ભેટ
ભેટ
નિલય અને નિશા મધ્યમવર્ગીય કુટુંબનાં સંતાનો. નિલય મોટો અને નિશા એનાથી પાંચેક વર્ષ નાની. ઘરની આર્થિક પરિસ્થિતિનાં કારણે નિશાને નિલયની વસ્તુઓ અને પુસ્તકો વાપરવા પડતાં, પરંતુ નિશા તેમાં પણ ખુશ, કારણ તેને ભણવા મળતું હતું. નિશાએ સારાં ગુણો સાથે દસમું ધોરણ પાસ કર્યું ત્યારે નિલયે સામાન્ય ટકાવારી સાથે બી.કોમ.ની ડિગ્રી મેળવી.
નિશા ભણવામાં હોંશિયાર હતી અને તેની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી, પરંતુ મા-બાપે તેને ઘરની આર્થિક પરિસ્થિતિનો ચિતાર આપી વિજ્ઞાનપ્રવાહ ન લેવા સમજાવ્યું. નિશા ઉદાસ થઈ ગઈ. આ જોઈ નિલય પણ દુઃખી થયો. તેણે મા-બાપને કહ્યું આજથી નિશાનાં ભણતરની જવાબદારી મારી, હું મહેનત કરી એને મનગમતી શાખામાં ભણાવી
શ. આ સાંભળી નિશા ખુશ થઈ ગઈ. બારમા ધોરણમાં સારી ટકાવારીનાં કારણે નિશાને મેડિકલ લાઈનમાં પ્રવેશ મળ્યો. નિશાનાં વધતાં ભણતરની સાથે નિલયની મહેનત પણ વધતી ગઈ. નિશાએ ડૉક્ટર બન્યાં પછીની પહેલી રક્ષાબંધને નિલયને રાખડી બાંધી, ત્યારે નિલયે પૂછ્યું , "તારે શું ભેટ જોઈએ છે ?" એ વખતે નિશાએ પોતાની મેડિકલ ડિગ્રીનું સર્ટિફિકેટ બતાવતાં કહ્યું, "ભાઈ તે મને ભણતરની ભેટ આપી છે, જેની સરખામણી કોઈ ભેટ સાથે ન થઈ શકે. બેનની રક્ષા સાથે બેનનાં મનગમતાં સ્વપ્નને હકીકત બનાવવાની ભેટ કોઈક જ ભાઈ આપી શકે."
નિલય અને નિશાનાં માતા-પિતા ભાઈ બહેનની પ્રીત જોઈ હરખાઈ રહ્યાં અને ઈશ્વરને આ પ્રીતનું બંધન અતૂટ રહે એ માટે પ્રાર્થી રહ્યાં.