વારસો
વારસો
સિત્તેરની જૈફ વયે પહોંચેલ ગંગાબેનને લગ્નજીવનનાં પચાસ વર્ષે પણ પતિ તરફથી અવહેલના પામતાં જોઈ, તેમની આઠેક વર્ષની દોહિત્રી દુઃખી થતી. તે તેની મમ્મીને કહેતી કે નાના કેમ નાની જોડે આવું વર્તન કરે છે ? પિતાનાં માતા જોડે આવાં વર્તનથી લાચારી અનુભવતાં સંતાનો પિતાનાં ગુસ્સા સામે મૂક બની રહેતાં.
દોહિત્રી સોનુને ગંગાબેનનાં હાથની ચોકલેટ અને અથાણાં બહુ ભાવતાં. વેકેશનમાં મોસાળ જાય ત્યારે તે નાની જોડે ચોકલેટ બનાવતી અને તેમને અથાણાં બનાવતાં જોઈ રહેતી. શાળામાં તેનાં મિત્રોને સોનુનાં લંચબોક્સમાં આવતાં અથાણાં બહુ ભાવતાં. એક દિવસ આવી જ કોઈ વાત વાતમાં સોનુને વિચાર સ્ફૂર્યો કે નાની ઘરે ચોકલેટ અને અથાણાં બનાવે અને હું મારા મિત્રો થકી એનું વેચાણ કરાવું તો નાનીમાં આત્મવિશ્વાસ આવશે અને તેમને આત્મસંતોષ મળશે.
તેણે આ વિચાર તેની મમ્મીને જણાવી કોઈ પણ બહાને નાનીને થોડાં
દિવસ પોતાનાં ઘરે બોલાવવાં કહ્યું. દીકરીની સમજણભરી વાત સાંભળી સોનુની મમ્મી તેને સહકાર આપવા તૈયાર થઈ.
ગંગાબેનને ઘરે બોલાવી સોનુએ પોતાનો વિચાર જણાવતાં તેમની આંખોમાં ચમક આવી. તેમણે સોનુ અને તેની મમ્મીની મદદથી સોનુનાં મિત્રો માટે ચોકલેટ અને અથાણાં બનાવીને વેચ્યાં, સાથે સાથે સોનુનાં પડોશીઓએ પણ પોતાનો ઓર્ડર આપ્યો. બે મહિનાનાં ગાળામાં ગંગાબેનની ચોકલેટ અને અથાણાં કેટલાંય ઘરે પહોંચી ગયાં. સોનુનાં એક વિચારે ગંગાબેનનાં જીવનમાં ઉત્સાહનો સંચાર કર્યો અને તેમનાં પતિને પણ ગંગાબેનની આવડતની ઓળખ કરાવી. દોહિત્રી સોનુનાં કારણે પોતાની ઊભી થયેલ ઓળખને કારણે ગંગાબેને પોતાનાં અથાણાંને 'સોનુ'ઝ' નામ આપી બજારમાં મૂક્યું. વિશ્વ મહિલા દિવસે ગંગાબેનને 'ધ એલ્ડેસ્ટ એન્ટરપ્રિન્યોર' ઍવોર્ડ મળ્યો અને તેમણે તેમની ચોકલેટ અને અથાણાંની રેસિપીનો વારસો સોનુને આપવાનો નિર્ણય કર્યો.