અમૃતમયી આઝાદી
અમૃતમયી આઝાદી
આઝાદી શબ્દમાં ખુમારીનો ભાવ ઉદ્ભવે છે. ભારતદેશની આઝાદીનાં અમૃત મહોત્સવનાં સમાએ આઝાદી અમૃતમયી લાગે છે? ૭૫ વર્ષ પહેલાં મળેલી આઝાદી કંઈ એક-બે વર્ષની લડતનું પરિણામ નથી. એ આઝાદીનાં બીજ, આઝાદી મળ્યાનાં સૈકા પહેલાં રોપાઈ ગયા હતાં, જેનું પ્રથમ પુષ્પ એટલે ૧૮૫૭નો વિપ્લવ. જેમ સમુદ્રમંથન દરમિયાન અમૃત મેળવતાં પહેલાં દેવાધિદેવને વિષપાન કરવું પડ્યું, એ જ પ્રમાણે આઝાદીનાં મીઠાં ફળને પામવા કેટલાંય નેતાઓ, ક્રાંતિવીરો અને લડવૈયાઓએ શહાદત વહોરી. દરેક સિક્કાની બે બાજુની જેમ આઝાદીનાં આ ૭૫ વર્ષોમાં સારાં-નરસાં પાસાંઓ સાથે દેશ વિકાસનાં ધ્યેય તરફ આગળ વધી રહ્યો છે.
આઝાદી સમયે લોખંડી પુરુષે ૫૬૫ નાનાં-નાનાં રજવાડાંઓનાં વિલીનીકરણ માટે કરેલાં પ્રયત્ન સામે ઈ.સ. ૨૦૦૦માં દેશમાં ૩ નવાં રાજ્યોનો જન્મ થયો. આઝાદી સમયે થયેલ ભારત-પાકિસ્તાનનાં વિભાજન સમયથી સળગતાં પ્રશ્ન કાશ્મીરની ચિનગારીઓ હજુ પણ દઝાડી રહી છે. બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી હકારાત્મક પાસું છે.
ધર્મનિરપેક્ષતા અને સર્વધર્મ સમભાવનાં બંધારણે ઘડાયેલાં આ દેશમાં ધર્મઝનૂનીઓ કોમી વેરભાવનાં દાનવને વિકરાળ બનાવી રહ્યાં છે, જે દેશની અખંડિતતા ને એકતામાં બાધક બની રહ્યાં છે.
દેશની બાહ્ય સરહદની સુરક્ષા સાથે આંતરિક દુશ્મનો સામે ટક્કર ઝીલીને, કૃષિપ્રધાન દેશ હોવાની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રે હરણફાળ ભરીને અર્થતંત્ર મક્કમ ડગલાં ભરી પ્રગતિનાં પંથે આગળ વધી રહ્યું છે. દેશની શિક્ષણપ્રથાએ વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રોમાં ડંકો ભરતી પ્રતિભાઓની ભેટ આપી છે, તો અંગ્રેજી ભાષા તરફનો વધુ પડતો ઝુકાવ આવનારી પેઢીઓને માતૃભાષાનાં જ્ઞાનથી વંચિત કરી રહ્યો છે.
આઝાદી પૂર્વે જોવા મળેલ સ્ત્રીઓની પરિસ્થિતિમાં કોઈ નક્કર સુધારો જોવા નથી મળી રહ્યો, આજે પણ સ્ત્રીઓ અસલામાતીનાં દ્વારે ઊભેલી જોવા મળે છે. કન્યા કેળવણી, સુકન્યા યોજના દ્વારા મહિલા ઉન્નતિકરણ અને સશક્તિકરણનું પગલાં આવકારદાયક છે.
અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોથી મુક્ત થયેલો આપણો દેશ અને જનતા ગુલામીની માનસિકતાથી બહાર આવી છે કે નહીં એ વિચાર માંગી લેતો વિષય છૈ.
"પ્રાણથી પ્યારી છે આઝાદી,
ના બનશો વિવશતાનાં કેદી,
ઉજવીએ ઉત્સવ મહામૂલો,
માણીએ રસ આ અમૃતનો."
ચાલો, સૌ ભેગાં મળીને અમૃતમયી આઝાદીનાં આ અવસરને માણવાની સાથે આઝાદીનાં શતાબ્દી મહોત્સવનાં સમયગાળા સુધી દેશનાં વિકાસનાં લક્ષ્યનો સંકલ્પ કરીએ.