક્રમ પછી બંને બેનો માતાના રૂમમાં આવીને એમની અલમારી ખોલી. ત્યાં હરેક વસ્તુઓ જોઈ માતાની યાદમાં બહુ રડતી હતી. માતાના પર્સમાંથી એક બંધ કવર એમને મળ્યું. એ કવર પર કાવ્યાનું નામ હતું. ધડકતા હૈયે પત્ર ખોલી અશ્રુ સાથે મોટી બેન કાવ્યાએ વાંચવાની શરૂઆત કરી હતી.
"મારી વ્હાલી દીકરી કાવ્યા ને દિવ્યા,
આ પત્ર જ્યારે તમારા હાથમાં આવશે ત્યારે હું નહીં રહું. પરંતુ મારા જિંદગીનો એક રહસ્ય કહેવા હું આ પત્ર લખું છું અને મારા હૃદયનો બોજ ઓછો કરું છું. આ પત્ર વાંચી જિંદગીભર આ વાત તમારાથી છુપાવા માટે તમારી માતાને માફ કરવી કે ના કરવી એ તમારા પર છે, પણ મેં તમારા પપ્પાને વચન આપ્યું હતું કે હું જીવતાજીવ આ રહસ્ય જિંદગીભર કોઈને ના કહું.
બેટા કાવ્યા, મારા યુવાનીમાં મેં એક ગલત વ્યક્તિ પર ભરોસો કરી મારા માતાપિતાનાં વિરોધમાં જઈને પ્રેમવિવાહ કર્યો હતો. એકજ વર્ષમાં કાવ્યા તારો જન્મ થયો હતો. એ ખૂબ ખરાબ વ્યક્તિ નીકળ્યો હતો એને અનેક ખરાબ આદતો હતી. એ દારૂના નશામાં મને મારતો હતો, પણ મારી ભૂલ થઈ હતી એટલે હું સહન કરતી હતી. જ્યારે એક વર્ષની મારી દીકરી કાવ્યાનો જન્મદિન કરવાનું મેં કહ્યુ હતું તો એ રાક્ષસ તારા પર હાથ ઉપાડવા જતો હતો ત્યારે હું તને લઈ એનું ઘર છોડી ભાગી ગઈ હતી.
હું પૂનમની એ રાત્રે સાગર કિનારે તને લઈ રડતી બેસી હતી. હું તારા સાથેજ સાગરમાં ઝંપલાવીને આત્મહત્યા કરવા માંગતી હતી અને શેઠ મળ્યા. એમણે મને અને તને બચાવી હતી. મને વિશ્વાસ આપી ઘરે લઈ ગયા અને મારા સાથે લગ્ન કર્યા. શેઠે મને અને તને નવી જિંદગી આપી હતી. અને મારા અંધકારભર્યા જીવનમાં નવો સૂર્યોદય ઉગાવ્યો હતો. એ આપણને બહુ જ પ્રેમ કરતા હતા. પછી ચાર વર્ષ પછી મેં દિવ્યાને જન્મ આપ્યો હતો. શેઠને મેં વચન આપ્યું હતું તે નિભાવ્યું.
હવે પત્ર લખવાનું કારણ એ છે બેટા કે શેઠ મારા જવાથી બહુ ભાંગી જશે એ મને ખુબ પ્રેમ કરતા હતા. દિવ્યા પણ તૂટી જશે તો તેમનું ધ્યાન તું રાખજે. તારા માતાની ભૂલ માફ કરી તારા પાલકપિતા જેમણે એક પિતાથી વધુ તને પ્રેમ કર્યો છે એમને સાચવજે. જેમણે તારા અને દિવ્યામાં કોઈ ફરક જોયો નથી, કોઈ મતભેદ કર્યો નથી, એમના પર એક મોટી દીકરી તરીકે તારી વધુ ફરજ છે. મારા શેઠનું ખ્યાલ રાખજે બેટા અને મારા વચનની લાજ રાખજે. શેઠને ખબર ના પડવી જોઈએ આ પત્ર વિશે. મારા હૃદયનો ભાર હલકો થયો હું શાંતિથી હવે મરીશ. મારા પાછળ રડશો નહીં એકબીજાનું ધ્યાન રાખજો. તમારા વચ્ચે પ્રેમ બનાવી રાખજો. મારા શેઠની ઉદારતા સદા તમારા મનમાં રાખજો. જિંદગીમાં જેમણે આપણાં અંધકારભરી કાળી રાત્રીને, સૂર્યોદયનાં પ્રકાશમાં ફેરવી હતી એમનાં જીવનમાં પ્રકાશ જાળવી રાખજો.
એજ લિ. તારી મમ્મીનાં આશિર્વાદ."
બંને બેનો પત્ર વાંચી ફાડી નાંખ્યો અને આ વાત પિતાને કોઈ દિવસ નહીં કહેશે એવું એકમેકને વચન આપ્યુ. બંનેના હૃદયમાં પોતાના પિતા અને માતાના શેઠની ઈજ્જત, પ્રેમ અને આદર હતો એના કરતાં હજારગણો વધી ગયો તેવોએ હંમેશા અંધકારમાં પ્રકાશ આપવાવાળા પોતાના પિતાની જિંદગીમાં ખુશીઓનો પ્રકાશ પાથર્યો.
