ઓનલાઈન શિક્ષણ
ઓનલાઈન શિક્ષણ
પચાસ વર્ષનાં નિલીમાબેન પ્રતિભાશાળી અને વિદ્યાર્થીઓનાં પ્રિય શિક્ષિકા હતાં. તેઓ ઓનલાઈન શિક્ષણનાં કારણે શિક્ષકો પર વધી રહેલ કામનું ભારણ, વિદ્યાર્થીઓ અને વાલીઓની અપેક્ષા પર ખરાં ઊતરવાનું દબાણ, તોફાની વિદ્યાર્થીઓ દ્વારા થતી કનડગત સાથે કપાત પગારની માહિતી આપતો, જાણીતાં શિક્ષણવિદે લખેલ એક લેખ વાંચી રહ્યાં હતાં.
એ જ સમયે ટી.વી. પર રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા ઓનલાઈન શિક્ષણ સફળતાપૂર્વક ચાલતું હોવાના સમાચાર પ્રસારિત થઈ રહ્યાં હતાં.
ખિન્ન થઈ ગયેલા નિલીમા બહેને ટી વી બંધ કરી દીધું ને પોતાનો અજંપો દૂર કરવા બહાર જઈ રહ્યાં હતાં, ત્યાં જ એમનાં વિદ્યાર્થીની મમ્મીનો વિડિયો કોલ આવ્યો, "સવારે એમને નેટ પ્રોબ્લેમને કારણે કશું સમજાયું ન હતું, તો ફરીથી સમજાવવા માટે વિનંતી." નિલીમાબહેને અજંપો ખંખેર્યો અને લેપટોપ ખોલ્યું.