પુલકિતનાં શિક્ષકો
પુલકિતનાં શિક્ષકો
"વાત હોય જો શૈશવની યાદોની,
તો કેમ ભૂલું મારી શાળાને ?
શિક્ષકો થકી ઉજળી શાળા,
ભાવિ નાગરિકનાં ઘડતર કાજે."
શૈશવ અને શાળા એટલે એક સિક્કાની જ બે બાજુ. એક વિદ્યાર્થી તરીકે દિવસનાં છ થી આઠ કલાક શાળામાં શિક્ષકો તથા સહાધ્યાયીઓ સાથે વીતે. એ સમય એટલે શૈશવનું સોનેરી સંભારણું, વિદ્યાર્થી નટખટ હોય કે ભણેશ્રી, દરેકનાં શાળાજીવનનાં સંસ્મરણો હોય જ.
મેં ધોરણ ૩માં નવી શાળામાં દાખલો લીધો. શાળાનું નામ પુલકિત એકદમ યથાર્થ, કારણકે એ શાળાનાં શિક્ષકો અમારાં સૌનાં જીવનને ભાર વગરનાં ભણતર સાથે આનંદથી છલકાવી રહ્યાં હતાં.
ધોરણ ૪નાં મધ્યમાં અમે નવાં ઘરે રહેવાં ગયાં. મમ્મી પપ્પા બંને કામ પર જાય એટલું હું અને ભાઈ ઘરે એકલાં હોઈએ. શાળાનો સમય ૧૨ થી ૬, એટલે પપ્પા ૧૧.૩૦ ઘરે આવે અને અમને શાળાએ મૂકી જાય. એ સમયે મમ્મી પપ્પા બંને પાસે લ્યૂના હતું. સાંજે ૬ વાગે પપ્પા લેવા આવે, ક્યારેક પપ્પાને ન ફાવે ત્યારે મમ્મી લેવા આવે. એક વાર ૬.૩૦ સુધી મમ્મી કે પપ્પા કોઈ લેવા ન આવ્યું. શાળાનાં શિક્ષકો પણ જતાં રહ્યાં. અમારાં રમત-ગમતનાં શિક્ષક અમારી જોડે રાહ જોતાં ઊભા રહ્યાં. મારો નાનો ભાઈ રડું રડું થઈ ગયો. હું જરા હિંમતવાળી એટલે એને સમજ
ાવું, "ચિંતા ના કર, રડ નહીં, એ લોકો કંઈક કામમાં હશે, હમણાં આવશે." અમારા શિક્ષકે મને પૂછ્યું, "લેશન ડાયરીમાં ઘરનું સરનામું છે ને ? ચાલો હું ઘરે મૂકી જાઉં અને તમારા વાલી લેવા આવશે તો પટાવાળા જણાવી દેશે." મેં કહ્યું, "એમાં જૂના ઘરનું સરનામું છે." (હું ઘણીવાર એકદમ સ્પીડમાં બોલું તો ક્યારેક શબ્દો ભેગાં થઈ જાય, મારા શિક્ષકને સંભળાયું - જૂનાગઢ) શિક્ષકે પૂછ્યું, "તમે જૂનાગઢ રહેતાં હતાં ?" એ સમયે મને એમની વાત ન સમજાઈ. મેં કહ્યું, "અમે નવા ઘરે રહેવાં ગયાં છે. એનું સરનામું આ ડાયરીમાં નથી લખ્યું, પણ મને ઘરનો રસ્તો યાદ છે."
અમારાં શિક્ષક એમની સાઈકલ પર અમને બેસાડીને ઘરે મૂકવાં આવતાં હતાં, ત્યાં અડધે રસ્તે મમ્મી લ્યૂના પર મળ્યાં. પપ્પાને કામ હોવાથી મમ્મી લેવાં આવતાં હતાં, પણ એમનું લ્યૂના બગડી જવાથી એમને આવતાં મોડું થયું. એ પણ ચિંતિત હતાં કે અમે ગભરાઈ ગયાં હોઈશું. અમારાં શિક્ષકે અમારી રાખેલ કાળજી તથા ઘર સુધી મૂકવા આવવાની જહેમત માટે મમ્મીએ એમનો આભાર માન્યો.
એ શાળાનાં દરેક શિક્ષકો ફક્ત અમારાં ભણતર નહીં પણ જીવનઘડતર માટે પણ કટિબદ્ધ હતાં. મારાં એ વહાલાં શિક્ષકોને મારા જીવનને પુલકિતમય બનાવવાં માટે શતશત વંદન અને કોટિ કોટિ વંદન.